Sat Jun 27 2026

Logo

મુંબઈ સમાચાર EXCLUSIVE: ટ્રેનના શૌચાલયમાં 1 કલાક સંતાયેલો બુટલેગર ઝડપાયો; દમણ-વાપીનું નેટવર્ક ખુલ્યું

2026-06-13 14:09:00
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, મુંબઈથી આવતી ટ્રેનોમાં દારૂની હેરાફેરીનો કિમીયો બુટલેગરો અજમાવી રહ્યા છે . ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો જાણે દારૂબંધીના દાવાઓ પોકળ સાબિત કરી રહ્યા છે . અને આ બુટલેગરો જાણે ગુજરાત પોલીસ , રેલવે પોલીસ અને તંત્રનો કોઈ  ખૌફ નથી તેવું સાબિત કરવા મથી રહ્યા છે. જુઓ મુંબઈ સમાચારનો EXCLUSIVE રિપોર્ટ .

શું છે મામલો?

મુંબઈથી ઉપડતી હમસફર એક્સપ્રેસ 21901 માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ટ્રેનના  દારૂની ખેપ મારતો એક શખ્સ ઝડપાયો હતો.  આ ટ્રેનમાં મુંબઈ સમાચારના પ્રતિનિધિ મુસાફરી કરી રહ્યા હતા. તેમણે TC સાથે વાત કરી હતી. TC એ જણાવ્યું કે 22 ડબ્બાની ટ્રેનમાં એક પણ રેલવે પોલીસનો જવાન ફરજ પર હાજર નથી.

ખેપિયો દારૂની બેગ સાથે બાથરૂમમાં ઘૂસી એક કલાકથી બેસી રહ્યો
 
મુસાફરોએ તપાસ કરતા જાણવા મળ્યું કે, એક ખેપિયો દારૂની બેગ સાથે બાથરૂમમાં ઘૂસી એક કલાકથી બેસી રહ્યો હતો. આ ઘટના ત્યારે વધુ ગંભીર બની જ્યારે જાણવા મળ્યું કે 22 ડબ્બાની આ આખી ટ્રેનમાં એક પણ રેલવે પોલીસનો જવાન ફરજ પર હાજર નહોતો. . મુસાફરો અને રેલવે કર્મચારીની હાજરીમાં જ જ્યારે આ શખ્સની પૂછપરછ કરી, ત્યારે તેણે કબૂલ્યું કે તે વાપીથી દારૂનો માલ લઈને નીકળ્યો છે અને આ તેનું રોજનું કામ છે. ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ કેટલો કડક છે, તેના પર હવે મોટા સવાલો ઉઠી રહ્યા છે. 

 ચાર-પાંચ દિવસમાં તો હું છૂટી જઈશઃ ખેપિયો
 
આ ખેપિયાએ કબૂલ્યું કે દમણથી આ માલ આવે છે અને વાપીના કુખ્યાત બુટલેગર શિવા માટે તે આ હેરાફેરી કરે છે. એટલું જ નહીં આ કામ માટે જાણે કોઈ જ ડર ન હોય હેરાફેરી કરે છે.  પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ ઉડાઉ જવાબ આપ્યો હતો કે જેલ થશે બીજું શું?  હમસફર એક્સપ્રેસમાં પકડાયેલા દારૂના ખેપિયાનું નિવેદન ચોંકાવનારું છે – 'ચાર-પાંચ દિવસમાં તો હું છૂટી જઈશ'.

આ એક વાક્ય સાબિત કરે છે કે બુટલેગરોના મનમાં કાયદાનો ડર નથી. વધુ ગંભીર વાત એ છે કે, જે દારૂની હેરાફેરી થઈ રહી છે તે નકલી હોવાની ચર્ચા છે. મુસાફરોનું માનવું છે કે આ નકલી દારૂ લોકોના સ્વાસ્થ્ય સાથે સીધો ખેલ છે. જેને કારણે વધુ એક લઠ્ઠાકાંડ થઇ શકે છે .  જ્યારે રેલવે જેવી જાહેર પરિવહન વ્યવસ્થામાં જ સુરક્ષાનો અભાવ હોય અને પોલીસની ગેરહાજરીમાં આ પ્રકારના કાળા કારોબાર ફૂલે-ફાલે, ત્યારે જવાબદારી કોની? શું રેલવે પોલીસ અને નશાના વેપારીઓ વચ્ચેની મિલીભગત જ આ આખા રેકેટનું એન્જિન છે? 
 
મુંબઈથી ઉપડતી ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતા ખેપિયા અને  અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જે રેલવે તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલ ઉભા કરે છે. અંદાજે 13 કલાકની ટ્રેનની મુસાફરીમાં મુસાફરોનો જીવ જોખમમાં છે, ત્યારે શું રેલવે પોલીસ અને તંત્ર કુંભકર્ણની નિદ્રામાં છે?