Fri May 01 2026

Logo

અનેક યુદ્ધગ્રસ્ત દેશમાં ‘ફરજ’ બજાવતા ‘મર્સનરી’ ભાડૂતી સૈનિકોની આગવી દુનિયા

2026-02-15 10:33:00
Author: Mumbaisamachar Team
Article Image

 

ખર્ચાળ લશ્કર વસાવવું ન પડે એ માટે અમુક નાના દેશ તાલીમબદ્ધ એવા વિદેશી ‘મર્સનરી’- ભાડૂતી સૈનિકોને કામે લગાડે છે...આપણી સરકારી યોજના ‘અગ્નિપથ’ અને ‘અગ્નિવીર’ સામે બહુ જ શરૂઆતથી તીવ્ર વિરોધ રહ્યો છે. અન્ય દેશોની જેમ આ યોજના હેઠળ આપણે પણ સ્વદેશી આત્મનિર્ભર ‘મર્સનરી’ સૈનિકો તો તૈયાર નથી કરી રહ્યા ને?!

ક્લોઝ અપ - ભરત ઘેલાણી

તાલીમબદ્ધ કસાયેલું ભારતીય સૈન્ય ..., આપણા ‘અગ્નિવીર’ સૈનિકો , ‘મર્સનરી’ (Mercenary) અર્થાત ભાડૂતી સૈનિકો

યુદ્ધ.!

બડો બિહામણો શબ્દ છે આ...

યુદ્ધની વાત નીકળે એટલે લશ્કરનો ઉલ્લેખ કરવો પડે અને આર્મી-લશ્કર સાથે સહેજે છે કે સૈન્યના જવાનોને ય યાદ કરવા પડે, કારણ કે આવા સૈનિકોનું સંયમબદ્ધ સમૂહ જ લશ્કરનું ગઠન કરી શકે. કોઈ પણ દેશના સીમાડાના રક્ષણ માટે દેશની આઝાદીને અકબંધ રાખવા માટે આવાં સૈન્ય અનિવાર્ય છે.

સદભાગ્યે, મા ભોમની રક્ષા માટે આપણી પાસે ખુદનું મજબૂત સૈન્ય છે. એની ત્રણેય પાંખ એટલે કે ધરતી-આકાશ અને સમુદ્રના રક્ષણ માટે છેલ્લાં અહેવાલ મુજબ આપણી પાસે 14 લાખ 50 હજારથી વધુ સૈનિકો ધરાવતું આધુનિક લશ્કર છે. આ ઉપરાંત, રિર્ઝવ કહી શકાય એટલા સૈનિકોની સંખ્યા 9 લાખથી વધુ છે. આ બધાને લીધે ઈન્ડિયન આર્મીની ગણના વિશ્વના બીજા નંબરે આવતા સૈન્ય તરીકે થાય છે.  

જોકે ‘ગ્લોબલ ફાયરપાવર (GFP)’ ઈન્ડેક્સ મુજબ અમેરિકા રશિયા-ચીન પછી ભારતીય સૈન્ય ચોથા ક્રમાંકે આવે છે.  

બીજી તરફ્, અન્ય દેશોની જેમ આપણે ત્યાં  સરકારના કોઈ ફરજિયાત નિયમને લીધે નહીં, પણ સ્વેછાએ લશ્કરમાં જોડાયેલા યુવાનોનું આ સૈન્ય છે, જે સંખ્યા બળને હિસાબે વિશ્વનું સૌથી મોટું લશ્કર છે...! 

આમ તો આપણા સૈન્યમાં જેમ જેમ જવાનો નિવૃત થતા જાય તેમ એમની જ્ગ્યાએ તબક્કાવાર નવા જવાનોની ભરતી થાય, પરતું પાંચેક વર્ષ પહેલાં કોરોનાની મહામારીને લીધે આવી ભરતી બે વર્ષ સુધી શક્ય ન બની એટલે સરકારે ત્વરિત તાલીમ પછી ભરતી માટે ‘અગ્નિપથ’ના નામે 2022માં એક યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરી ‘અગ્નિવીર’ના શોર્ટકટ દ્વારા લશ્કરમાં પ્રવેશની તક પણ મળી જાય તો પણ ચાર વર્ષની એ જોબ પછી ફરજિયાત નિવૃત્તિ લેવી પડે એવી એ યોજના વિરુદ્ધ નહોતો ધાર્યો એવો દેશભરમાં પ્રચંડ વિરોધ ભભૂકી ઊઠયો. 13થી વધુ રાજ્યમાં હિંસક તોફાનો થયાં હતા. આજે પણ એ યોજના સામે આંશિક વિરોધ ચાલુ જ છે.      

