ધરમશાલાઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે એટલે પંજાબ કિંગ્સ (PBKS) સામે અહીં આજે (સાંજે 7.30 વાગ્યાથી) રમાનારી મૅચમાં જો મુંબઈનો પરાજય થશે તો એને (પૉઇન્ટ્સની બાબતમાં) કંઈ ફરક નહીં પડે, પરંતુ જો પંજાબની ટીમ લાગલગાટ પાંચમી મૅચ હારશે તો એની પ્રતિષ્ઠાને વધુ નુકસાન થશે જ, પ્લે-ઑફમાં પહોંચવા માટે એણે આવનારા દિવસોમાં વધુ સંઘર્ષ કરવો પડશે.
પંજાબની ટીમ શરૂઆતની છ મૅચ જીત્યા બાદ છેલ્લી લાગલગાટ ચાર મૅચ હારી છે. એની એક મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. શ્રેયસ ઐયરના સુકાનમાં પંજાબે શરૂઆતમાં ઘણા દિવસો સુધી પૉઇન્ટ્સ-ટેબલમાં રાજ કર્યું હતું, પણ ઉપરાઉપરી ચાર પરાજયને લીધે ટીમની ખૂબ ટીકા થઈ રહી છે. સોશ્યલ મીડિયામાં તો ત્યાં સુધી અટકળ થઈ રહી છે કે ટીમમાં અશિસ્ત હોવાથી ટીમનું અચાનક પતન થવા લાગ્યું છે. જોકે ટીમની માલિક પ્રીટિ ઝિન્ટાએ પોતાના ખેલાડીઓ વિશે ખોટી વાતો ફેલાવનારાઓને ચેતવી દીધા છે.
મુખ્ય કૅપ્ટન હાર્દિક પંડ્યા પીઠના દુખાવાને કારણે આજે પણ નહીં રમે અને તેના ઉપરાંત સૂર્યકુમાર યાદવ પણ ધરમશાલા ન ગયો હોવાથી કહેવાય છે કે જો તે નહીં રમે તો તેના સ્થાને રૉબિન મિન્ઝને અથવા ડેનિશ માલેવરને રમવાનો મોકો મળશે.

હેડ-ટુ-હેડ
બન્ને ટીમ વચ્ચે કુલ 35 મૅચ રમાઈ છે જેમાંથી 18 પંજાબે અને 17 મુંબઈએ જીતી છે. તાજેતરના ફૉર્મની વાત કરીએ તો બન્ને ટીમ વચ્ચેના છેલ્લા પાંચમાંથી ચાર મુકાબલા પંજાબે જીત્યા છે. આ વખતની ટૂર્નામેન્ટની શરૂઆતમાં પંજાબે મુંબઈને સાત વિકેટે હરાવ્યું હતું. પંજાબે 195 રનનો લક્ષ્યાંક 21 બૉલ બાકી રાખીને મેળવી લીધો હતો.
રિકલ્ટનની કસોટી, રોહિત સિદ્ધિની નજીક
મુંબઈના ઓપનર રાયન રિકલ્ટને આજે પંજાબના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ સામે આકરી પરીક્ષા આપવી પડશે, કારણકે અગાઉ સાતમાંથી ત્રણ મુકાબલામાં અર્શદીપે રિકલ્ટનને આઉટ કર્યો હતો અને તેની સામે રિકલ્ટનનો માત્ર 119.00નો સ્ટ્રાઇક-રેટ છે. રોહિત શર્મા આજે 50 રન પૂરા કરશે એટલે આઇપીએલમાં હાફ સેન્ચુરીની અડદી સદી પૂરી કરશે અને અગાઉ આ સિદ્ધિ મેળવનાર વિરાટ કોહલી, ડેવિડ વૉર્નર તથા શિખર ધવનની બરાબરીમાં થઈ જશે.