મુંબઈના તમામ કૂવા અને બોરવેલની માહિતી ભેગી કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભવિષ્યમાં પાણીની અછત સર્જાય નહીં તે માટે અત્યારથી તકેદારીના પગલારૂપે મુંબઈના તમામ સાર્વજનિક, સરકારી તેમ જ ખાનગી કૂવા અને બોરવેલની માહિતી ભેગી કરીને તેની હાલની સ્થિતિ જાણવાની કવાયત મુંબઈ મહાનગરપાલિકા હાથ ધરવાની છે.
મુંબઈમાં ૨૦૦૯માં ઓછા વરસાદને કારણે પાણીની કારમી અછત સર્જાઈ હતી. એટલે સુધી કે પાણીની માગને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા સાર્વજનિક સ્તરે ઉપયોગમાં લેવામાં આવતા કૂવાનું સમારકામ કરીને નાગરિકોને પાણી ઉપલબ્ધ કરી આપવામાં આવ્યા હતા. તે પ્રમાણે જ હાલની પરિસ્થિતિમાં તમામ કૂવાની કાર્યક્ષમતા તપાસીને જે કૂવાને તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય છે તેને પ્રાધાન્ય આપીને શરૂ કરવા માટે આવશ્યક ઉપાયયોજના અમલમાં મૂકવાનો નિર્દેશ મુંબઈના મેયર રીતુ તાવડેએ આપ્યો છે.
મુંબઈની વધતી વસતી સામે પ્રતિદિન ૩૮૫૦ મિલ્યન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. ભવિષ્યમાં પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે લાંબા ગાળાની યોજના હેઠવ ગારગાઈ-પિંજળ અને દરિયાના પાણીને મીઠુ કરવાનો પ્રોજેક્ટ પાલિકાએ હાથ ધર્યો છે પણ આ પ્રોજેક્ટનું કામ શરૂ થઈને તેને પૂરું થવામાં હજી ત્રણથી ચાર વર્ષનો સમય લાગવાનો છે, ત્યારે ટૂંકા ગાળાના સમય દરમ્યાન પાણીની માગને પહોંચી વળવા માટે કૂવા અને બોરવેલના પાણી પર પાલિકાએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
મેયર રીતુ તાવડેએ તાજેતરમાં પ્રશાસનને કૂવા અને બોરવેલને શોધીને તેના પાણીનો ઉપયોગ કરવા માટે ઉપાયયોજના અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો છે. એ સિવાય આ પાણી ફક્ત બાગકામ અથવા સફાઈ કામ પૂરતું મર્યાદિત નહીં રાખતા પાણીના નમુનાના ટેસ્ટ કરીને તેનો ઉપયોગ પીવા માટે થઈ શકે કે નહીં તેનો અભ્યાસ કરીને તે મુજબનું આયોજન કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
ઉનાળામાં વધતી ગરમી અને જળાશયોમાં રહેલા પાણીના જથ્થા પર વધતા દબાણ તેમ જ અપૂરતા અને ઓછા દબાણ સાથે થઈ રહેલા પાણીપુરવઠા બાબતે નાગરિકો તરફથી આવી રહેલી ફરિયાદની નોંધ લઈને મેયરે પાલિકાના વોટર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
રેન વોટર હાર્વેસ્ટિંગ પર ધ્યાન આપવાની સૂચના
મુંબઈની વધતી લોકસંખ્યાને કારણે પાણીની માગણી સતત વધી રહી છે. હવામાનમાં થઈ રહેલા ફેરફારને પગલે ચોમાસાની ઋતુને પણ અસર થઈ હોઈ અનિશ્ર્ચિત વરસાદની પરિસ્થતિમાં પાણીના પરંપરાંગત સ્રોત પર ધ્યાન આપવાની સૂચના મેયરે આપી હતી, જેમાં હાઉસિંગ સોસાયટીઓએ તેમના પરિસરમાં રહેલા કૂવા તથા બોરવેલની નિયમિત જાળવણી અને સફાઈ અને સમારકામ પર ધ્યાન આપીને તેના વોટર ફ્લ્ટિરેશન મશીન બેસાડીને તેના પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. એ સાથે જ ભવિષ્યમાં પાણીની અછતને ધ્યાનમાં રાખીને મુંબઈની દરેક હાઉસિંગ સોસાયટીને રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમને અમલમાં મૂકીને અપીલ પણ મેયરે કરી હતી.