Fri Sep 11 2026

Logo

મહેસાણા એલસીબીની મોટી કાર્યવાહી, ગાડીઓની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો કર્યો પર્દાફાશ

2026-02-26 22:41:14
Author: Vimal Prajapati
મહેસાણા એલસીબીની મોટી કાર્યવાહી, ગાડીઓની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો કર્યો પર્દાફાશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મહેસાણા: મહેસાણા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એલસીબી દ્વારા ગાડીઓની ચોરીના કેસમાં બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દિલ્હી અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી કારની ચોરી કરતા અને તે ગાડીઓને મુંબઈ લાવીને વેચી દેતા હતાં. જેથી મહેસાણા એલસીબી દ્વારા ગાડીઓની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી દીધો છે. એલસીબીએ કાર્યવાહી કરતા ત્રણ ગાડીઓ સહીત 15 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. 

LCB એ 15 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે એલસીવી દ્વારા નાગલપુર કોલેજ ત્રણ રસ્તા પાસેથી સલીમ નાનું યામીન પઠાણ (રહે. ઉત્તરાખંડ) અને સૈયદ ઈફાજુલ હસન (રહે. મુંબઇ)ની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ પૂછપરછ કરવામાં આવી ત્યારે આરોપીઓ પાસેથી અન્ય બે બલેનો કાર પણ મળી આવી હતી, જેને પોલીસે જપ્ત કરી લીધી હતી. પોલીસને જણાવ્યાં પ્રમાણે કાર ચોરી કરતો મુખ્ય આરોપી માત્ર 5 ધોરણ જ ભણેલો છે. પોલીસે આરોપીઓની મોડસ ઓપરેન્ડી જાણીને ત્યારે સૌ ચોંકી ઉઠ્યાં હતાં. આરોપી એક હાઈટેક ટેબલેટ દ્વારા સોસાયટીઓમાં પાર્ક કરેલી કારને લોક ખોલીને કારની ચોરી કરતો હતો. 

એક સ્વિફ્ટ ડિઝાયર અને બે બલેનો કાર જપ્ત કરાઈ

કાર્યવાહી કરતા પોલીસે દિલ્હી અને ગાઝિયાબાદથી ચોરી કરેલી એક સ્વિફ્ટ ડિઝાયર અને બે બલેનો કાર જપ્ત કરી લીધી છે. ત્રણ ગાડીઓ સાથે આરોપીઓ પાસેથી 10 માસ્ટર ચાવીઓ, લોક તોડવાના સાધનો, વાઈફાઈ રાઉટર, હાઈટેક ટેબલેટ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યાં છે. તમામ વસ્તુઓ મળીને કુલ 15 લાખનો મુદ્દામાલ કબ્જો કર્યો હતો. પોલીસને જાણવ્યાં પ્રમાણે ઓ ચોરીનો મુખ્ય સૂત્રધાર દિલ્હીનો રહેવાસી સરફરાજ છે, જેને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.