Fri Oct 02 2026

Logo

મુલુંડમાં ટ્રાવેલ બસે બેસ્ટની બસને મારી ટક્કર: ડ્રાઈવર જખમી

2026-09-20 18:21:56
Author: Sapna Desai
મુલુંડમાં ટ્રાવેલ બસે બેસ્ટની બસને મારી ટક્કર: ડ્રાઈવર જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુલુંડના રેલી વુલ્ફ વિસ્તારમાં મેટ્રોના કામને કારણે વન-વે ટ્રાફિક વ્યવસ્થા દરમ્યાન રવિવારે વહેલી સવારે બેસ્ટ બસને વિરુદ્ધ દિશામાંથી આવતી ટ્રાવેલ બસે જોશભેર ટક્કર મારી હતી, જેમાં બેસ્ટની બસનો  ૪૦ વર્ષનો ડ્રાઈવર સંદીપ નામદેવ કરાંડે ગંભીર રીતે જખમી થયો હતો. બંને બસ વચ્ચે થયેલી ટક્કર બાદ બેસ્ટ બસના બોનેટમાં આગ લાગી ગઈ હતી. જોકે, બસ ડ્રાઈવરે સાવચેતી રાખીને તાત્કાલિક બસમાં રહેલા અગ્નિશામકનો ઉપયોગ કરીને આગને બુઝાવી દીધી હતી. 

બેસ્ટ ઉપક્રમના જણાવ્યા અનુસાર બેસ્ટના મજાસ ડેપોમાંથી માતેશ્ર્વરી કૉન્ટ્રેક્ટર્સની ૪૯૬ નંબરની રૂટની બેસ્ટ બસ  સીપ્ઝથી તીન હાત  નાકા જઈ રહી હતી. વહેલી સવારે લગભગ ૫.૫૦ વાગ્યે લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ (એલ.બી.એસ) પર મુલુંડ વિસ્તારમાં રેલી વુલ્ફ પાસે બસ પહોંચી હતી. મેટ્રોના નિર્માણને કારણે આ સ્થળે એક તરફી ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવી હતી. તે જ સમયે ખાનગી ટ્રાવેલ કંપનીની વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી બસ બેસ્ટની બસ સાથે સામ-સામે અથડાઈ હતી. 

બંને બસ વચ્ચે થયેલી ટક્કરને કારણે બેસ્ટ બસના ડ્રાઇવરને પેટ પર સ્ટીયરિંગ વ્હીલ વાગ્યું હતું. તેમ જ  તેને જમણા પગમાં પણ ઈજા થઈ હતી અને લોહી વહેતું હતું. બંને બસ વચ્ચે થયેલી ટક્કર બાદ બેસ્ટની  બસના બોનેટ વિસ્તારમાં પણ આગ લાગી હતી. બેસ્ટના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બસમાંથી અગ્નિશામક  ઉપકરણ કાઢીને બોનેટમાં લાગેલી આગ ઓલવી નાખી હતી. આ દરમ્યાન બસમાં રહેલા મુસાફરોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે  ત્યાં સુધીમાં બસમાં લાગેલી આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હતી.

જખમી ડ્રાઇવરને તાત્કાલિક અગ્રવાલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ડ્રાઇવરને તબિયત  સ્થિર છે. ઍક્સિડન્ટને કારણે બસને ભારે  નુકસાન થયું હતું અને રસ્તા પર પણ ટ્રાફિક જૅમ થયો હતો. બેસ્ટના ટ્રાફિક અધિકારીઓ અને માતેશ્ર્વરી કૉન્ટ્રાક્ેટરના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતની તપાસ હાથ ધરી હતી. મુલુંડ પોલીસ સ્ટેશનમાં ખાનગી ટ્રાવેલ કંપની સામે ફરિયાદ નોંધાયા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી.