Sat Sep 12 2026

Logo

બુમરાહે સિંહાસન ગુમાવ્યું, આ ટોચનો ફાસ્ટ બોલર પહેલી વખત બન્યો વર્લ્ડ નંબર-વન

DUBAI   2026-08-26 17:06:28
Author: Ajay Motiwala
બુમરાહે સિંહાસન ગુમાવ્યું, આ ટોચનો ફાસ્ટ બોલર પહેલી વખત બન્યો વર્લ્ડ નંબર-વન

દુબઈઃ અહીં હેડ-ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ જાહેર કરેલા ટેસ્ટના નવા વ્યક્તિગત ક્રમાંકો મુજબ બોલર્સમાં જસપ્રીત બુમરાહે ઘણા વખતે સર્વોચ્ચ સ્થાન ગુમાવ્યું છે અને તેની જગ્યા ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્કે લીધું છે. 36 વર્ષનો સ્ટાર્ક 15 વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં પહેલી જ વખત બોલર્સમાં નંબર-વન બન્યો છે.

સ્ટાર્ક (STARC)એ તાજેતરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટના બન્ને દાવ મળીને કુલ 10 વિકેટ લીધી હતી અને એ પર્ફોર્મન્સ તેને ફળ્યો છે. બુમરાહ (Bumrah) પહેલી વખત ફેબ્રુઆરી, 2024માં ટેસ્ટનો નંબર-વન બોલર બન્યો હતો. બે અઢી વર્ષમાં તે મોટા ભાગે નંબર-વન પર રહ્યો હતો. તે અનફિટ હોવાને કારણે શ્રીલંકાના પ્રવાસે નથી જઈ શક્યો જેને કારણે તેણે મોખરાની રૅન્ક ગુમાવવી પડી છે.

સ્ટાર્ક ત્રીજા નંબર પરથી સીધો નંબર-વન થઈ ગયો છે. તે મોટા ભાગે ટૉપ-ટેનમાં રહ્યો હતો અને ગયા વર્ષે ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ સિરીઝ બાદ નંબર-થ્રી બન્યો હતો.

સ્ટાર્ક 872 પૉઇન્ટ સાથે પ્રથમ સ્થાને અને બુમરાહ 862 પૉઇન્ટ સાથે બીજા સ્થાને છે. ન્યૂ ઝીલૅન્ડનો મૅટ હેન્રી (861) ત્રીજા ક્રમે છે. સ્ટાર્કે 2011માં ન્યૂ ઝીલૅન્ડ સામે રમીને ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 107 ટેસ્ટમાં 445 વિકેટ લીધી છે. વન-ડે ફૉર્મેટમાં તેની 247 વિકેટ અને ટી-20માં 79 વિકેટ છે.