Sun Oct 04 2026

Logo

મોર્નિંગ મ્યૂસિંગ:મોઢેરાના પથ્થરમાં કંડારાયેલું સ્વપ્ન: એક હજાર વર્ષ પછી આજે પણ અહીં સૂરજ ઊગે છે

2026-09-06 09:56:10
Author: Raj Goswami
મોર્નિંગ મ્યૂસિંગ:મોઢેરાના પથ્થરમાં કંડારાયેલું સ્વપ્ન: એક હજાર વર્ષ પછી આજે પણ અહીં સૂરજ ઊગે છે

 રાજ ગોસ્વામી

મોઢેરા મંદિર, વિખ્યાત ડાન્સ ફેસ્ટિવલ

મહેસાણા જિલ્લાના મોઢેરામાં આવેલું સૂર્યમંદિર આ વર્ષે એક હજાર વર્ષ પૂરાં કરી રહ્યું છે. સામાન્ય રીતે આવા અવસરે આપણે કોઈ સ્મારકની ઉંમર, તેની ભવ્ય સ્થાપત્યકલા અને તેના ઐતિહાસિક મહત્ત્વની ચર્ચા કરીએ છીએ,પરંતુ મોઢેરાના કિસ્સામાં એક હજાર વર્ષ પૂરાં થવાની ઘટના માત્ર ભૂતકાળને યાદ કરવાનો પ્રસંગ નથી. તે એક એવી સંસ્કૃતિને સમજવાનો અવસર પણ છે, જેણે લગભગ એક હજાર વર્ષ પહેલાં સૂર્ય, જળ, સ્થાપત્ય, ગણિત, કલા અને ધાર્મિક માન્યતાઓને એક જ તાંતણે એવી રીતે સાંકળ્યાં હતાં કે આજે પણ તેની સામે ઊભા રહીને આપણે આપણા સમય અને આપણી પ્રાથમિકતાઓ વિશે કેટલાક મૂળભૂત પ્રશ્નો પૂછી શકીએ છીએ.

સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી શાસક ભીમદેવ પ્રથમના શાસનકાળમાં ઈસવીસન 1026-27ની આસપાસ થયું હોવાનું સામાન્ય રીતે માનવામાં આવે છે. એ સમયગાળામાં ગુજરાતમાં સોલંકી સત્તાનો પ્રભાવ હતો અને પશ્ર્ચિમ ભારતમાં સ્થાપત્ય તથા શિલ્પકલાના વિકાસની દૃષ્ટિએ પણ તે મહત્ત્વનો સમય હતો.

મોઢેરાનું સૂર્યમંદિર આ સ્થાપત્ય પરંપરાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જેને આજે સામાન્ય રીતે મારુ-ગુર્જર શૈલીના વિકાસના સંદર્ભમાં જોવામાં આવે છે. મંદિર હવે સક્રિય ધાર્મિક કેન્દ્ર નથી અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આરક્ષિત છે. ‘યુનેસ્કો’ના દસ્તાવેજોમાં પણ તે અસાધારણ સ્થાપત્ય અને કલાત્મક મહત્ત્વ ધરાવતા સંકુલ તરીકે દર્જ છે.

જોકે મોઢેરાની વિશેષતા એ નથી કે તે બહુ જૂનું છે. ભારતમાં તેનાથી પણ પ્રાચીન મંદિરો અને સ્થાપત્ય અવશેષો  જોવા મળે  છે. મોઢેરાની વિશિષ્ટતા એ છે કે અહીં મંદિરને માત્ર પૂજા માટેના સ્થળ તરીકે જોવામાં આવ્યું નહોતું. આખું સંકુલ એક વૈચારિક ક્રમમાં વિકસાવવામાં આવ્યું છે, જેમાં સૂર્યકુંડ, સભામંડપ અને ગર્ભગૃહ એકબીજા સાથે સંકળાયેલા છે. મંદિરની સામે આવેલો સૂર્યકુંડ માત્ર પાણી સુધી પહોંચવાનો ઉપાય નથી. તેની આસપાસ આવેલાં નાનાં મંદિરો અને તેની ભૌમિતિક રચના દર્શાવે છે કે જળ, ધાર્મિક વિધિ અને સ્થાપત્યને એક વ્યાપક યોજનાના ભાગરૂપે જોવામાં આવ્યાં હતાં. 

