સોમનાથ: સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધારેલા જાણીતા કથાકાર મોરારીબાપુએ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા મહિલા સશક્તિકરણના અનોખા સેવાયજ્ઞની મુલાકાત લીધી હતી. તેમજ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો હતો. આ તકે સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ 'વસ્ત્ર પ્રસાદ' નીહાળીને મહિલા સશક્તિકરણની પ્રશંસા કરી હતી.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય સખીમંડળ અને સ્વ-સહાય જૂથની મહિલાઓને સીવણ અને રાચરચીલા નિર્માણની તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ તેમને સિલાઈ મશીન અને તમામ સામગ્રી પૂરી પાડવામાં આવે છે. આ બહેનો સોમનાથ મહાદેવને અર્પણ થતા વસ્ત્રો, પાઘ અને પીતાંબરમાંથી કલાત્મક ઝભ્ભા, તોરણ, ચાકડા, ટોડલા અને આસન સહિતની સામગ્રીઓનું નિર્માણ કરે છે. આ વસ્ત્ર પ્રસાદ ભક્તોને શિવત્વનો પરમ અનુભવ કરાવે છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં મહાદેવને આભિષૂત વસ્ત્રોમાંથી બહેનોને વસ્ત્ર પ્રસાદ નિર્માણનો લાભ આપીને રાજ્યમાં ૨૧,૦૦૦ જેટલા વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ વસ્ત્ર પ્રસાદ સમયાંતરે રાજ્યના વિવિધ વૃદ્ધાશ્રમો, દિવ્યાંગગૃહો અને ટ્રાઈબલ બેલ્ટના જિલ્લાઓમાં વિનામૂલ્યે વિતરિત કરવામાં આવે છે. આ ઉપરાંત ભક્તોની લાગણીને સન્માન આપીને ટ્રસ્ટ દ્વારા સ્થાનિક કક્ષાએ યાત્રીઓ માટે સોવેનિયર કાઉન્ટરો અને ઑનલાઇન ટ્રસ્ટની વેબસાઇટ પર વસ્ત્ર પ્રસાદનું વેચાણ પણ પ્રારંભ કર્યું છે.

તાલીમ પામેલી બહેનો દ્વારા તૈયાર કરાયેલા ૫૦૦ જેટલા ઝભ્ભાનું સફળતાપૂર્વક વેચાણ થયું છે. મોરારીબાપુએ બહેનો દ્વારા બનાવેલી આ તમામ વસ્તુઓનું નિદર્શન કર્યું હતું અને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ આ શ્રદ્ધા, કલા અને રોજગારીની બેસ્ટ પ્રેક્ટિસ પ્રત્યે બાપુએ ખૂબ આદરભાવ વ્યક્ત કરી કામગીરીની પ્રસંશા કરી હતી.