માવજી મહેશ્વરી
સનતને લાગ્યું કે તે કોઈ મૂવી જોઈ રહ્યો છે. જેમાં રોમાંચક ફ્લેશ બેક ચાલી રહ્યો છે. યાદ કરતી હોય તેમ સોનલ બંધ બારણા સામે જોઈ રહી હતી. સનતથી રહેવાયું નહીં. તેણે ઉતાવળે પૂછી નાખ્યું પછી શું થયું?
કોટા કોઈ નાનું ગામડું નથી. વળી મારો જન્મ હોસ્પિટલમાં થયો હતો. નિયમ મુજબ બાળકના મા-બાપ બેયના નામ રજિસ્ટરમાં લખાવવાના હોય. મારા નાના મુંઝાયા. એ વખતે સેલ ફોન નહોતા કે વ્યક્તિગત સંપર્ક થઈ શકે. મુંઝાયેલા નાનાએ ન છુટકે અમારા ઘેર ફોન કર્યો. તે વખતે મારા પપ્પા ઘેર નહોતા. એક યોગાનુયોગ ગણો તે મારા પપ્પા અને દાદાના અવાજમાં ઘણું જ સામ્ય હતું. મારા નાનાએ ફોન કર્યો અને દાદાએ ઉપાડ્યો. અવાજને કારણે નાના થાપ ખાઈ ગયા. તેમણે સીધું જ કહ્યું, જમાઈરાજ વધાઈ હો. બાળકીને જન્મ આપ્યો છે. મા દીકરી બેય બરાબર છે. તમે જલ્દી પહોંચો. ખાણ પર જવાના બદલે સીધા અહીં આવો.
પહેલા તો મારા દાદાને લાગ્યું કે કોઈકથી રોંગ નંબર ડાયલ થઈ ગયો છે. પણ ખાણ શબ્દ સાંભળી એમના કાન ચમક્યા. એમનું માથું સણકવા લાગ્યું. પણ સામેથી કોણ બોલે છે તેની તેમને ખબર ન્હોતી. મારા દાદાનું સેન્સ ઓફ હ્યુમર હાઈ હતું. તેઓ પળવારમાં પામી ગયા કે પોતાના દીકરાએ કંઈક પરાક્રમ કર્યું છે. જો અત્યારે પોતે વધારે પૂછપરછ કરશે તો સામેવાળો ફોન મૂકી દેશે.
મારા દાદાએ અવાજ પરખાઈ ન જાય તેનું ધ્યાન રાખીને કહ્યું હું અત્યારે એક જરૂરી કામમાં રોકાયેલો છું. એકાદ બે દિવસમાં જ આવી જઈશ. છોકરીનો જન્મ ક્યાં થયો છે? મારા નાનાને એય ખબર ન રહી કે, સામે મોહનલાલ નહીં પણ કોઈ બીજો જ માણસ બોલે છે. તેમણે કહી દીધું, માલિક કોટાની સરકારી હોસ્પિટલમાં છીએ.
દાદાજીએ પણ ઝીંકી દીધું, પૈસાની કોઈ ચિંતા કરતા નહીં. મા દીકરીને કોઈ તકલીફ પડવી ન જોઈએ. નાના મૂળ વાત પર આવી ગયા. જમાઈરાજ હોસ્પિટલમાં બચ્ચીના નામની સાથે મા બાપનું નામ લખાવવાનું છે. ગંગાની મા કહે છે કે મોહનકુમાર આવે પછી વાત.
હવે મારા દાદા ચોંક્યા. તેમને મારા પપ્પાના સ્વભાવની તો ખબર હતી પણ પોતાના દીકરાએ કોઈક સાથે લગ્ન કરી લીધાં છે, એનાથી છોકરી પણ થઈ છે. અને પેલા માણસની એટલી હિંમત કે તેણે અહીં ફોન કર્યો છે. મારા દાદાનું વેપારી મગજ દોડવા લાગ્યું. પપ્પા પરણેલા હતા. જો પેલી સ્ત્રી અહીં આવીને ઊભી રહે તો શું કરવું? કમલા વિફરી બેસે તો?
