ઉમેશ ત્રિવેદી
મૃણાલ ઠાકુરે પહેલાં ટેલિવિઝન, પછી મરાઠી ફિલ્મ, પછી ટી.વી. સિરિયલો અને પછી બોલિવૂડની ફિલ્મો અને સાથે જ તેલુગુ ફિલ્મો એમ એક પછી એક સોપાન સર કર્યા છે. આજે 33 વર્ષની ઉંમરમાં મૃણાલ ઠાકુરે લાંબી મજલ કાપી છે અને એક પ્રતિભાશાળી અભિનેત્રી તરીકે નામના મેળવી છે.
પહેલી ઓગસ્ટ 1992ના મહારાષ્ટ્રના ધૂળેમાં જન્મેલી મૃણાલે અભિનયની કારકિર્દી અપનાવવી હોવાથી ભણતર અધવચ્ચેથી જ છોડી દીધું હતું. જળગાંવની જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાં થોડો અભ્યાસ કર્યાં પછી મુંબઈમાં શિફ્ટ થતાં વસંત વિહાર હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યાં પછી કે.સી. કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. પણ 20 વર્ષની ઉંમરે તેને સિરિયલમાં મુખ્ય ભૂમિકા મળતી હોવાથી તેણે સ્નાતક થયા પહેલાં જ અભ્યાસ છોડી દીધો.
2012માં ગૌરી ભોસલેની ભૂમિકા તેને સ્ટાર પ્લસની સિરિયલ ‘મુઝે કુછ કહેતી... યે ખામોશિયાં’ મળી ત્યારથી જ તેની અભિનય કારકિર્દીની શરૂઆત થઈ છે. મૃણાલ ઠાકુરની આજે હિન્દી ફિલ્મ ‘દો દિવાને શહર મેં’ રજૂ થઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં મૃણાલનો ગેટઅપ એકદમ અલગ જ છે. રવિ ઉદયવાર દિગ્દર્શિત આ ફિલ્મના નિર્માતા સંજય લીલા ભણસાલી છે. આમ પણ મૃણાલ માટે 2025 અને 2026નું વર્ષ ખૂબ જ ખાસ રહ્યું છે.
2025માં તેની અજય દેવગણ સાથેની ‘સન ઓફ સરદાર-ટુ’ આવી. તેને બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ત્યાર બાદ ધનુષ સાથેના પ્રેમપ્રકરણની વાત ચગી હતી. એ પણ એટલે સુધી કે કે તેમનાં લગ્ન થવાના છે!. જોકે, મૃણાલે તાજેતરમાં જ એનું ખંડન કરતાં તે અફવા પછી શાંત થઈ ગઈ હતી. હવે, 2026માં મૃણાલની એક પછી એક ચાર ફિલ્મો રિલીઝ થવાની છે અને તેની અત્યાર સુધીની કારકિર્દી જોતાં તેની ભૂમિકામાં વિવિધતા જોવા મળશે. ‘દો દિવાને શહર મેં’ પછી તેની અદિવિ શેષ સાથેની ફિલ્મ ‘ડકૈત: અ લવ સ્ટોરી’ રજૂ થશે, જે હિન્દી અને તેલુગુ એમ બે ભાષામાં બની છે.
ત્યાર બાદ, ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’ અને ‘પૂજા મેરી જાન’ જેવી ફિલ્મો રજૂ થવાની છે. 2013માં હિન્દી સિરિયલ ‘અર્જુન’, 2014થી 2016 સુધીમાં ‘કુમકુમ ભાગ્ય’માં બુલબુલ અરોરા ખન્નાની ભૂમિકા ભજવ્યા પછી મૃણાલને ‘હેલો નંદન’, ‘વિટ્ટી દાંડુ’ અને ‘સુરાજ્ય’ જેવી મરાઠી ફિલ્મો મળી. આ ફિલ્મોમાં તેનો અભિનય વખણાયો. 2018માં તેને પ્રથમ હિન્દી ફિલ્મ મળી ‘લવ સોનિયા’. આ ફિલ્મમાં મનોજ બાજપાઈ, અનુપમ ખેર, ફ્રેડા પિન્ટો, રિચા ચઢ્ઢા, રાજકુમાર રાવ અને સાઈ તામ્હણકર જેવાં કલાકારો હતા. આ ફિલ્મને લંડન ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલમાં ખૂબ પ્રશંસા મળી, પણ બોક્સ ઓફિસ પર તે ફિલ્મ નબળી સાબિત થઈ.
2019માં હૃતિક રોશન સાથેની ‘સુપર-30’ અને જહોન અબ્રાહમ સાથેની ‘બાટલા હાઉસ’ ફિલ્મે મૃણાલને અભિનેત્રી તરીકે સ્થાપિત કરી દીધી. આ બન્ને ફિલ્મે બોક્સ ઓફિસ ગજાવી હતી. ત્યાર પછી મૃણાલને પણ ‘હીટ’ અને ‘ફલોપ’ના ચક્કરમાંથી પસાર થવું પડ્યું હતું. 2020માં ‘ઘોસ્ટ સ્ટોરીઝ, 2021માં ‘તૂફાન’ અને ‘ધમાકા’, 2022માં ‘જર્સી’, ‘સીતા રામમ’, ‘જહાં’, જેવી ફિલ્મો આવી.
