Mon Oct 05 2026

Logo

જેલમાંથી ડ્રગ સિન્ડિકેટ ચલાવવામાં મદદ: પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ

2026-02-17 17:27:00
Author: Yogesh C. Patel
જેલમાંથી ડ્રગ સિન્ડિકેટ ચલાવવામાં મદદ: પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: સાતારા ડ્રગ્સ ફૅક્ટરી કેસના મુખ્ય આરોપીને જેલમાંથી ડ્રગ સિન્ડિકેટ ચલાવવામાં એક પોલીસ કોન્સ્ટેબલે મદદ કરી હોવાની ચોંકાવનારી માહિતી પોલીસ તપાસમાં સામે આવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-7ના અધિકારીઓએ જેલમાં સુરક્ષા માટે તહેનાત પોલીસ કોન્સ્ટેબલ બાળુ વ્હાણની ધરપકડ ધરપકડ કરી હતી. કોર્ટે તેને 21 ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચે સાતારામાં ધમધમતી મેફેડ્રોન ડ્રગ (એમડી)ની ફૅક્ટરી પર કાર્યવાહી કરી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી ફૈયાઝ શેખને સોલાપુરની જેલમાં રાખવામાં આવ્યો હતો. લગભગ છેલ્લા દોઢ વર્ષથી શેખ આ જ જેલમાં બંધ છે.

જેલમાં બંધ હોવા છતાં શેખે પોતાનું ડ્રગ્સ નેટવર્ક સક્રિય રાખ્યું હતું. શેખ મોબાઈલ ફોનથી દુબઈમાં રહેતા તેના પુત્રના સંપર્કમાં હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું. 
શેખના આ નેટવર્કની તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી માહિતી મળી હતી. શેખને મોબાઈલની વ્યવસ્થા જેલમાં સુરક્ષા માટે તહેનાત પોલીસ કોન્સ્ટેબલ ચવ્હાણ કરી આપતો હતો. ચવ્હાણના આપેલા મોબાઈલથી શેખ તેના ભાઈ અને સાથીઓનો સંપર્ક સાધી ડ્રગ્સ નેટવર્ક સક્રિય રાખતો હતો. આ કામ માટે ચવ્હાણે મોટી રકમ લીધી હોવાનો આરોપ છે. પ્રાથમિક પુરાવાને આધારે ચવ્હાણની ધરપકડ કરવામાં આવી હતી.

સાતારા જિલ્લાના જાવલી તાલુકામાં આવેલા સાવરી ગામના એક ખેતરમાં એમડી બનાવવાની ફૅક્ટરી ધમધમતી હતી. આ ફૅક્ટરી પર ક્રાઈમ બ્રાન્ચે 13 ડિસેમ્બર, 2025ના રોજ કાર્યવાહી કરી અંદાજે 115 કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને તેના સંબંધી સાધનો જપ્ત કર્યાં હતાં. મુલુંડમાં ડ્રગ્સ સાથે પકડાયેલા એક આરોપીની પૂછપરછમાં સાતારાની ફૅક્ટરીની માહિતી પોલીસને મળી હતી.
કહેવાય છે કે શેખનો પુત્ર ફહાદ દુબઈમાં રહે છે અને ત્યાંથી ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સમન્વય સાધતો હોવાની શંકા પોલીસને છે. ડ્રગ્સ અને નાણાં વ્યવહાર તેના નિયંત્રણમાં હોવાનું માનવામાં આવે છે.