કોરોના પહેલાં સામાન્ય રીતે લશ્કરમાં દર વર્ષે સરેરાશ 55થી 60 હજાર યુવાનોની ભરતી થતી હતી. ‘અગ્નિપથ’ યોજનાની જાહેરાત પછી સૈન્યમાં હવે દર વર્ષે 45 હજારની ભરતી થશે એવી જાહેરાત થતા લશ્કરની નિયમિત ભરતીમાં પણ ઘટાડો થવાનો છે એવી આશંકા શરૂ થઈ હતી. આ બધાને લીધે સૈન્યમાં જોબ લેવા ઈચ્છુક યુવાનોએ એ નવી ‘અગ્નિપથ’ યોજના સામે દર્શાવેલી શંકાઓ-  પ્રચંડ વિરોધ પછી સરકારે ‘અગ્નિપથ’ના ઉમેદવારોની ઉચ્ચતમ વયમર્યાદા 21થી 23 વર્ષની કરી છે. બીજા સુધારા-વધારા પણ કર્યા છે. એ સિવાય ‘અગ્નિપથ’ વિરોધનાં કારણો અનેકવિધ હતાં એ વિશે આ તબક્કે આપણે એની વધુ ચર્ચામાં ન પડીએ.

હવે આપણી સરકાર આ ‘અગ્નિપથ’ની યોજના લઈને એ વખતે અચાનક જ કેમ પ્રગટી એનાં કારણ શું? શું આપણે પણ પેલા વિદેશી દેશોની જેમ ‘અગ્નિપથ’ યોજનાના સ્વાંગ હેઠળ આપણા પોતાના-સ્વદેશી ‘મર્સનરી’ (Mercenary) અર્થાત્ ભાડૂતી-વ્યવસાયિક સૈનિકોનાં જૂથ તો તૈયાર નથી કરી રહ્યાને?!

એવી પણ એક થિયરી ચર્ચાવા લાગી. આ ‘મર્સનરી’ (Mercenary) અર્થાત્ ભાડૂતી સૈનિકોનાં જૂથ વિશે  જાણવા આપણે થોડાં ફલેશબેકમાં જવું પડશે-ભૂતકાળમાં ડોકિયુ કરવું પડે.

પોતાના સીમાડાની પેલે પાર જેને ભાગ્યે જ કોઈ વાતે પાડોશી દેશ સાથે વાદ-વિવાદ કે વિખવાદ ન હોય એ દેશ હંમેશાં કદમાં નાનું જ લશ્કર રાખે, જયારે મોટાં રાષ્ટ્રો લાંબાં-પહોળાં લાવ-લશ્કરને પોષે તથા યુદ્ધ મેદાન માટે એને પલટાતા સમય મુજબ વધુ ને વધુ આધુનિક બનાવતું રહે. 

જરૂર પડે તો બીજાં દેશોને સીમાડે યુદ્ધ જેવી અશાંતિ સર્જાય તો મિત્ર રાષ્ટ્રને પોતાનું સૈન્ય ઉછીનું પણ આપે. આવાં ‘ઉછીનાં ભલા કામ’ માટે અમેરિકા-રશિયા જેવા દેશ હંમેશાં તત્પર રહે છે. કોઈ પણ દેશમાં આંતરવિગ્રહ થાય કે પછી બળવો થવાની પૂરી શક્યતા હોય ત્યારે ‘મિત્ર’ દેશને ત્યાં શાંતિ અકબંધ રાખવા અમેરિકા-રશિયા હંમેશાં પહોંચી જાય છે. 