‘યુનેસ્કો’ના દસ્તાવેજ અનુસાર જળાશય, સભામંડપ અને મુખ્ય મંદિર એક સંકલિત સ્થાપત્ય રચના તરીકે કામ કરે છે એટલે મોઢેરા આજે પણ મહત્ત્વનું છે. આધુનિક શહેરોમાં આપણે જળવ્યવસ્થા, ધાર્મિક સ્થાપત્ય અને જાહેર સ્થળોના આયોજનને અલગ વિષય ગણીએ છીએ. 

મોઢેરામાં જળ માત્ર ઉપયોગિતા નહોતું, સ્થાપત્ય માત્ર સૌંદર્ય નહોતું અને ધાર્મિક સંકુલ માત્ર પૂજાનું સ્થળ નહોતું. અહીં આ બધાનો એકસાથે વિચાર કરવામાં આવ્યો હતો. તે સમયના સ્થાપત્ય વિચારમાં પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચેના સંબંધને ગંભીરતાથી જોવામાં આવતો હતો.

સૂર્યમંદિર એક એવું આગવું ઉદાહરણ છે,જ્યાં ખગોળવિજ્ઞાન અને સ્થાપત્ય વચ્ચેનો સંબંધ ખાસ ધ્યાન ખેંચે છે. મંદિરનું મુખ પૂર્વ તરફ છે અને વિષુવના દિવસોમાં ઊગતા સૂર્યનાં કિરણો મંદિરના આંતરિક ભાગ સુધી પહોંચે છે. તેનું મહત્ત્વ માત્ર એટલું નથી કે પ્રાચીન સ્થાપત્યકારો સૂર્યની દિશા જાણતા હતા. 

અસલ પ્રશ્ન એ છે કે તેમણે એ જ્ઞાનને સ્થાપત્યમાં કેવી રીતે પરિવર્તિત કર્યું. કોઈ ઇમારતને સૂર્યની ગતિ સાથે આ રીતે સાંકળવા માટે દિશા, કોણ, પ્રકાશ અને સમય વચ્ચેના સંબંધને સમજવો જરૂરી હતો. તે સમયની તકનીકી અને સ્થાપત્ય ક્ષમતાની આ એક મહત્ત્વપૂર્ણ ઝલક છે.

 મંદિરની બીજી મોટી વિશેષતા તેની શિલ્પકલા છે. તેની દીવાલો અને સ્તંભો પર દેવી-દેવતાઓ ઉપરાંત નર્તકો, સંગીતકારો, યોદ્ધાઓ, પ્રાણીઓ, અલંકારો અને માનવજીવનનાં અનેક દૃશ્યો કંડારવામાં આવ્યાં છે.

આવાં બાંધકામો દર્શાવે છે કે રાજ્ય અને સમાજ કેવી રીતે સંસાધનોનું આયોજન કરી શકતા હતા અને શાસકો સ્થાપત્યના માધ્યમથી પોતાની રાજકીય તથા સાંસ્કૃતિક ઓળખ કેવી રીતે વ્યક્ત કરતા હતા એટલે મોઢેરા આપણને માત્ર તે સમયના ધર્મ વિશે જ નથી જણાવતું - તે સમયની સત્તા અને સમાજ વિશે પણ ઘણું કહે છે.

હજાર વર્ષ પહેલાંની દુનિયા અને આજની દુનિયા વચ્ચેનો તફાવત ઘણો મોટો છે, પરંતુ મનુષ્યની કેટલીક મૂળભૂત ચિંતા બદલાઈ નથી. ત્યારે સૂર્ય જીવનનો આધાર હતો અને આજે પણ છે. ત્યારે પાણીના સંરક્ષણ અને ઉપયોગની સમસ્યા હતી 
અને આજે પણ છે. ત્યારે મનુષ્ય પ્રકૃતિને સમજવા માટે આકાશ તરફ જોતો હતો અને આજે આપણે અંતરિક્ષયાનો તથા વિશાળ દૂરબીનોની મદદથી એ જ બ્રહ્માંડને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તફાવત આપણાં  સાધનોમાં છે. એ વખતના અને આજના વર્તમાન પ્રશ્નોની સાતત્યતા વધુ રસપ્રદ છે.

