Thu Jul 23 2026

Logo

કોસ્ટલ રોડની ટનલમાં અલર્ટ રહો મોટરિસ્ટો: બીએમસી

2026-07-17 10:17:00
Author: Yogesh C. Patel
Article Image

બુધવારે ટનલમાં કાર ભડકે બળ્યા પછી વાહનચાલકોમાં મચેલી અફરાતફરીને ધ્યાનમાં રાખી સંભવિત મોટી દુર્ઘટના ટાળવા પાલિકાએ સુરક્ષા સંબંધી સૂચનો જાહેર કર્યાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એન્જિનિયરિંગના બેનમૂન નમૂના સમાન કોસ્ટલ રોડ ટનલમાં બુધવારે એક કાર ભડકે બળ્યા પછી મચેલી અફરાતફરીને ધ્યાનમાં લઈ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મોટરિસ્ટો માટે સુરક્ષા સંબંધી સૂચનો જાહેર કરવામાં આવ્યાં છે. કારમાં આગની ઘટનાથી ડરી ગયેલા અનેક ડ્રાઈવરો પોતાનાં વાહન આડેધડ પાર્ક કરીને ટનલ બહાર ભાગ્યા હતા, જેને કારણે રેસ્ક્યુ ઑપરેશનમાં મુશ્કેલી પડી હતી. પરિણામે ભવિષ્યમાં આવી કોઈ કટોકટી સર્જાય તો મોટી દુર્ઘટના ટાળવા મોટરિસ્ટોએ અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, એવું બીએમસીનું કહેવું છે.



કોસ્ટલ રોડ ટનલમાં કટોકટીની પળોમાં મહત્ત્વનાં 12 સૂચનોનું પાલન કરવાની સલાહ મહાપાલિકા દ્વારા અપાઈ છે, જેમાં સૌપ્રથમ તો વાહનોને ટનલમાં સુરક્ષિત રીતે પાર્ક કરીને એન્જિન બંધ કરી દેવાનું જણાવાયું છે. ત્યાર બાદ વાહનમાંથી બહાર નીકળતી વખતે ચાવીને વાહનમાં રાખવાની ખાસ સૂચના અપાઈ છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે ટનલમાંથી પસાર થનારી કારમાં આગ લાગી ત્યારે મોટા ભાગના ડ્રાઈવરો વાહન આડેધડ પાર્ક કર્યા પછી ચાવી પોતાની સાથે લઈને ટનલની બહારની તરફ દોડ્યા હતા. વાહનો લૉક હોવાથી ટનલનો રસ્તો બ્લૉક થઈ ગયો હતો, જેને કારણે ફાયર બ્રિગેડના જવાનોને વાહન સાથે ઘટનાસ્થળે પહોંચવામાં વિલંબ થયો હતો.

ટનલમાં યુ-ટર્ન કે વાહનને રિવર્સ લેવાનો પ્રયાસ ક્યારેય કરવો નહીં. વાહન છોડીને ટનલના છેવાડા સુધી દોડવાની જરૂર નથી. ટનલમાં દર 300 મીટરે ક્રોસ પેસેજ છે. એટલે ડર્યા વિના ટનલની દીવાલ પરના ઍરોને અનુસરી નજીકના ક્રોસ પેસેજ સુધી પહોંચી જવું. પછી પૅનિક બારની મદદથી પેસેજ ખોલીને બાજુની ટનલ તરફ જતા રહેવાની સૂચના અપાઈ છે.

એ સિવાય ટનલમાં દર 100 મીટરના અંતરે ઈમર્જન્સી ટેલિફોનની સુવિધા છે, જેની મદદથી ક્ધટ્રોલ રૂમનો સંપર્ક સાધી શકાય છે. વળી, એનાઉન્સમેન્ટ સિસ્ટમ કાર્યરત હોવાથી ક્ધટ્રોલ રૂમથી આપવામાં આવતી સૂચનાઓનું દરેક મોટરિસ્ટે પાલન કરવું જોઈએ. ટનલમાંની સ્થિતિ સામાન્ય થયા પછી વાહનચાલકોને તે અંગે જાણકારી આપવામાં આવશે. પછી વાહનચાલકોએ ટનલમાં અટવાયેલાં પોતાનાં વાહનો સાથે રવાના થવું જોઈએ, એવી સૂચના પાલિકા દ્વારા આપવામાં આવી છે.