પારકો કજિયો વહોરી લેવાની અમેરિકાની જૂની આદત છે. પછી એ ક્યુબા હોય-વિયેતનામ હોય-લેબનોન હોય કે ઈરાક-કુવૈત - ગલ્ફ દેશો (‘ઑપરેશન ડેઝર્ટ સ્ટ્રોમ’) કે પછી અફઘાનિસ્તાન એ બધા હજુ આપણી સ્મૃતિમાંથી ભૂંસાયા નથી.

પોતાનાં મકસદ પૂરાં થતાં જ્યારે જ્યારે અમેરિકા કે રશિયા પારકી ધરતી પરથી સત્તાવાર રીતે વિદાય લે પછી યુદ્ધ કે આંતરવિગ્રહમાં સપડાયેલા એ દેશમાં એક નવા જ પ્રકારના લશ્કરી જવાન કે યોદ્ધાઓની ટુકડીઓ પ્રવેશે છે, જેને કોઈ જ દેશની સરકાર કે સૈન્ય સાથે સ્નાનસૂતક્નોય સંબંધ નથી હોતો. એ હોય છે ‘મર્સનરી’ અર્થાત્ ભાડૂતી કે વ્યવસાયિક સૈનિક કોઈ નિવૃત્ત સિનિયર લશ્કરી અધિકારી કે પછી લશ્કર છોડી ગયો હોય એવા તાલીમબદ્ધ જવાનો માત્ર આર્થિક લાભ માટે જ પોતાની સેવા કોઈ પણ દેશ માટે આપે છે. માત્ર ‘માથા સાટે માલ’ની નીતિ-રીતિમાં માનતા આવા મર્સનરી- ભાડૂતી જવાનનું જગત જ સાવ અલાયદું છે. જંગના દાવપેચમાં જબરા કાબેલ એવા આ જવાનો પોતાની નિશ્ર્ચિત ફી લઈને તમે વરદી આપો એ કોઈ પણ દેશના કોઈ પણ સ્થળે પોતાનું યુદ્ધ કૌશલ્ય દેખાડવા પહોંચી જાય ને ‘પૈસાવસૂલ’ કામગીરી બજાવે પણ ખરા.

આવા તાલીમબદ્ધ સૈનિકોના પોતાનાં આગવા જૂથ-ગ્રૂપ હોય છે. તમે ભેદી ‘ડાર્ક વેબ’ પર સંપર્ક કરીને આવા ભાડૂતી સૈનિકોની ટીમને તમારા ‘ધંધે’ લગાડી શકો..!

આમ તો બીજા વિશ્વયુદ્ધ પછી ધંધાદારી-વ્યવસાયિક સૈનિકોની સેવા લેવાનું વધ્યું હતું, પણ ઈતિહાસનાં પાને આ પ્રકારના સૈનિકોની કામગીરીની નોંધ પણ મળી આવે છે. છેક 14મી સદીમાં બાઈજન્ટાઈન સામ્રાજય (પાછળથી જે રોમન સામ્રાજ્ય તરીકે જાણીતું થયું )ના શાસકે તુર્કોને પરાજિત કરવા ‘આલ્મોગવરિસ’ તરીકે ઓળખાતા સ્પેનના ભાડૂતી સૈનિકોનો ઉપયોગ કર્યો હતો. એ પછી, સ્વિસ-ઈટાલિયન-જર્મન સૈનિકો પણ નાના-મોટા રાજા ઉમરાવો માટે પૈસા લઈને કામગીરી બજાવતા, પરંતુ એમાંના મોટાભાગના લોભી-દુષ્ટ- પાશવી-બળાત્કારી અને ગુનાખોર વૃતિ ધરાવતા હતા. (આજના પાકિસ્તાની આતંકવાદીઓ જેવા!)