આ જ કારણ છે કે મોઢેરા આપણને આપણા વર્તમાન વિશે પણ વિચારવા મજબૂર કરે છે. આજે આપણે એવી ટેક્નોલોજી વિકસાવી રહ્યા છીએ, જે સૂર્યની ઊર્જાને વીજળીમાં પરિવર્તિત કરી શકે છે. સોલાર એનર્જી હવે માત્ર પર્યાવરણની ચર્ચાનો વિષય રહી નથી- તે ભારતની ઊર્જાનીતિ અને ગ્રામવિકાસનો પણ એક ભાગ બની છે. મોઢેરા ગામ પોતે આધુનિક ભારતમાં સૌર ઊર્જાના ઉપયોગનું એક નોંધપાત્ર ઉદાહરણ બની ગયું છે
.
આ પરિવર્તન પોતે એક મહત્ત્વની સાંસ્કૃતિક-સભ્યતાગત કહાની છે. મનુષ્ય પ્રકૃતિથી દૂર થયો નથી. તેણે પ્રકૃતિ સાથેના પોતાના સંબંધનો અર્થ બદલ્યો છે. પહેલાં સૂર્યને દેવતા તરીકે સમજવામાં આવ્યો, પછી તેને વૈજ્ઞાનિક અભ્યાસનો વિષય નાવવામાં આવ્યો અને હવે તેની ઊર્જાને તકનીકી સંસાધનમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે.

આ ત્રણેય દૃષ્ટિકોણો જુદા છે, પરંતુ તેની પાછળ રહેલી માનવીય જિજ્ઞાસા એક જ છે: જીવનને પ્રભાવિત કરતી કુદરતી શક્તિઓને આપણે સમજવા માગીએ છીએ અને તેમની સાથેનો આપણો સંબંધ નક્કી કરવા માગીએ છીએ.

જે લોકોએ આ મંદિર બનાવ્યું હતું, તેમના માટે તે કદાચ તેમના વર્તમાનનો એક ભાગ હતું. તેમને ખબર નહોતી કે એક હજાર વર્ષ પછી લોકો તેમના કામને જોઈને તેમના વિશે અનુમાન કરશે. આ જ રીતે આપણે પણ આપણા વર્તમાનમાં જે શહેરો, ઇમારતો, રસ્તાઓ અને સંસ્થાઓ ઊભી કરી રહ્યા છીએ  તે ભવિષ્યની પેઢીઓ માટે આપણા સમયના દસ્તાવેજ બની શકે છે. પ્રશ્ન એટલો જ છે કે તે લોકો આપણા વિશે શું કહેશે?

શું તે કહેશે કે એ લોકોએ માત્ર વધુ ઊંચી અને વધુ ચમકદાર ઇમારતો ઊભી કરી હતી કે પછી એ પણ કહેશે કે તેમણે અમારા સમયની સમસ્યાઓ વિશે ગંભીરતાથી વિચાર્યું હતું? 

શું આપણાં બાંધકામો માત્ર આપણી આર્થિક ક્ષમતાના પુરાવા હશે કે પછી તેમાં આપણી સાંસ્કૃતિક કલ્પનાશક્તિ પણ જોવા મળશે? શું આવનારી પેઢીઓ આપણા સમયને માત્ર ઉપભોગ અને ઝડપના યુગ તરીકે જોશે કે એવા સમય તરીકે પણ જોશે જેમાં મનુષ્યે પ્રકૃતિ, ટેક્નોલોજી અને પોતાના અસ્તિત્વ વચ્ચે વધુ સારું સમતોલન શોધવાનો પ્રયાસ કર્યો હતો?

મોઢેરા-અલબત્ત, આ પ્રશ્નોના જવાબ આપતું નથી, પરંતુ પ્રશ્નો પૂછવાની ક્ષમતા ચોક્કસપણે ધરાવે છે. કદાચ કોઈ ઐતિહાસિક સ્મારકની સૌથી મોટી ઉપયોગિતા એ જ હોય છે. તે આપણને માત્ર ભૂતકાળમાં લઈ જતું નથી, પરંતુ વર્તમાનને એક અલગ દૃષ્ટિથી જોવાની તક આપે છે. 

એક હજાર વર્ષ પછી પણ મોઢેરામાં સૂર્ય ઊગે છે. આ વાત પોતે કોઈ ચમત્કાર નથી. સૂર્ય તો પૃથ્વી પર દરરોજ ઊગે છે. અસાધારણ વાત એ છે કે એક હજાર વર્ષ પહેલાં મનુષ્યે આ નિયમિત કુદરતી ઘટનાને એટલી મહત્ત્વપૂર્ણ માની કે તેના માટે એક સમગ્ર સ્થાપત્યસૃષ્ટિ ઊભી કરી. એ સ્થાપત્યસૃષ્ટિ આજે પણ આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે પ્રકૃતિ, કલા, સત્તા, જ્ઞાન અને માનવજીવન વચ્ચેનો સંબંધ આખરે કેટલો ગહન છે. પ્રશ્ન એ છે કે એક હજાર વર્ષ પછી આપણા બનાવેલા વિશ્વ પર ઊગતો સૂરજ આપણા વિશે શું કહેશે?