Sun Aug 23 2026

Logo

મ્યુચ્યુઅલ ફંડના નવા પ્લાન ‘એમએફ-પીએમએસ’માં નવું શું છે?

2026-08-23 07:42:45
Author: Jayesh Chitaliya
Article Image

રોકાણકારોએ પીએમએસ (પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસ) વિશે તો સાંભળ્યું જ હશે. મોટા રોકાણકારો માટે એ  સારી સુવિધા કહી શકાય, પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં PMAS વિશે જાણો છો? ‘સેબી’ આ પ્રસ્તાવ પર કામ કરી રહી  છે તો એ સમજીએ...

જયેશ ચિતલિયા

આપણા ફાઇનાન્સિયલ-ઇન્વેસ્ટમેન્ટ સેક્ટરમાં રોકાણ માટેનાં વિભિન્ન સાધનો છે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ એક વિશાળ ફંડ ઉદ્યોેગ તરીકે મજબૂત સ્થાન ધરાવે છે. તેમાં પણ ઇનોવેશન સાથે નવી યોજનાઓ કે પ્રોડક્ટ્સ આવતા જાય છે. તાજેતરમાં એસઆઇએફના આગમન બાદ નિયમન તંત્ર સેબી એમએફ-પીએમએસ લાવી રહ્યું છે. મોટા-સધ્ધર, હાઈ રિસ્ક ટેકર્સ રોકાણકારો માટે આ નવી તક હશે. આની વિશિષ્ટતા સમજવામાં સાર છે. મ્યુચ્યુઅલ ફંડ્સ સાથે નિયમન તંત્ર સેબી સતત નવા પ્રયોગ કરતું રહે છે, જેમાં હાલ એક પ્રયોગ મ્યુચ્યુઅલ ફંડ પીએમએસ (પોર્ટફોલિઓ મૅનેજમેન્ટ સર્વિસીસ)ના નામે કરવાની તૈયારી ચાલી રહી છે. તેનો મૂળ ઉદ્દેશ રિટેલ (નાના) રોકાણકારોને વધુ નવા વિકલ્પો મળે તેમ જ પીએમએસ જેવી સુવિધાનો લાભ પણ મળે, જે અન્યથા મોટા રોકાણકારો માટે ઉપલબ્ધ હોય છે. દેશમાં વેલ્થ મૅનેજમેન્ટ મામલે આવી રહેલા પરિવર્તનના આ નવા માર્ગ છે.

બાય ધ વે, એ પણ જાણી લો કે  સેબી મ્યુચ્યુઅલ ફંડની કોઈ નવી કૅટેગરી સ્થાપી રહ્યું નથી. માત્ર પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસ માટેના મ્યુચ્યુઅલ ફંડ સ્થાપવાની વ્યવસ્થા લાવી રહ્યું છે, જેમાં ફંડ મૅનેજર્સ મ્યુચ્યુઅલ ફંડ્સના સમગ્ર પોર્ટફોલિયોને પ્રોફેશનલી મૅનેજ કરશે. મૅનેજર્સ વ્યક્તિગત સ્ટૉક્સ કે બૉન્ડ્સ ખરીદવાને બદલે તે ફંડના ડાયરેકટ પ્લાન્સ, એક્સચેંજ ટ્રેડેડ ફંડ (ઇટીએફ) અને સ્પેશ્યલાઇઝડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ મારફત રોકાણકારનો પોર્ટફોલિયો મૅનેજ કરશે.

સેબીનું આ પગલાંનું લક્ષ્ય

સેબીનો હેતુ એ છે કે રેગ્યુલર મ્યુચ્યુઅલ ફંડ રિટેલ રોકાણકારોને સર્વિસ જરૂર આપે છે, પરંતુ  તેમાં પર્સનલ સર્વિસ મર્યાદિત પ્રમાણમાં હોય છે. આમ તો પીએમએસ બહુ જ ઊંચા પ્રકારની પર્સનલાઇઝડ સર્વિસ છે, પરંતુ તે માટે મિનિમમ રૂ.50 લાખનું રોકાણ ફરજિયાત છે. આનાથી ઓછી રકમના ઘણા રોકાણકારોને પર્સનલાઇઝડ પીએમએસ જોઈતી હોય છે, પણ મળી શકતી નથી. સેબી આ અભાવને પૂરવા માટે અર્થાત્ નાની રકમના (25થી 50 લાખની વચ્ચેના) રોકાણકારોને આ સેવા ઉપલબ્ધ થાય એમ ઇચ્છે છે. આમ તો નાના વર્ગ માટે તો આ રકમ પણ મોટી જ છે, તેમ છતાં તુલનાત્મક દૃષ્ટિએ પીએમએસ માટે વાજબી ગણી શકાય, કારણ કે પીએમએસ એ સ્પેશ્યલાઇઝડ સર્વિસ હોવાથી તેમાં ચોક્કસ રોકાણ મર્યાદા રાખ્યા વિના ચાલે નહીં.

