Mon Oct 05 2026

Logo

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે હાર્દિકને હટાવી આ દિગ્ગજને કૅપ્ટન બનાવવાની એમઆઈને સલાહ આપી

2026-05-12 22:41:05
Author: Ajay Motiwala
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે હાર્દિકને હટાવી આ દિગ્ગજને કૅપ્ટન બનાવવાની એમઆઈને સલાહ આપી

BCCI/IPL


મુંબઈઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર (Manjrekar) સ્પષ્ટવક્તા છે, પોતાને જે ઠીક લાગે એ મીડિયા સમક્ષ વ્યક્ત કરી દેવામાં પાછીપાની નથી કરતા અને ક્યારેક ચર્ચાસ્પદ પણ થઈ જતા હોય છે અને એ સંજોગોમાં તેમણે એક મુલાકાતમાં કહ્યું છે કે `મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને કૅપ્ટનપદેથી હટાવી દેવો જોઈએ અને જસપ્રીત બુમરાહને તેના સ્થાને સુકાન સોંપી દેવું જોઈએ.'

મુંબઈ ઇન્ડિયન્સ પ્લે-ઑફની રેસની બહાર થઈ ગયું છે. હવે એની ત્રણ લીગ મૅચ (ગુરુવારે ધરમશાલામાં પંજાબ સામે, આવતા બુધવારે ઈડનમાં કોલકાતા સામે અને 24મી મેએ વાનખેડેમાં રાજસ્થાન સામે) બાકી છે. બે મૅચથી હાર્દિક પીઠની ઈજાને લીધે ન રમી શક્તા સૂર્યકુમાર સુકાન સંભાળે છે. હાર્દિકની કૅપ્ટન્સીની ક્રિકેટપ્રેમીઓ તેમ જ ક્રિકેટ પંડિતોએ ખૂબ ટીકા કરી છે.

માંજરેકરનું માનવું છે કે `એમઆઇની ટીમમાં ક્રિકેટ વિશેની બુમરાહમાં જેટલી સમજદારી છે એટલી મને બીજા કોઈનામાં નથી દેખાઈ. ઇંગ્લૅન્ડમાં શુભમન ગિલની પહેલાં તેને ભારતીય ટીમનું સુકાન સોંપવાની ઑફર થઈ હતી ત્યારે તેણે રસ નહોતો બતાવ્યો ત્યારે મને નવાઈ લાગી હતી. જોકે તેણે આઇપીએલમાં એ જવાબદારી સ્વીકારવી જ જોઈએ.'

માંજરેકરનું એવું પણ માનવું છે કે `એમઆઇએ 2024માં હાર્દિકને ગુજરાત પાસેથી ટ્રેડ-ડીલમાં મેળવ્યો ત્યારે હેડ-કોચ આશિષ નેહરાને પણ બોલાવી લેવો જોઈતો હતો, કારણકે ગુજરાતને ટાઇટલ અપાવવામાં બન્ને વચ્ચે બહુ સારો તાલમેલ હતો.'