Mon Oct 05 2026

Logo

જેલ જઈને પણ ન સુધર્યા અને રચી નવી ગેંગ! બહાર આવતા જ બનાવી હથિયારોની ફેક્ટરી

2026-05-11 22:11:01
Author: Devayat Khatana
જેલ જઈને પણ ન સુધર્યા અને રચી નવી ગેંગ! બહાર આવતા જ બનાવી હથિયારોની ફેક્ટરી

નવી દિલ્હી: મેરઠમાં પોલીસ અને સ્વાટ (SWAT) ટીમ દ્વારા એક અત્યંત હાઈટેક હથિયાર ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં લિસાડી ગેટ વિસ્તારમાં આવેલા એક ફ્લેટ પર દરોડા પાડીને પોલીસે પાંચ હથિયાર તસ્કરોની ધરપકડ કરી છે. આ ધરપકડની સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, જેલના સળિયા પાછળ ગયા પછી પણ આ ગુનેગારો સુધરવાને બદલે વધુ ખતરનાક બન્યા હતા. તેમણે જેલની અંદર જ નવું ગેંગ બનાવ્યું અને જામીન પર બહાર આવતાની સાથે જ હાઈટેક મશીનોની મદદથી હથિયારો બનાવવાનું કારખાનું શરૂ કરી દીધું હતું.

મળતી વિગતો અનુસાર, આ ગેંગના મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા આરોપીઓ વિદેશી હથિયારોને ટક્કર આપે તેવી દેશી પિસ્તોલ બનાવી રહ્યા હતા. આ હથિયારોને આકર્ષક દેખાવ આપવા માટે 'લેઝર કટિંગ' ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસથી બચવા માટે આ તસ્કરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મના મેસેન્જરનો ઉપયોગ કરીને હથિયારોની લે-વેચ માટેની 'હાઈટેક ડીલ' કરતા હતા. દરોડા દરમિયાન પોલીસે ડઝનબંધ પિસ્તોલ, બંદૂક બનાવવાનો સામાન અને તૈયાર હથિયારો જપ્ત કર્યા છે.

પકડાયેલા આરોપીઓમાં અમજદ નામનો શખ્સ ગેંગનો માસ્ટરમાઇન્ડ હોવાનું બહાર આવ્યું છે. તે અગાઉ ગાઝિયાબાદમાં એક ગન હાઉસ અને ઓર્ડિનન્સ ફેક્ટરીમાં કામ કરી ચૂક્યો હોવાથી હથિયારો બનાવવામાં નિષ્ણાત છે. અન્ય એક આરોપી મોઈન રાજકીય વગ ધરાવે છે, જેની માતા જિલ્લા પંચાયત સભ્ય છે અને ભાઈ હિસ્ટ્રીશીટર છે. જે ફ્લેટમાં આ ફેક્ટરી ચાલતી હતી તે દિલશાદ નામના આરોપીને તેની સાસરી પક્ષ તરફથી મળ્યો હતો, જ્યાં મશીનો લગાવીને ગુપ્ત રીતે આ કાળો કારોબાર ચાલતો હતો.