Tue Jun 16 2026

Logo

એરપોર્ટ પર કસ્ટમ્સની તરાપ: ગુજરાત સહિતી દેશમાંથી સૌથી વધુ હાઈ-પ્રોફાઈલ મહિલા સ્મગલર ઝડપાઈ

2026-06-16 19:07:27
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ મુંબઈ અને બેંગ્લોર સહિત અમદાવાદ અને સુરત એરપોર્ટ પરથી 2024થી જૂન  2026 સુધીમાં કસ્ટમ વિભાગે હાઇ પ્રોફાઈલ કેસમાં સૌથી વધુ મહિલાઓ સામે દાણચોરી અને ગાંજાની હેરાફેરીના કેસ નોંધ્યા હોવાની માહિતી કસ્ટમ વિભાગે આપી હતી. માર્ચ 2025માં પૂર્વ ડીજીપીની પુત્રી રાનિયા રાવની બેંગલોર એરપોર્ટ પર ડી આર આઈ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

દુબઈથી બેંગલોર એરપોર્ટ પર આવેલી રાનીયા રાવની 14.2 kg ગોલ્ડ સાથે અટકાયત કરી હતી, જેની માર્કેટ વેલ્યુ રૂ. 12 કરોડ 36 થતી હતી. તે પહેલા અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દુબઈથી અમદાવાદ આવેલી મહિલા પેસેન્જર રશીદા કૌશર પાસેથી રૂ. 12.50 કરોડની રિચાર્ડ મિલેની બ્રાન્ડેડ ઘડિયાળ પકડવામાં આવી હતી. કસ્ટમ વિભાગે નવેમ્બર 2025માં 17 લાખની રોલેક્સ કંપનીની ઘડિયાળ સાથે પણ પેસેન્જરની અટકાયત કરી હતી.  ત્યારબાદ દુબઈથી અમદાવાદ આવેલી મુંબઈની હિમાની સોલંકી પાસેથી રૂ. 43 લાખના આઈફોન જપ્ત કર્યા હતા અને વિદેશની ટ્રીપ મારીને એક કરોડના આઈ ફોનની હેરાફેરી કરી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ 2025માં જ જેદાહથી અમદાવાદ આવેલી પાલનપુરની ચાર મહિલા પેસેન્જર પાસેથી રૂ. એક કરોડ 52 લાખના સોનાના દાગીના મળી આવ્યા હતા.

કસ્ટમના ટોચના સૂત્રોએ જણાવ્યું કે ઓગસ્ટ 2025માં સુરત એરપોર્ટ પર દુબઈથી આવેલી એક મહિલા અને તેની સાથે મુસાફરી કરેલા એક પેસેન્જર પાસેથી રૂ. 25 કરોડના ગોલ્ડ બિસ્કીટ મળી આવ્યા હતા, એટલું જ નહીં તાજેતરમાં જ મુંબઈ એરપોર્ટ ઉપર એર ઇન્ડિયાની ફ્લાઈટમાં થાઈલેન્ડથી આવેલી મોડલ અને બ્યુટી પીજન્ટ રનર અપ હર્ષા સોનીની કસ્ટમ વિભાગે અટકાયત કરીને રૂ. 11.82 કરોડની કિંમતનો હાઇબ્રીડ ગાંજો પકડી પાડ્યો હતો. આમ 2024 થી અત્યાર સુધીમાં બેંગલોર, મુંબઈ અને ગુજરાતના સુરત અને અમદાવાદ એરપોર્ટ પરથી સૌથી વધુ હાઇ પ્રોફાઈલ કરી શકાય તેવા કેસમાં મહિલાઓની અટકાયત કરવામાં આવી છે અને કેટલાક કેસમાં ધરપકડ પણ કરાઈ છે. સેલિબ્રિટી કે વીઆઈપી પેસેન્જર સરળતાથી નીકળી જશે તેવી માન્યતા સાવ ખોટી પડી છે.

 અમદાવાદ કસ્ટમના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની સેલિબ્રિટી હોય તે વીઆઈપી પેસેન્જર હોય તેમના લગેજનું સો ટકા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કસ્ટમ ડ્યુટી પણ વસૂલ કરવામાં આવી રહી છે. કોઈ સેલિબ્રિટી એવું કહે કે મારી બેગમાં પાર્સલ કેવી રીતે આવ્યું અથવા તો મને કોઈ પરિચિત વ્યક્તિએ આ પાર્સલ આપ્યું હતું તેવું કહીને છટકી જવાનો કોઈ પ્રયત્ન પકડાઈ ગયા પછી ચાલતો નથી અને તેમની સામે કસ્ટમના કાયદા હેઠળ અને ગાંજો કે પ્રતિબંધિત પાવડર હોય તો એનડીપીએસ એક્ટ મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે. કસ્ટમ વિભાગ કોઈપણ સેલિબ્રિટી કે વીઆઈપી પેસેન્જરને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપતું નથી. બધા પેસેન્જરની જેમ જ તેમના લગેજનું એક્ઝામિનેશન કરવામાં આવતું હોય છે અને પેસેન્જર ના પ્રોફાઈલ પણ ચેક કરવામાં આવતા હોય છે.