Wed Jun 17 2026

Logo

મહેસાણામાં જાવેદે રાહુલ નામની ખોટી ઓળખ આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું, પોલીસે તપાસ શરુ કરી...

2026-02-22 18:54:25
Author: Chandrakant Kanoja
Article Image

મહેસાણા : ગુજરાતના મહેસાણામાં એક  ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મળતી વિગતો મુજબ મહેસાણાના ખેરાલુના એક ગામની 20 વર્ષની યુવતી પર જાવેદ નામના યુવાને દુષ્કર્મ આચર્યું હતું. જોકે, જાવેદે યુવતીને રાહુલ નામની ખોટી ઓળખ આપી હતી. તેમજ યુવતીને તેના ફોટા વિડીયો વાઈરલ કરવાની ધમકી આપીને ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી. તેમજ આ દરમિયાન યુવક યુવતી ઝડપાઈ  જતા ટોળાએ યુવકને માર મારીને બેભાન કર્યો હતો. જેની બાદ યુવતીએ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની અને યુવકના ભાઈએ મારામારીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી 

આ અંગે પોલીસ ફરિયાદમા યુવતીએ જણાવ્યા મુજબ આરોપી યુવાને 21 ફેબ્રુઆરીના રોજ ફોટા હોવાનું કહીને તેને રાધે ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી. તેમજ ત્યાં આરોપીએ યુવતીની મરજી વિરુધ્દ શારીરિક સબંધ બાંધ્યો હતો. જેની બાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(1) અને 351(2) મુજબ ગુનો દાખલ તપાસ શરુ કરી છે. 

આરોપી યુવકના ભાઈએ મારામારીની ફરિયાદ દાખલ કરી 

જયારે બીજી તરફ આરોપી યુવકના ભાઈ મોહમદયાસીનએ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસો વિરુદ્ધ  તેના ભાઈને માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું હતું કે , તેના મિત્રને અમને ફોન કરીને જાણ કરી હતી કે ખેરાલુ શીતકેન્દ્ર ડેરી પાસે તેના ભાઈ મોહમદ જાવેદને કેટલાક અજાણ્યા માણસો માર મારી રહ્યા છે. જયારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મારા પિતા ત્યાં હાજર હતા. તેમણે જણાવ્યું કે તે દવા લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે શીતકેન્દ્ર પાસે વિવાદ થતા જોતા તે ત્યાં ગયા હતા. ત્યારે કેટલાક લોકો જાવેદને માર મારી રહ્યા હતા. તેમને છોડાવવા માટે વચ્ચે પડતા મને પણ માર માર્યો હતો. તેની બાદ જાવેદને સીએનજી રીક્ષામાં બેસાડીને સિદ્ધપુર ચોકડી તરફ  ભગાડી ગયા હતા. 

 જાવેદ લોહીલુહાણ હાલતમાં બેભાન પડ્યો હતો

જોકે, તેની  બાદ પિતાના ફોન પર અન્ય નંબર પરથી ફોન આવ્યો હતો. તેમજ જણાવ્યું હતું કે તેમનો પુત્ર જાવેદ મલેકપુર ગામના રામદેવપીર  મંદિર પાછળ  પડ્યો છે. જયારે પિતા અને પુત્ર પોલીસ સાથે સ્થળ પર પહોંચ્યા ત્યારે જાવેદ લોહીલુહાણ હાલતમાં બેભાન પડ્યો હતો. તેને શરીરે ઇજાના નિશાન હતા. જેની બાદ પોલીસે તાત્કાલિક 108 બોલાવીને ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જેની બાદ વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યો છે. જયારે પોલીસે  રિક્ષા નંબર GJ-02-AU-9655 ના આધારે અને અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.