Mon Aug 31 2026

Logo

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: બ્રાન્ડ બનાવવાનો શું ફાયદો? યે ટોફી ખાઓ ઔર ખુદ જાન જાઓ...!

2026-05-24 08:57:00
Author: Sameer Joshi
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: બ્રાન્ડ બનાવવાનો શું ફાયદો? યે ટોફી ખાઓ ઔર ખુદ જાન જાઓ...!

 

 -સમીર જોશી

ઘણીવાર અમુક વાત અજાણતાં થઈ જાય અને તેનું પરિણામ જે આવે તે ચોંકાવનારું હોય...

હાલમાં આવું જ કંઈક  માર્કેટિંગની દુનિયામાં બન્યું. આપણા પ્રધાનમંત્રીએ તેમના ઇટલીના પ્રવાસ દરમિયાન  ત્યાંના પ્રધાનમંત્રી જ્યૉર્જિયા મેલોનીને ‘પાર્લે’ કંપનીની ‘મેલોડી’ બ્રાન્ડની ટોફી ભેટ તરીકે આપી... મેલોડી ફોર મેલોની. અને પછી શું થયું આપણે સૌ જાણીયે છીએ. મેલોનીજીએ  વીડિયો પણ  પોસ્ટ કરીને કહ્યું  : વેરી ગુડ ટોફી. બસ, પછી તો ઇન્ટરનેટ પર તોફાન મચી ગયું. આના મીમ્સ બનવા લાગ્યા.

મેલોડીનો સ્ટૉક ક્વિક કૉમર્સ પ્લૅટફૉર્મ્સ પર ખલાસ થઈ ગયો. સૌથી મોટી વાત એે થઈ કે પાર્લે ઇન્ડસ્ટ્રીઝ નામની એક સંપૂર્ણપણે અસંબંધિત રિયલ એસ્ટેટ કંપનીએ શૅરબજારમાં ઉપરની સર્કિટ લગાવી, કારણ કે રોકાણકારોએ ખોટી પાર્લે કંપનીના શૅર ખરીદ્યા અને આમ એક રૂપિયાની કૅન્ડીએ  દલાલ સ્ટ્રીટને હલાવી નાખ્યું.   ‘પારલે’ જે મેલોડી ચૉકલેટ બનાવે છે તે કંપનીએ કંઈ કર્યું નહીં. ભારતના વડા પ્રધાને ભેટ આપી, ઇટાલીના વડા પ્રધાને વીડિયો પોસ્ટ કર્યો, અને બાકીનું કામ આપણા દેશના લોકોએ કર્યું. ફક્ત આપણા દેશમાં નહિ આ વાત વૈશ્વિક સ્તરે વાયરલ થઈ.

વૈશ્વિક સ્તરે અનાયાસે ઘણી બ્રાન્ડો સાથે આમ થયું છે. આપણને થશે આવું કંઈક આપણી સાથે થઈ જાય તો કેવી મજા પડે. હવે આ વાતને અલગ રીતે વિચારો. આ આઇડિયા પહેલેથી વિચારેલી નહોતી, કદાચ પ્રધાન મંત્રી પણ નહિ જાણતા હોય કે આનું આવું પરિણામ આવશે. આ જે ચૉકલેટ સાથે થયું તે એક બ્રાન્ડ હતી અને ના કે કૉમોડિટી. મેલોડી બ્રાન્ડ વર્ષોથી પ્રખ્યાત છે અને તેથી પ્રધાન મંત્રીએ તેની પસંદ કરી, કારણ બંનેના નામમાં સામ્યતા છે. આ વાત આપણને સમજાવે છે કે બ્રાન્ડનું મહત્ત્વ શું છે. મેલોડીનો સ્ટૉક ખલાસ થયો તે મહત્ત્વનું નથી પણ આ બ્રાન્ડ વૈશ્વિક સ્તરે પ્રચલિત થઈ ગઈ એ મહત્ત્વનું છે. આ બ્રાન્ડને ઙછ કવરેજ કેટલું મળ્યું તેનો હિસાબ નથી. આ બ્રાન્ડ પ્રચલિત આપણા દેશમાં હતી જ પણ આ ઘટનાથી બ્રાન્ડ પાછી લાઇમલાઇટમાં આવી ગઈ. આની ટેન્જિબલ વૅલ્યુ-નક્કર કિંમત કરતાં ઇન્ટેન્જિબલ વૅલ્યુ વધી ગઈ. બ્રાન્ડ હંમેશાં તમારા વેપારને ઇન્ટેન્જિબલ વૅલ્યુ પ્રદાન કરે છે. પ્રોડક્ટની કિંમત એક રૂપિયો હોઈ શકે પણ બ્રાન્ડની કિંમત તેનાથી ઘણી વધુ થશે.
રિસર્ચ કહે છે કે, આજનો ક્ધઝ્યુમર દિવસમાં આશરે 5000 માર્કેટિંગના મેસેજને જાણતાં-અજાણતાં ગ્રહણ કરે છે. સવારે ઊઠતાંની સાથે જ 10-15 બ્રાન્ડનાં દર્શન તો 10-15 મિનિટમાં જ કરી લે છે.

