Sat Sep 05 2026

Logo

વડોદરામાં કરંટ લાગતા ત્રણનાં મોતઃ ભાઈને બચાવવા ગયેલી બહેન પણ મોતને ભેટી

2026-08-16 15:10:26
Author: Vimal Prajapati
વડોદરામાં કરંટ લાગતા ત્રણનાં મોતઃ ભાઈને બચાવવા ગયેલી બહેન પણ મોતને ભેટી

વડોદરાઃ ચોમાસામાં વીજ કરંટનું ખાસ ધ્યાન રાખવાનું પડે છે. અનેક એવી ઘટનાઓ બને છે જેમાં વીજ કરંડના કારણે ઘટનાસ્થળ પર જ મોત થઈ જતું હોય છે. વડોદરામાં પણ આવી બે ઘટનાઓ બની છે, જેમાં ત્રણ લોકોના મોત થયાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કરંટ લાગ્યાની આ ઘટનામાં બે યુવક અને એક યુવતીનું મોત થયું છે. પોલીસ દ્વારા આ બંને ઘટનામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

રક્ષાબંધનના તહેવાર પહેલા જ ભાઈ-બહેનના મૃત્યુ

વિગતે વાત કરવામાં આવે તો વડોદરામાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર પહેલા જ કરંટ લાગવાથી ભાઈ-બહેન સહિત 3 યુવાનોના મોત થયા છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામે રેલેપુરા વિસ્તારમાં રક્ષાબંધન પર્વ પહેલાં જ કાળો કેર વર્તાયો છે. ઘરની પાછળ આવેલ મંદિરે દર્શન કરવા જઈ રહેલા જયદીપ પઢિયારને અચાનક વીજળીનો વાયર અડી જતાં જોરદાર કરંટ લાગ્યો હતો. 

આ દરમિયાન તડપતા ભાઈને બચાવવા માટે દોડેલી તેની બહેન મિત્તલ પઢિયાર પણ તુરંત વીજ પ્રવાહની ઝપેટમાં આવી ગઈ હતી. આ બંને ભાઈ-બહેનના મોત થવાથી પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. 

સ્કૂલના મેદાનમાં લાઈટના થાંભલામાં અડતા લાગ્યો કરંટ

બીજી ઘટનાની વાત કરવામાં આવે તો ફતેગંજ વિસ્તારમાં આવેલી ન્યૂ ઈરા સ્કૂલના મેદાનમાં 15 વર્ષીય વિદ્યાર્થી ફૂટબોલ રમી રહ્યો હતો. રમતી વખતે તે મેદાનમાં આવેલા લાઈટના થાંભલામાં સંપર્કમાં આવતા કરંટ લાગ્યો અને તે જમીન પર પછડાયો હતો. હાજર લોકો તેને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.  શાળા પરિસરમાં સુરક્ષાના અભાવ સામે વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.