Tue Sep 08 2026

Logo

હાશ! મુંબઈથી અમદાવાદ આવતી એસી ટ્રેનોનું ટર્મિનલ હવે વટવાને બદલે મણિનગર

2026-05-12 17:23:11
Author: Pooja Shah
હાશ! મુંબઈથી અમદાવાદ આવતી એસી ટ્રેનોનું ટર્મિનલ હવે વટવાને બદલે મણિનગર

AI Generated Images


અમદાવાદઃ અમદાવાદ અને મુંબઈ વચ્ચે રેલવે પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે મુંબઈ સેન્ટ્રલ અને મણિનગર વચ્ચે ચાલતી એસી સ્પેશિયલ ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર કર્યો છે. હવે વટવાને બદલે આ ટ્રેન મણિનગર સ્ટેશન પર રોકાશે, જેને લીધે આ વ્યસ્ત રહેતી ટ્રેનના પ્રવાસીઓને ઘણી રાહત મળી રહેશે.  
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોના પ્રતિસાદ અને સંચાલન જરૂરિયાતોની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેન નંબર 09082 (મણિનગર-મુંબઈ સેન્ટ્રલ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ) અને ટ્રેન નંબર 09081 (મુંબઈ સેન્ટ્રલ-મણિનગર એસી સુપરફાસ્ટ સ્પેશિયલ) બંને હવે ટ્રેન વટવાને બદલે મણિનગર સ્ટેશન પરથી જ ઉપડશે અને રોકાશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. આ બન્ને ટ્રોનોમાં આખું વર્ષ ધસારો રહેતો હોય છે. પ્રવાસીઓને વટવા કરતા મણિનગર સ્ટેશન પાસે વધારે સારી રોડ કનેક્ટિવિટી, રીક્ષા-બસની સુવિધાઓ મળી રહે છે. મણિનગર પૂર્વીય અમદાવાદનો ખૂબ મહત્વનો વિસ્તાર હોવાથી અહીં તમામ સુવિધાઓ આસાનીથી મળી રહે છે, જે વટવામાં પ્રમાણમાં ઓછી મળતી હતી, તેમ પ્રવાસીઓએ જણાવ્યું હતું. 

આ ફેરફારથી મોટી સંખ્યામાં મુસાફરોને ફાયદો થશે કારણ કે મણિનગર સ્ટેશન વટવાની તુલનામાં શ્રેષ્ઠ રોડ કનેક્ટિવિટી, ઓટો-રિક્ષા અને કેબ સેવાઓ અને મુખ્ય રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારોની નિકટતા પ્રદાન કરે છે. પશ્ચિમ રેલ્વે વ્યસ્ત મુંબઈ-અમદાવાદ કોરિડોર પર મુસાફરોના અનુભવને વધારવા માટે વારંવાર આવા ફેરફારો રજૂ કરે છે, જ્યાં આખું વર્ષ ભારે ધસારો રહે છે.