અક્ષયકુમાર-ઈમરાન હાશ્મી સાથેની ‘સેલ્ફી’ 2023માં આવી, પછી આદિત્ય રોય કપૂર સાથેની ‘ગુમરાહ’, ‘લસ્ટ સ્ટરોઝ-ટુ’, ‘આંખ મિચૌલી’, ‘પિપ્પા’, ‘હાય નન્ના’, જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધબાય નમ: થઈ.
મૃણાલ એક વાતે નસીબદાર છે કે તેને ભૂમિકાઓ સારી મળે છે અને તેનું કામ વખણાય છે. 2024માં વિજય દેવરકોંડા સાથેની ‘ધ ફેમિલિ સ્ટાર’ તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થઈ. તે થોડી ઘણી સફળ પૂરવાર થઈ હતી. અમિતાભ બચ્ચન, પ્રભાસ, દીપિકા પદુકોણ સાથેની ‘કલ્કી:2898 એડી’માં તે ખોવાઈ ગઈ હતી.
આમ, સફળતા અને નિષ્ફળતા વચ્ચે સતત આગળ વધતી મૃણાલ ઠાકુરને એક અભિનેત્રી તરીકે જ ઓળખ મળી ચૂકી છે અને તેને ‘સોલો હીરોઈન’ તરીકેની ભૂમિકા પણ મળ્યા કરે છે. થોડો નસીબનો સાથ મળે તો આ મરાઠી મુલગી પોતાની રીતે બોલિવૂડમાં અને સાઉથની ફિલ્મોમાં પોતાનું અલગ જ સ્થાન ઊભું કરવા માટે સક્ષમ છે એમ કહી શકાય. બાકી 20 વર્ષની ઉંમરથી અભિનય કારકિર્દીને અપનાવનારી મૃણાલ ઠાકુરે 14 વર્ષમાં ખૂબ લાંબી મજલ કાપી છે. ટી.વી. સિરિયલમાંથી હિન્દી અને સાઉથની ફિલ્મો સુધીની તેની આ સફર અને સફળતા ખરેખર વખાણવાલાયક છે.
OTTનું હોટસ્પોટ
ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઈક્કીસ’ ને પ્રિયંકા ચોપરાની ‘ધ બ્લફ’નું આકર્ષણ ર1 થી 27 ફેબ્રુઆરી
અત્યારે ટી-20 વર્લ્ડ-કપની મૅચ ચાલી રહી છે, જે આવતા અઠવાડિયાથી ‘સુપર એઈટ’ના તબક્કામાં પ્રવેશશે તેમ વધારે રોમાંચક થતી જશે. આ સિવાય ઓટીટી પર રજૂ થનારી ફિલ્મો વિશે જાણીએ
એમેઝોન પ્રાઈમ વીડિયો: આ લોકપ્રિય ઓટીટી પ્લેટફોર્મ પર 25 ફેબ્રુઆરીએ પ્રિયંકા ચોપરા અને કાર્સ અર્બનની એક્શન પેક્ડ ફિલ્મ ફિલ્મ ‘ધ બ્લફ’ રજૂ થશે. 26 ફેબ્રુઆરીએ ધર્મેન્દ્રની અંતિમ ફિલ્મ ‘ઈક્કીસ’ રજૂ થશે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર શ્રીરામ રાઘવન દિગ્દર્શિત ફિલ્મ ‘ઈક્કીસ’માં ધર્મેન્દ્રની સાથે અગત્સ્ય નંદા, સિમર ભાટિયા, જયદીપ અહલાવત, સિકંદર ખેર જેવા કલાકારો છે. 26 ફેબ્રુઆરીએ જ અંગ્રેજી સિરીઝ ‘બ્રિજટાઉન’ની ચોથી સિઝન આ ઓટીટી પર રજૂ થશે. 23 ફેબ્રુઆરીએ ‘સીઈઓ કલબ’ નામની સિરીઝ શરૂ થઈ રહી છે
નેટફ્લિક્સ: આ ઓટીટી ચેનલ પર 20 ફેબ્રુઆરીએ એટલે કે આજે બે અલગ-અલગ પ્રકારની ફિલ્મો રજૂ થશે. તેમાં ‘સ્ટ્રીપ લો’ એ એનિમેશન ફિલ્મ છે અને બીજી ‘લેગીઝ’નામની ફિલ્મ રજૂ થશે.
ઝી ફાઈવ: કન્નડ સસ્પેન્સ ફિલ્મ ‘રાક્ષસ’નું પ્રસારણ આજે 20 ફેબ્રુઆરીએ થશે અને સાથે જ અનુરાગ કશ્યપ દિગ્દર્શિત સન્ની લિયોની અને રાહુલ ભટ્ટ અભિનીત ફિલ્મ ‘કેનેડી’ રજૂ થશે.
જિયો હોટસ્ટાર: જિયો હોટસ્ટાર પર અત્યારે ‘50’ નામનો રિયાલિટી શૉ, ક્રિકેટની મૅચ અને અક્ષય કુમારના સંચાલન હેઠળનો ‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન’ ધૂમ મચાવી રહ્યા છે. આજે 20 ફેબ્રુઆરીએ તમિળ કોમેડી ફિલ્મ ‘લકી: ધ સુપસ્ટાર’ રજૂ થવાની છે.