આ શું સૂચવે છે? આવા સમયે જો હું રાબેતા મુજબનો વેપાર કરીશ તે ચાલશે? આથી આ ઘટનાને ફક્ત માર્કેટિંગ ગિમિક તરીકે ના જોતાં બ્રાન્ડની અગત્યતા તરીકે જોવો. આ વાતે આપણને સાબિતી આપી કે જો આજની તારીખે તમે બ્રાન્ડ નહીં બનાવો તો કૉમોડિટી બનીને રહેશો. બ્રાન્ડ બનાવશો તો ફોકસ આવશે, કસ્ટમર વિશેની સ્પષ્ટતા આવશે, તમારે શું વેચવું છે તે નહીં પણ કસ્ટમર માટે તેમાં શું છે તેની વાત તમે કરતા થશો ને કસ્ટમર કેન્દ્રિત અભિગમ અપનાવશો.

બીજી મહત્ત્વની વાત એટલે આજે જ્યારે ક્ધઝ્યુમર આપણને બદલાવ માટે દોરી રહ્યો છે ત્યારે હું શું મારા ઍડ્વર્ટાઇઝિંગ મેસેજ તેને અનુરૂપ બનાવું છું? તેને ધ્યાનમાં રાખી, તેની આદત, શોખ, ગમા-અણગમા સમજીને કમ્યુનિકેશન બનાવવું પડશે. કારણ આજે ક્ધઝ્યુમર કઈ વાતથી આકર્ષિત થશે એ કોઈ નથી જાણતું. આથી આ વાત વધુ મહત્ત્વની થઈ જાય છે કે તેને અનુરૂપ બનાવો. મેલોડીની જે ઘટના થઈ તેને વેગ કોણે આપ્યો? ક્ધઝ્યુમરે અને તેથી આજે ક્ધઝ્યુમર એન્ગેજમેન્ટ ઘણું જરૂરી થઈ ગયું છે.

આપણને લાગશે કે હવે તો બ્રાન્ડ બનાવવી જ છે, પણ બ્રાન્ડ બનાવવી લાગે છે તેટલી સહેલી નથી. બ્રાન્ડ બનાવવા માટે મૂડીના રોકાણ કરતાં વધારે ધીરજનું અને સમયનું રોકાણ જરૂરી છે. બ્રાન્ડ બનાવવા માટે ધીરજ રાખવી પડે છે. બ્રાન્ડ બનાવવી એક પ્રોસેસ છે, જે તમને સમય જતાં સેલ્સ વધારવામાં પણ સહાય કરે છે. કોઈ પણ પ્રોડક્ટનું બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને જાહેરાત એટલાં જ જરૂરી છે જેટલી એ પ્રોડક્ટની ક્વૉલિટી. આથી જરૂરી છે કે આપણે રાબેતા મુજબના ધંધાની પરે જઈ બ્રાન્ડ બનાવવા તરફ મીટ માંડીયે.

જો તમે બ્રાન્ડ વ્યવસ્થિત રીતે બનાવશો તો તે હાર્ટ શૅર અને માઇન્ડ શૅરની સાથે સાથે માર્કેટ શૅર અને વૉલેટ શૅર પણ આપશે. હવે આ વાક્યને આ ટોફીની તાજી ઘટના બની તેની સાથે સરખાવો. બ્રાન્ડ બનેલી હતી, પ્રચલિત પણ છે આ દેશમાં, તેનો વેપાર પણ થઈ રહ્યો છે અને તેથી તે આટલાં વર્ષોથી માર્કેટમાં વેચાઈ રહી છે. આનો અર્થ તે લોકોના મગજમાં છે, આ ઘટનાથી હાર્ટ શૅર પણ વધ્યો, ચોક્કસપણે માર્કેટ શૅર પણ વધશે અને વૉલેટ શૅર તે દિવસે તો વધી જ ગયો, કારણ કે મોટાભાગનાં પ્લૅટફૉર્મ પરથી લોકોએ આ બ્રાન્ડ ખરીદી.

બ્રાન્ડ ‘મેલોડી’ માટે આ વાત જીવનભરનું સંભારણું બની રહેશે. માન્ય છે કે એક ગિમિક થઈ અને બ્રાન્ડને માન્યતા મળી પણ આ શક્ય ત્યારે બન્યું જયારે  ‘મેલોડી’  એક બ્રાન્ડ તરીકે માર્કેટમાં આવી અને નહિ કે એક પ્રોડક્ટ તરીકે. હજુ પણ જો આપણને પ્રશ્ન હોય કે બ્રાન્ડ બનાવવાનો શું ફાયદો? તો ‘મેલોડી’ ખાઓ ખુદ જાન જાઓ.