મહાલક્ષ્મી રેસકોર્સ પર બોટનિકલ ગાર્ડન અને રમતગમતક્ષેત્રનો વિકાસ કરવામાં આવશે
રીક્લેમ કરેલી જગ્યાનો કમર્શિયલ ઉપયોગ કરાશે નહીં: કમિશનર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે ભરણી કરીને ઉપલબ્ધ કરવામાં આવેલી ૭૦ હેકટર ખુલ્લી જગ્યાનો હરિયાળા પટ્ટામાં વિકાસ કરવાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર કરવામાં આવ્યો છે, જેમાં પિકલ બૉલ કોર્ટ, દરિયાકિનારા પર ‘બર્ડ ટ્રેઈલ્સ’ (પક્ષી માર્ગ), મિયાવાકી પદ્ધતિએ વન અને વિવિધ નાગરી સુવિધા ઊભી કરવામાં આવવાની છે. મુંબઈમાં સિમેન્ટ-કૉંક્રીટના જંગલમાં હરિયાળું જંગલ ગાયબ થઈ ગયું છે ત્યારે તેની ભરપાઈ કોસ્ટલ રોડ પરની ખુલ્લી જગ્યામાં મોટા પ્રમાણમાં વૃક્ષો લગાડીને કરવામાં આવવાની છે.
મુંબઈમાં છેલ્લા થોડા વર્ષોમાં હવાની ગુણવત્તા કથડી ગઈ છે ત્યારે જુદા જુદા પ્રોેજેક્ટ માટે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે ત્યારે સાઉથ મુંબઈ રેસિડન્ટ અસોસિયેશન મારફત આયોજિત નાગરી સંવાદમાં પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ રીક્લેમ કરીલે જમીનના વિકાસ માટેનો પ્લાન રજૂ કર્યો હતો. લગભગ ૧૦.૫૮ કિલોમીટર લંબાઈનો કોસ્ટલ રોડ ૨૦૨૪માં વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ માટે અરબી સમુદ્રની ૧૧૧ હેકટર જમીન પર ભરણી કરવામાં આવી હતી, તેમાંથી ૪૦ હેકટર વિસ્તારમાં રસ્તા, ફ્લાયઓવર અને ટ્રાફિક ઈન્ટરચેન્જ માટે વાપરવામાં આવી હોઈ બાકીની ૭૦ હેકટર જમીન ઉદ્યાન અને ઓપન સિવિલ ફેસિલીટી (નાગરી સુવિધા) માટે અનામત છે.
કોસ્ટલ રોડ શરૂ થયો ત્યારથી હજી સુધી આ ખુલ્લી જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેના સુશોભિકરણ માટે મુંબઈ મહાનગરપાલિકા તરફથી સીએસઆર અંતર્ગત ખાનગી કંપનીની નિમણૂક કરવામાં આવી હોઈ તે માટે લગભગ ૪૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે. આ જમીન પર લેન્ડસ્કેપિંગ અને તેની દેખરેખ માટેની મુદત ૩૦ વર્ષની છે. આ અંતર્ગત ભુલાભાઈ દેસાઈ રોડ નજીક બહાર પડતા રોડને લાગીને ‘બર્ડ ટ્રેલ’ વિકસીત કરવામાં આવવાનું છે. તેમ જ સ્થાનિક પ્રજાતિના ઝાડ લગાવીને પક્ષીઓને રહેવા માટે પોષક વાતાવરણ નિર્માણ કરવામાં આવવાનું છે. અમરસન્સ ગાર્ડન ઈન્ટરચેન્જ પરિસરમાં ઓપન થિયેટર અને પામ વૃક્ષો ઊભા કરવામાં આવવાના છે. આ દરમ્યાન કોઈ પણ જગ્યાનો કમર્શિયલ ઉપયોગ કરવામાં આવશે નહીં એવું આશ્ર્વાસન પણ પાલિકા કમિશનરે નાગરિકોને આપ્યું હતું.
નોંધનીય છે કોસ્ટલ રોડ માટે મંજૂરી મેળવવા માટે પાલિકાએ સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું આપ્યું હતું કે રીક્લેમ કરેલી જગ્યાનો ઉપયોગ કમર્શિયલ હેતુ માટે કરવામાં આવશે નહીં અને આ જગ્યા ખુલ્લી જ રહેશે અને જાહેર જનતા માટે ત્યાં મફતમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
વરલીથી મહાલક્ષ્મી મિયાવાકી જંગલ
હાજી અલી ઈન્ટરચેન્જ પરિસરમાં પિકલ બૉલ કોર્ટ ઊભું કરવાનો પાલિકાનો વિચાર છે. એ સાથે જ વરલીથી મહાલક્ષ્મી દરમ્યાન મિયાવાકી પદ્ધતિએ સૂક્ષ્મ વન અને ‘કૉનફ્લુઅન્સ ગાર્ડન’ વિકસાવવામાં આવવાના છે. વરલીમાં બંધ પડેલી જેટ્ટીનો કાયમી સ્વરૂપે હેલિપૅડમાં રૂપાંતર કરવાનો પ્રસ્તાવ હોઈ તે સંબંધિત પ્રક્રિયા ચાલી રહી હોવાનું કમિશનરે કહ્યું હતું. સુશોભિકરણનો ફાઈનલ પ્લાન ગાર્ડન ડિપાર્ટમેન્ટને રજૂ કરવામાં આવ્યો હોઈ તેના પર અંતિમ મંજૂરી મળ્યા બાદ કામ શરૂ થશે. પ્રોજેક્ટ માટે લગભગ ત્રણ વર્ષનો સમય લાગશે.
મહાલક્ષ્મી રેસકોર્સ પર સ્પોર્ટસ સુવિધા
મહાલક્ષ્મી રેસકોર્સની ૨૧૧ એકર જગ્યામાંથી ૧૨૦ એકર જગ્યા પાલિકા પાસે હોઈ તે વિસ્તારમાં વનસ્પતિ ઉદ્યાન, ટોપિયરી ગાર્ડન અને ‘સિટી ફોરેસ્ટ’ વિકસિત કરવાનો પ્રસ્તાવ પાલિકા તરફથી આવ્યો છે. એ સિવાય રેસકોર્સ પરિસરમાં અંડરગ્રાઉન્ડ સ્પોર્ટસની સુવિધા અને ક્ધવેન્શન સેન્ટર પણ ઊભું કરવાની યોજના છે. નેહરુ સેન્ટર અને આચાર્ય અત્રે ચોક મેટ્રો સ્ટેશનને જોડનારી અંડરગ્રાઉન્ડ ટનલકી નાગરિકો સીધા ગાર્ડન પરિસરમાં પ્રવેશ કરી શકશે એ મુજબનો પ્રસ્તાવ છે. તેમ જ હાજી અલી ગાર્ડન સુધી સળંગ લીલો પટ્ટો નિર્માણ કરવાની પણ પાલિકાની યોજના છે.