મૂળ ‘પીએમએસ’ ને ‘પીએમએસ-એમએફ’માં ફરક

આ વચ્ચે શું ફરક હશે એ સમજાવતા નિષ્ણાતો જણાવે છે કે જો ઇન્વેસ્ટર સીધું પોતે રોકાણ કરે તો તેણે સ્કીમ સિલક્ટ કરવાની આવે, તે સ્કીમ્સને ક્યારે રિબૅલૅન્સ કરવી છે એ નક્કી કરવાનું પણ તેના ભાગે આવે અને તેની કામગીરી પર પણ નિરીક્ષણ રાખવું પડે. જયારે કે એમએફ-પીએમએસમાં પ્રોફેશનલ પોર્ટફોલિયો મૅનેજર એસેટ એલોકેશન નક્કી કરશે. એ મૅનેજર જ જ્યારે પણ ફંડ્સ વચ્ચે સ્વિચીસની જરૂર ઊભી થઈ તો કરશે. આ મૅનેજર રોકાણકારના ગોલ્સ (ધ્યેય), કરવેરાની અસર, જોખમ લેવાની ક્ષમતા અને કૅશ-ફલોની જરૂરિયાત મુજબ પર્સનલાઇઝડ પોર્ટફોલિયો તૈયાર કરી આપશે.

જેમની કમાણી ઊંચી છે યા વધી રહી છે, છતાં પોતાના રોકાણ પોર્ટફોલિયો પર ધ્યાન આપવાનો સમય નથી એવો સંપન્ન વર્ગ આવા પીએમએસને પસંદ કરશે, જેમાં તેને રૂ.25 લાખ કે તેથી વધુ રકમના રોકાણ માટે પણ આ સવલત ઉપલબ્ધ થશે. આ નવા પ્રકારની પીએમએસનો લાભ એ હશે કે તેમાં પરંપરાગત પીએમએસ કરતાં એન્ટ્રી બેરિયર્સ નીચો હશે. બીજું કે રોકાણ મ્યુચ્યુઅલ ફંડ્સ મારફત થવાનું હોવાથી વૈવિધ્યકરણ ઘણું હશે. ડાયરેકટ પ્લાન્સના ઉપયોગને લીધે ડિસ્ટ્રિબ્યુશન કૉસ્ટ ઓછો રહેશે. જોકે રેગ્યુલર મ્યુચ્યુઅલ ફંડની સરખામણીએ જોવા જઈએ તો અહીં ખર્ચ વધુ હશે, કેમ કે મૅનેજમેન્ટ ફી તો લાગુ થશે. આ ઉપરાંત અહીં હકીકત એ પણ ધ્યાનમાં રાખવી જોઈશે કે આમાં વળતરની ખાતરી નહીં હોય, તેનો આધાર પોર્ટફોલિયો મૅનેજર્સના નિર્ણય પર હશે.

નિષ્ણાત વર્ગ શું કહે છે?

ફંડ ઉદ્યોગના એક્સપર્ટસ વર્ગ આ વિષયમાં પોતાના મત વ્યકત કરતાં જણાવે છે, રોકાણકારો પાસે મ્યુચ્યુઅલ ફંડ્સમાં વિવિધ વિકલ્પો મળે છે, જેમાં તાજેતરમાં સ્પેશ્યલાઇઝડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (એસઆઇએફ) પણ આવ્યા છે, જોકે હજી તેના પ્રતિભાવ બહુ સ્પષ્ટ થયા નથી. સેબીનો ઉદેશ નાના, મધ્યમ અને મોટા રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ્સ હેઠળ સતત નવા-નવા વિકલ્પો આપતા રહેવાનો છે, જેમાંથી જે ફંડ કે પ્રોડકટ સફળ થશે એ આગળ ચાલશે, અન્યથા રોકાણકારોનો પ્રતિસાદ તેમને પોતાનો રસ્તો બતાવી દેશે. આમ પણ સમય અને સંજોગો જે ઝડપથી બદલાઈ રહ્યા છે તેને ધ્યાનમાં રાખતાં નવા વિકલ્પો અને નવી પ્રોડક્ટ્સ ઑફર થતી રહે એ ઉદ્યોગના અને રોકાણકાર વર્ગના હિતમાં રહેશે.