Tue Aug 25 2026

Logo

પંચમહાલના 30 ગામોમાં MGVCLની 20 ટીમો ત્રાટકી, વીજ ચોરી પકડાતા રૂ. 10.96 લાખનો દંડ...

2026-03-16 22:37:18
Author: Tejas Soni
પંચમહાલના 30 ગામોમાં MGVCLની 20 ટીમો ત્રાટકી, વીજ ચોરી પકડાતા રૂ. 10.96 લાખનો દંડ...

પંચમહાલ: જિલ્લામાં વીજ ચોરીના દૂષણને ડામવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરા-1 અને શહેરા-2 સબ ડિવિઝનના વિવિધ વિસ્તારોમાં કંપનીએ એક વિશાળ વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. વહેલી સવારથી જ વિજિલન્સની ટીમો એક્શનમાં આવતા ગેરકાયદેસર વીજ વપરાશ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઝુંબેશનો મુખ્ય હેતુ વીજ લોસ ઘટાડવાનો અને પ્રામાણિક ગ્રાહકોના હિતનું રક્ષણ કરવાનો છે.

MGVCLની વિજિલન્સ ટીમે શહેરા તાલુકાના ભદ્રાલા, ભોટવા, નરસાણા અને નાડા સહિતના અંદાજે ૩૦ જેટલા ગામોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. 20 જેટલી અલગ-અલગ ટીમોએ કુલ 655 વીજ કનેક્શનોની બારીકાઈથી તપાસ કરી હતી. આ કામગીરી દરમિયાન 79 કનેક્શનોમાં લંગરિયા નાખીને અથવા મીટરમાં છેડછાડ કરીને સીધી વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. આ ગંભીર ગેરરીતિ બદલ કંપનીએ તમામ કસૂરવારોને કુલ રૂ. 10.96 લાખનો દંડ ફટકાર્યો છે.

વીજ ચેકિંગ અંગે ડેપ્યુટી એન્જિનિયરે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, વીજ ચોરીને કારણે માત્ર આર્થિક નુકસાન જ નથી થતું, પરંતુ તેનાથી લો-વોલ્ટેજ અને ટ્રાન્સફોર્મર બળી જવા જેવી ટેકનિકલ સમસ્યાઓ પણ સર્જાય છે. કંપનીએ હવે વીજ ચોરી સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી છે. આગામી સમયમાં પણ આ પ્રકારની આકસ્મિક ડ્રાઈવ ચાલુ રહેશે, જેથી વીજળીની ચોરી કરતા લોકોને કાયદાનું ભાન કરાવી શકાય અને સિસ્ટમની ગુણવત્તા જળવાઈ રહે.

વીજ કંપની દ્વારા માત્ર દંડ જ નહીં, પરંતુ બાકી લેણાંની વસૂલાત પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનાના આંકડા જોઈએ તો, શહેરા સબ ડિવિઝન દ્વારા જાન્યુઆરીથી માર્ચ દરમિયાન કુલ 45901 ગ્રાહકો પાસેથી રૂ. 5.82 કરોડની રિકવરી કરવામાં આવી છે. જેમાં જાન્યુઆરીમાં 2.04 કરોડ, ફેબ્રુઆરીમાં 2.57 કરોડ અને માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં 1.20 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. કંપનીની આ આક્રમક કામગીરીથી વીજ ગ્રાહકોમાં જાગૃતિ વધતી જોવા મળી રહી છે.