ભુજઃ નૈઋત્યના ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોનું જોખમ અટકાવવા માટે ભુજના ભુજિયા ડુંગરની તળેટીમાં ભૂકંપના દિવંગતોની યાદમાં બનાવાયેલા 'સ્મૃતિવન' ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ પોરાનાશક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટુકડીઓએ આઇકોનિક સ્મૃતિવનના પરિસરમાં આવેલા નાના-મોટા અંદાજે ૫૦ જેટલા ચેકડેમોમાં મચ્છરોના જૈવિક નિયંત્રણ માટે પોરા ભક્ષક માછલીઓ મૂકી હતી, જે મચ્છરની ઉત્પત્તિને કુદરતી રીતે અટકાવશે. આ કામગીરી દરમિયાન સ્મૃતિવનના વહીવટી તંત્ર સાથે સંકલન બેઠક યોજી પાણી ભરાતા વિસ્તારોની નિયમિત દેખરેખ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.
આરોગ્ય વિભાગે નાગરિકોને પણ અપીલ કરી છે કે, પોતાના ઘર અને આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખે તેમજ પાણી સંગ્રહના પાત્રો દર અઠવાડિયે ખાલી કરી સ્વચ્છ રાખે, જેથી મચ્છરજન્ય રોગચાળાને વકરતો અટકાવી શકાય.
(ઉત્સવ વૈદ્ય)