થાણે: મીરા રોડમાં સામૂહિક બળાત્કાર અને લૂંટના કેસમાં ફરાર 22 વર્ષના આરોપીને એક વર્ષ બાદ પોલીસે પુણેથી ઝડપી પાડ્યો હતો.
આરોપીની ઓળખ નાગેશ કેશવ ગાયકવાડ તરીકે થઇ હતી. નાગેશ ગાયકવાડ એક ગ્રૂપનો ભાગ હતો, જેણે નવેમ્બર, 2024માં મહિલાને નોકરી અપાવવાને બહાને બોલાવીને તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
નાયગાંવ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય હઝારેએ જણાવ્યું હતું કે આરોપી નાગેશ ધરપકડથી બચવા માટે પોતાની ઓળખ બદલીને અલગ અલગ સ્થળે રહ્યો હતો. પોલીસની ટીમે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે આરોપીને કામશેત વિસ્તારમાં રવિવારે શોધી કાઢ્યો હતો.
આ કેસ 27 નવેમ્બર, 2024નો છે, જ્યારે પીડિતા અહીંથી નોકરીની શોધમાં પુણે ગઇ હતી. જોકે તે ઇન્ટરવ્યૂ ચૂકી હતી અને તેણે પતિના મિત્ર પવન રાજેન્દ્ર પ્રસાદ સબ્બત (29)ને કૉલ કર્યો હતો, જેણે પીડિતાને નોકરી શોધવામાં મદદ કરવાનું આશ્ર્વાસન આપ્યું હતું.
દરમિયાન પવન સબ્બતે પીડિતાને મીરા રોડમાં બોલાવી હતી, જ્યાં તેને રૂમમાં ગોંધી રાખવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે સબ્બત અને તેના બે સાથીદાર ધનરાજ ચવાણ તથા અભિષેક પૂજારીએ પીડિતા સાથે ઘણા દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. તેમણે પીડિતાના દાગીના, રોકડ અને મોબાઇલ લૂંટી લીધા હતા.
સબ્બતે પીડિતાના નામે બોગસ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ તૈયાર કરીને તેને ત્રાસ આપવા માટે તેના ફોટા અપલોડ કરી દીધા હતા. આરોપી નાગેશ ગાયકવાડ પર પીડિતાનો વિનયભંગ કરવાનો અને લૂંટમાં સામેલ થવાનો આરોપ છે.
નાયગાંવ પોલીસે અગાઉ સબ્બત, ચવાણ અને પૂજારીની ધરપકડ કરી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને પૂછપરછમાં ગાયકવાડે ગુનામાં સંડોવણી કબૂલી હતી. (પીટીઆઇ)