સત્તાધારી ભાજપની કમિશનરને કાર્યવાહી સ્થગિત કરવાની માગણી કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ૧ ઑક્ટોબરથી ૩૧ ડિસેમ્બર દરમ્યાન ૧૪ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા અનધિકૃત ઝૂંપડપટ્ટીના બાંધકામો સામે વિશેષ ઝુંબેશ શરૂ કરવા મુદ્દે કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ સત્તાધારી ભાજપ-શિવસેના પાસેે તેમની ભૂમિકા જાહેર કરવાની માગ કરી હતી અને મુખ્ય પ્રધાનને હસ્તક્ષેપ કરી આ કાર્યવાહી સ્થગિત કરવાની વિનંતી કરી હતી. ચોતરફના વિરોધને પગલે પાલિકામાં શાસક ભાજપે સોમવારે આખરે પોતાનું વલણ સ્પષ્ટ કરતા પાલિકા કમિશનરને પત્ર લખી માગ કરી છે કે પ્રશાસન ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ૧૪ ફૂટથી વધુના અનધિકૃત બાંધકામો સામે કાર્યવાહી કરવાના તેના આદેશને સ્થગિત કરે.
પાલિકામાં ભાજપના ગ્રૂપ લીડર ગણેશ ખણકરે પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેને પત્ર લખીને વિનંતી કરી છે કે આવી નોટિસ આડેધડ રીતે જારી ન કરવી જોઈએ. જો આવું કરવામાં આવે તો, તે સમગ્ર મુંબઈમાં વ્યાપક અશાંતિ ફેલાવી શકે છે અને ગરીબ મુંબઈવાસીઓને મુશ્કેલીમાં મૂકી શકે છે.
ગણેશ ખણકરે આ બાબતે જણાવ્યું હતું કે મુંબઈની ૪૦ ટકા વસતી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે. મહારાષ્ટ્ર સરકારે એસઆરએ મારફત મોટા પ્રમાણમાં ઝૂંપડપટ્ટી પુનવર્સન પ્રોજેક્ટનું કામ હાથમાં લીધું છે. વિવિધ ઠેકાણે ક્લસ્ટર યોજના તેમ જ અન્ય યોજનાના માધ્યમથી ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટનું કામ હાથમાં લીધું છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાનાં આ પગલાથી મુંબઈના ગરીબ નાગરિકોને ત્રાસ થશે અને તેઓ બેઘર થઈ જશે. તેથી પાલિકાએ આવું પગલું ભરતા પહેલા અથવા કોઈ સૂચના આપી હોય તો તેને તાત્કાલિક ધોરણે સ્થગિત કરવી. આ પ્રકારની નોટિસથી મુંબઈમાં શહેરમાં મોટા પ્રમાણમાં ગભરાટનો માહોલ ફેલાઈ શકે છે .
નોંધનીય છે કે પાલિકા દ્વારા ૧ ઑક્ટોબરથી ૩૧ ડિસેમ્બર દરમ્યાન ૧૪ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા અનધિકૃત ઝૂંપડપટ્ટીના બાંધકામો સામે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવવાની છેે ત્યારે આ પગલાંએ રાજકીય વિવાદ જગાવ્યો છે. કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ પાલિકાની આ ઝુંબેશનો વિરોધ કરીને સત્તાધારી ભાજપ-શિવસેના પાસેે આ અંગેની તેમની સ્પષ્ટ ભૂમિકા જાહેર કરવાની માગ કરી હતી. વિરોધપક્ષે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને હસ્તક્ષેપ કરવા અને આ કાર્યવાહી સ્થગિત કરવાની વિનંતી પણ કરી છે.
પાલિકા મુંબઈ શહેર અને ઉપનગરમાં ૧૪ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા ૩૯,૧૧૧ અનધિકૃત બાંધકામોને તોડી પાડવાની ઝુંબેશ હાથ ધરવાની છે. સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય રઈસ શેખે તેનો વિરોધ કરીને સત્તાધારી ભાજપ-શિવસેનાની ભૂમિકા સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે ભાજપ-શિવસેનાએ પાલિકાની ચૂંટણી દરમ્યાન ૧૮ ફૂટ સુધીના ઝૂંપડપટ્ટીના બાંધકામોને નિયમિત કરવામાં આવશે અને ૧૪ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા બાંધકામોને સુરક્ષા આપવામાં આવશે એવું વચન આપ્યું હતું. તો પછી પાલિકાએે હવે ૧૪ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા બાંધકામોને તોડી પાડવાનો નિર્ણય કેમ લીધો? આ તો મુંબઈના રહેવાસીઓ સાથે વિશ્ર્વાસઘાત છે. પાલિકાની આ ઝુંબેશને કારણે ૧.૫ લાખ ગરીબ બેઘર થઈ શકે છે.
પાલિકાની આ ઝુંબેશ સામે કૉંગ્રેસના મુંબઈ પ્રમુખ અને સાંસદ વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને ત્યાંથી હટાવતા પહેલા તેમનું પુનર્વસન કરવું આવશ્યક છે. કૉંગ્રેસ તેમના ઘરો તોડી પાડવાના અને તેમને મુંબઈમાંથી બહાર કાઢવાના કોઈપણ પગલાનો વિરોધ કરે છે. મુખ્ય પ્રધાને આ કાર્યવાહી અટકાવવી જોઈએ. પહેલા તેમનું પુનર્વસન કરો અને પછી કાર્યવાહી કરો.
મુંબઈમા ૩૯,૧૧૧ ઝૂંપડા ૧૪ ફૂટ અને તેનાથી ઊંચા
નોંધનીય છે કે પાલિકા પ્રશાસનના આંકડા મુજબ મુંબઈમાં ૨,૨૩,૧૫૦ ઝૂંપડપટ્ટીના બાંધકામો આવેલા છે, જેમાં ૩૯,૧૧૧ ઝૂંપડાઓ ૧૪ ફૂટ અને તેના કરતા વધુ ઊંચાઈના છે. પાલિકાએ અત્યાર સુધીમાં ૪,૫૮૪ ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરી છે અને અન્ય ૬૧૧ને નોટિસ ફટકારી છે. બાકીના બાંધકામોના રહેવાસીઓને અનધિકૃત ભાગો સ્વેચ્છાએ દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે, જો તેઓ તેમ નહીં કરે, તો પ્રશાસનને ના છૂટકે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી કરવી પડશે.