Wed May 13 2026

Logo

ડૉક્ટરને બ્લૅકમેઈલ કરી 15 લાખની માગણી: મહિલા સહિત ચાર સામે ગુનો

2026-05-12 20:43:26
Author: Yogesh C. Patel
Article Image

મુંબઈ: જોગેશ્ર્વરીની પાલિકા સંચાલિત હૉસ્પિટલના ડૉક્ટરને કથિત રીતે બ્લૅકમેઈલ કરી 15 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કરવા બદલ મહિલા સહિત ચાર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી જોગેશ્ર્વરીની ટ્રોમા કૅર સેન્ટર હૉસ્પિટલમાં કામ કરતા 45 વર્ષના ડૉક્ટરે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરજના ભાગ રૂપે ડૉક્ટર હજયાત્રીઓના વૅક્સિનેશન અને ફિટનેસ સર્ટિફિકેટની વિગતો હજ પોર્ટલ પર અપલૉડ કરે છે.

ગયા સપ્તાહે એક મહિલા અને ત્રણ પુરુષની ટોળકી ડૉક્ટરને તેમની ઑફિસમાં મળવા આવી હતી. આ ટોળકીએ ડૉક્ટરને એક વીડિયો ક્લિપ દેખાડી હતી, જેમાં તે એક કૅફેમાં બેસીને પોતાના લૅપટોપ પર કામ કરતા નજરે પડે છે.

ફરિયાદ અનુસાર આરોપીઓએ સરકાર સંબંધી કામ ખાનગી સ્થળે કરીને ડૉક્ટરે નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનો દાવો કર્યો હતો. આ માટે તેમણે ગંભીર પરિણામ ભોગવવાં પડશે, એવું આરોપીએ કહ્યું હતું. આરોપીમાંથી એકે પોતાની ઓળખ ‘સૂર્યવંશી’ તરીકે આપી હતી. તેણે ડૉક્ટર પાસેથી 15 લાખ રૂપિયાની માગણી કરી હતી અને નાણાં ન ચૂકવે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

ડૉક્ટરનું કહેવું છે કે આઠમી એપ્રિલે તે કામ નિમિત્તે મલાડ ગયો હતો, જ્યાંના એક કૅફેમાં બેસીને તેણે લૅપટોપરની મદદથી વૅક્સિનેશન અને ફિટનેસ સર્ટિફિકેટ્સ અપલૉડ કર્યાં હતાં. તે સમયે આરોપીએ ચોરીછૂપીથી વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હોવાની શંકા ડૉક્ટરે વ્યક્ત કરી હતી.

આરોપી બ્લૅકમેઈલ કરી રહ્યા હોવાનું જણાતાં ડૉક્ટરે જોગેશ્ર્વરી પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)