Sun Aug 23 2026

Logo

મોરબીના વીરપરડા ગામનું કૂવાનું પાણી કેમ ચઢ્યું હતું હિલોળે, વૈજ્ઞાનિકોએ આપ્યું આ કારણ?

2026-08-07 21:12:00
Author: Vimal Prajapati
Article Image

મોરબી: મોરબી જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના જાણવા મળી હતી. અહીંના એક ખેતરના કૂવામાં છેલ્લાં કેટલાક દિવસોથી પાણી દરિયાના મોજાંની જેમ સતત ઊછળી રહ્યું છે. 18 ફૂટ ઊંડા કૂવાના પાણીમાં થઈ રહેલી વિચિત્ર હલચલને કારણે સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ સર્જાયો છે, જ્યારે વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ અનેક પ્રકારના તર્ક-વિતર્ક કર્યાં હતા. સ્થાનિક લોકોમાં ભૂકંપની અફવાઓ પણ વહેતી થઈ છે. જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેના આદેશ બાદ જીઓલોજિસ્ટની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી દીધી છે.

શું છે સમગ્ર મામલો?

મોરબી તાલુકાના વીરપરડા ગામે આવેલા પ્રાણજીવન સદારીયા નામના ખેડૂતના ખેતરમાં આ કુવા આવેલો છે. ખેડૂતના જણાવ્યા મુજબ તેમણે આ કૂવો આશરે ત્રણ મહિના પહેલા જ બનાવડાવ્યો હતો. બીજી ઓગસ્ટના જ્યારે તેઓ ખેતરે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે કૂવાનું પાણી છલકાઈને બહાર આવી રહ્યું હતું અને તેમાં દરિયાની જેમ સળવળાટ તથા મોજાં ઉછળી રહ્યા હતા. આ હલચલ મંગળવારે થોડી વાર માટે ઘટી હતી, પરંતુ બુધવાર અને ગુરુવારે ફરીથી શરૂ થઈ ગઈ હતી. અત્યારે તેના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. અહીં મોટી સંખ્યામાં આ ખગોળીય ઘટના જોવા માટે પણ ઉમટી રહ્યાં છે. 

ભૂકંપનો ડર અફવા સાબિત થયો

પાણીની આ વિચિત્ર હિલચાલ જોઈને ગ્રામજનોમાં ડર પેદા થયો હતો કે જમીનની અંદર કોઈ ભૂકંપ સંબંધી કંપન આવી રહ્યા છે, પરંતુ ગાંધીનગર સ્થિત ‘ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ’ અને મોરબીના જિઓલોજિસ્ટ જે. એસ. વાઢેર દ્વારા આ અફવાને સ્પષ્ટપણે ફગાવી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં કોઈ સક્રિય ફોલ્ટ લાઇન (ભૂકંપીય દરાર) નથી અને ભૂકંપનો કોઈ ખતરો નથી.

ઉછળી રહેલા પાણી અંગે વૈજ્ઞાનિક કારણ શું છે?

ભૂ-વૈજ્ઞાનિકોની પ્રાથમિક તપાસમાં બહાર આવેલા તારણ પ્રમાણે આ વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે જમીન અંદરના જળ-ભંડારો ખૂબ જ ઝડપથી ભરાઈ ગયા છે. બીજા કારણની વાત કરવામાં આવે તો, જમીન અને પથ્થરો વચ્ચેની ખાલી જગ્યાઓમાં ફસાયેલી હવા ભૂગર્ભજળના સતત વધતા સ્તરને કારણે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે. પથ્થરોની તિરાડોમાંથી અંદર ફસાયેલી હવા જ્યારે દબાણ સાથે ઉપર કૂવાના પાણીમાંથી બહાર નીકળે છે, ત્યારે પાણીની સપાટી પર સતત મોજાં અને હલચલ ઉત્પન્ન થાય છે.

મહત્વપૂર્ણ વાત એ છે કે, આ એક સંપૂર્ણપણે કુદરતી હાઇડ્રો-જીઓલોજિકલ (Hydro-geological) પ્રક્રિયા છે. હાલમાં તંત્ર દ્વારા આ કુવા પર સતત નજર રાખવામાં આવી રહી છે, તો બીજી તરફ આ અનોખી ઘટનાને જોવા અને તેના વીડિયો બનાવવા માટે આસપાસના લોકોના ટોળાં ઉમટી રહ્યા છે, જેથી તંત્ર દ્વારા લોકોને અફવાથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ સાથે કોઈ પણ પ્રકારનો ડર રાખવાની પણ જરૂર નથી તેવું જિલ્લા કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે.