મુંબઈ: ભારે ચોમાસા પછી ફરી એક વખત મુંબઈ સહિત મહારાષ્ટ્રના રસ્તાઓની બિસ્માર હાલત અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. મુંબઈ-ગોવા હાઈવે (NH-66) પર ટોલની વસૂલાત શરૂ થતાં જ સ્થાનિક વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વર્ષોથી ચાલી રહેલા બાંધકામ અને આશરે રૂ. 16,000 કરોડના ખર્ચ છતાં હાઈ-વેના અનેક ભાગોમાં ખાડા, પાણી ભરાવું, ટ્રાફિક જામ અને મરમ્મત કામકાજની સમસ્યાઓ યથાવત્ છે.
આવી સ્થિતિમાં પનવેલ-પેણ વચ્ચેના ખારપાડા ટોલ પ્લાઝા પર રૂ. 100 ટોલ વસૂલાત શરૂ થતાં સ્થાનિકોએ તેનો વિરોધ શરૂ કર્યો છે. કેટલાક વાહનચાલકો તો ટોલ ચૂકવવાનું ટાળવા માટે હાઈ-વેનો બહિષ્કાર કરી સર્વિસ રોડનો ઉપયોગ કરી રહ્યા છે.
ટોલ ચૂકવ્યા બાદ પણ રસ્તાની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો ન જોવા મળતા વાહનચાલકો સવાલ કરી રહ્યા છે કે જ્યારે હાઈવે પર મુસાફરી જ મુશ્કેલ બની રહી છે ત્યારે ટોલ શા માટે ચૂકવવો? ચોમાસાના પ્રથમ વરસાદ બાદ નવા બનાવાયેલા ડામર અને સિમેન્ટ-કોંક્રિટના રસ્તા પર પણ ખાડા પડતાં રસ્તાની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. અનેક સ્થળે સમારકામને કારણે વાહનવ્યવહાર ધીમો પડ્યો છે અને ટ્રાફિક જામની સમસ્યા પણ વધી છે.
આ પ્રકરણે વડખાલના રહેવાસી વિશ્વજીત પાટીલે જણાવ્યું હતું કે, “અમે ટોલ તરીકે રૂ. 100 ચૂકવીએ છીએ, પરંતુ બદલામાં કેવી સેવા મળી રહી છે? રસ્તાઓ હજુ પણ ખાડાઓથી ભરેલા છે અને સમારકામ શરૂ હોવાને કારણે ટ્રાફિક પણ વધે છે.” તેમણે જણાવ્યું કે થોડા દિવસ પહેલાં ટ્રાફિક જામના કારણે તેમને કામ પર પહોંચવામાં બે કલાકનો વિલંબ થયો હતો.
સંગમેશ્વર સહિતના કેટલાક વિસ્તારોમાં રિટેનિંગ વોલ ધોવાઈ જવા અને વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાની ફરિયાદો પણ સામે આવી છે. બીજી તરફ, તારા ગામ નજીક પુલ પર ચાલી રહેલા સમારકામને કારણે પણ ટ્રાફિક જામ સર્જાયો હતો. આ સ્થિતિમાં સ્થાનિકોનો સવાલ છે કે હાઈવેના અધૂરા કામ અને નબળી સ્થિતિ વચ્ચે ટોલની વસૂલાત શરૂ કરવી હદે કેટલી યોગ્ય છે?
રોડ સેફ્ટી કાર્યકર અને એન્જિનિયર ચૈતન્ય પાટીલે પણ ટોલ વસૂલાત સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે 2025માં હાઈવેની સ્થિતિનું દસ્તાવેજીકરણ કરવા માટે 29 દિવસ સુધી પગપાળા પ્રવાસ કર્યો હતો.
પાટીલે જણાવ્યું હતું કે ટોલની વસૂલાત શરૂ થઈ ગઈ છે, પરંતુ સારી ગુણવત્તાવાળા રસ્તા હજુ પણ અનેક સ્થળે જોવા મળતા નથી. ખાસ કરીને નવા બનાવાયેલા રિઈન્ફોર્સ્ડ સિમેન્ટ-કોંક્રિટના રસ્તા પર પડેલા ખાડા માટે જવાબદારી નક્કી કરવાની માગણી તેમણે કરી છે.
દરમિયાન કન્નાળા પ્રાણી અભયારણ્ય નજીક એનએચએઆઈ દ્વારા 2021માં બનાવવામાં આવેલો મંકી ઓવરપાસ ધરાશાયી થતાં હાઈવેની સલામતી અંગે પણ સવાલો ઊભા થયા છે. આ વિસ્તાર અકસ્માતોના કારણે ‘બ્લેક સ્પોટ’ તરીકે ઓળખાય છે. ઓવરપાસનો ઉપયોગ ન કરી શકતા વાંદરાઓ હવે હાઈ-વે પાર કરતા જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહનચાલકો અને વન્યજીવો બંને માટે જોખમ વધી શકે છે.
એક તરફ ટોલ વસૂલાત શરૂ થઈ છે અને બીજી તરફ રસ્તાની ગુણવત્તા, અધૂરા કામ અને સલામતી અંગેની ફરિયાદો ચાલુ છે. પરિણામે સ્થાનિકોમાં હવે “સુવિધા નહીં તો ટોલ નહીં” જેવો વિરોધનો સૂર વધી રહ્યો છે.