આવા ભાડૂતી સૈનિકો વધુ રકમ માટે ગમે ત્યારે દુશ્મનના પક્ષે ચાલ્યા જવા માટે બદનામ પણ ખરા. કાળક્રમે આ બધા વચ્ચે સ્વિત્ઝર્લેન્ડ-સ્વિસ અને જર્મન ‘મર્સનરી’ એમની શિસ્ત તથા ચુસ્ત કામગીરી માટે ‘સોલ્જર ઑફ ફોર્ચ્યુન’ તરીકે વધુ જાણીતા થયા. આવા સોલ્જરની કાર્યક્ષમતા-કામગીરી અને કયા પ્રકારના કાર્યની કેટલી ફી-મહેનતાણું લાગશે એવી બધી સત્તાવાર માહિતી આપતાં મેગેઝિન્સ અને એની ડિજિટલ આવૃત્તિઓ પણ નિયમિત પ્રગટ થાય છે. એક માહિતી મુજબ, સામાન્ય રીતે એક ‘મર્સનરી’ ને વર્ષે દોઢ લાખથી લઈને 3 લાખ 50 હજાર ડૉલર (અન્ય ખર્ચ બાદ કર્યા પછી) મહેનતાણું મળે છે. ટૂંકા ગાળાની કામગીરી બજાવવાની હોય તો રોજના 1500થી 2500 ડૉલરનો પણ એ ચાર્જ લે હવે આપણી વિવાદાસ્પદ ‘અગ્નિપથ’ યોજના પર પરત આવીએ.

એક તરફ, આપણા સૈન્યના ભૂતપૂર્વ વડા જનરલ વી.પી. મલિક આ યોજનાની તરફેણ કરતા કહે છે કે યુવા જવાનોને લશ્કરમાં સામેલ કરવાની આ એક અચ્છી સ્કિમ છે. યુવાનોના હિતમાં છે તો બીજી તરફ, વિદેશી ‘મર્સનરી’ સાથે આપણા ભાવિ યુવા ‘અગ્નિવીર’ની સરખામણી કરતા સૈન્યના એક નિવૃત્ત ઊચ્ચ હોદેદાર (નામ પ્રગટ ન કરવાની શરતે) કહે છે કે આવા કામચલાઉ ‘આત્મનિર્ભર’ સૈનિકો પાસેથી સૈન્ય ધાર્યું કામ નહીં લઈ શકે. આવા ‘મહેમાન’ સૈનિકના બળે યુદ્ધ ન જીતી શકાય. જંગ જવાનોની સંખ્યા કે શસ્ત્રોથી નહીં, પણ જોશ-જુસ્સાથી જીતી શકાય. દેશ માટે અનન્ય સમર્પણ ભાવના પણ હોય તો વિજયી થવાય.

અન્ય સંરક્ષણ નિષ્ણાતો પણ કહે છે કે સાત-આઠ વર્ષની વિધિસર આકરી સઘન તાલીમ પછી સૈન્ય માટે ‘મર્સનરી’ની બરોબરી કરી શકે એવો અચ્છો જવાન તૈયાર થાય, પણ અહીં ‘અગ્નિવીર’ સૈનિકને માંડ 10 અઠવાડિયાથી 6 મહિનાની જ તાલીમ મળે છે! 
આમ ઉતાવળે રજૂ કરવામાં આવેલી આ અધકચરી યોજનાના વિવાદથી દઝાડતી જ્વાળા સરકાર માટે શરૂઆતથી ખરા અર્થમાં આ અગ્નિપથ જ સાબિત થઈ રહી છે!        

આજે જગત કેટલાં યુદ્ધ આંતર વિગ્રહમાં અટવાયેલું છે? 

છેલ્લાંમાં છેલ્લાં -2026 સુધીના આંકડા અનુસાર આજે જગતભરમાં 30થી વધુ દેશ એક યા બીજી રીતે યુદ્ધમાં અટવાયેલા છે. એ જ રીતે, 65થી વધુ દેશમાં આંતર વિગ્રહ જેવી હિંસક પ્રવૃત્તિ ચાલી રહી છે. (મ્યાનમાર- સિરિયા-યમન-ઈઝરાયલ -પેલેસ્ટાઈન -ગાઝા-લેબેનોન, ઈત્યાદિ) 

આ ઉપરાંત, છેલ્લાં ચાર વર્ષથી યુક્રેન રશિયા વચ્ચે રીતસરનું ‘યુદ્ધ’ ચાલી રહ્યું છે.