Tue Oct 13 2026

Logo

અટકળો અને ખોટી માહિતીથી દૂર રહેવાની પોલીસે જનતા અને મીડિયાને કરી અરજ

2026-09-23 17:38:01
Author: Yogesh C. Patel
અટકળો અને ખોટી માહિતીથી દૂર રહેવાની પોલીસે જનતા અને મીડિયાને કરી અરજ

મુંબઈ: આઈઆઈટી બૉમ્બેના સ્ટુડન્ટે કરેલી કથિત આત્મહત્યા સંબંધે મુંબઈ પોલીસે બુધવારે અટકળો, ખોટી માહિતી અથવા ઉતાવળે કોઈ તારણો ન કાઢવા જાહેર જનતા અને મડિયાને અપીલ કરી હતી.ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી (આઈઆઈટી) બૉમ્બેમાં બીજા વર્ષના બીટેકના વિદ્યાર્થી સાહિલ વાકોડે (22)ના મૃત્યુની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. મિડ-સેમિસ્ટરની પરીક્ષામાં ચૅટજીપીટીનો ઉપયોગ કરવા મોબાઈલ ફોન સાથે પકડાયાના કલાકો બાદ વાકોડેનો મૃતદેહ કૅમ્પસમાંની હોસ્ટેલમાં આવેલી તેની રૂમમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

પોલીસે એક નિવેદનમાં ખાતરી આપી છે કે તપાસ નિષ્પક્ષ અને ખંતપૂર્વક કરવામાં આવશે. દરેક પાસાંનું તપાસમાં ધ્યાન રખાશે.ડેપ્યુટી પોલીસ કમિશનર રાજ તિલક રોશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે મુંબઈ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે આ કેસમાં કોઈ અટકળો લગાવવી નહીં. ખોટી માહિતી અને ઉતાવળે તારણો ન કાઢવાનું પણ જણાવાયું છે.આ કેસની તપાસ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી) રૅન્કના અધિકારીને સોંપવામાં આવી છે અને ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ તપાસ પર દેખરેખ રાખી રહ્યા છે, એવું ડીસીપીએ જણાવ્યું હતું.

વાકોડેનાં માતા-પિતાએ દાવો કર્યો છે કે તેમના દીકરાની જાતિને લઈ સતામણી કરવામાં આવતી હતી. તેમણે આઈઆઈટી બૉમ્બેના ડિરેક્ટર પ્રોફેસર શિરીષ કેદારે અને પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લાની તુરંત ધરપકડ કરવાની માગણી પણ કરી છે. આત્મહત્યાને પગલે વિદ્યાર્થીઓ અને રાજકીય કાર્યકરો દ્વારા કરાયેલા દેખાવ બાદ પ્રોફેસર દુલ્લાને વહીવટી બાબતોના ડીન પદેથી હટાવી દેવાયા હતા. (પીટીઆઈ)