કમલા કોણ?
મારા પપ્પાના પહેલા પત્નીનું નામ કમલા હતું. મેં એમને જોયા નહોતાં. સાંભળેલું કે તે અત્યંત ધાર્મિક અને ભયંકર જીદ્દી પણ હતાં. મારા દાદાને ફડક પેઠી કે જો કમલાને ખબર પડશે તો ઘરમાં તોફાન આવશે. મારા દાદા આ વાત સારી પેઠે જાણતા હતા. હવે તો વાજતું ગાજતું તોરણે આવ્યું હતું. પેલો ફોન પર વાત કરે છે તે છોકરીની પાછળ મોહનનું નામ લખાવવાની વાત કરે છે. એનો અર્થ એ થયો કે પોતાની સંપત્તિ પર અજાણ્યા લોકો પણ દાવો કરશે.
દાદાએ મનોમન કપાળ કૂટી લીધું. એમણે વિચાર્યું એ લોકો જો કોર્ટ કચેરીનો આશરો લેશે તો ઘર અને કારોબાર છાપે ચડશે. તેમણે પોતાના ધૂંધવાટને દબાવીને મારા નાનાને કહ્યું, ચિંતા ન કરો. તમે એક કામ કરો હમણાં કોઈ પણ નામ લખાવી નાખો પછી આપણે સુધરાવી લઈશું.
સામે મારો નાનો પણ ઓછી માયા નહોતો. એને ખબર હતી કે પોતાની દીકરીએ એક ભૂલ તો કરી. મારે બીજી ભૂલ નથી કરવી. દીકરી છતે ધણીએ રખાત જેવી હાલતમાં રહે છે. જો પોતાની દોહિત્રીની નામ પાછળ સગા બાપનું નામ નહીં આવે તો કદાચ કાલે મોહન હાથ ઊંચા કરી દે. પછી મારી દીકરી અને પેલી નાની છોકરી જે હજી છ દિવસનીય નથી. એની જિંદગીનું શું ? મને ખબર છે માણસનું મન અત્યંત જટીલ હોય છે. મારી મમ્મીએ જે કર્યું તે મજબૂરીમાં મારા નાનાએ સ્વીકારી તો લીધું. પણ તે પછી એ જ બાબતનો તેમણે ભરપૂર લાભ લીધો હતો.
મારા નાનાએ પોતાની દીકરીની ભૂલને રીતસર વટાવી ખાધી હતી. મારા દાદાએ ગમે તે નામ લખાવી દેવાનું કહ્યું ત્યારે મારા નાનાની અંદરનો ગણતરીબાજ માણસ તરત સચેત થઈ ગયો, જમાઈરાજ તમે ગંગા સાથે લગ્ન કર્યા છે. ગંગાએ તમારી દીકરીને જન્મ આપ્યો છે. તમે એના કાયદેસરના બાપ છો તો બીજું નામ શા માટે લખાવવું. એ બચ્ચીના નામની પાછળ તો મોહનલાલ ઝવેરી જ લખાશે.
મારા દાદાની ધીરજ સરવા લાગી હતી. એટલું તો સાબિત થઈ જ ગયું હતું કે મારા દીકરાએ બીજાં લગ્ન કરેલાં જ છે. એનાથી એક છોકરી પણ થઈ છે. દાદાએ ધીમેથી કહ્યું, હું કાલે આવું છું. મારાથી વધારે વાત થાય તેમ નથી એમ કહીને પોતે જ ફોન મૂકી દીધો.
દાદાના ચિત્તમાં ધમાસાણ મચી ગયું. તે વખતે પપ્પા અમારા શો રૂમ પર હતા. દાદાની ધીરજ ન રહી. તે કમલા માને કહ્યા વગર ટેક્સી કરીને શો રૂમ પર પહોંચી ગયા. દાદાને શો રૂમ પર આવેલા જોઈ પપ્પાને જરા નવાઈ લાગી. સનત હીરાનો કારોબાર એક જુદા પ્રકારનો ધંધો છે. હીરાના વેપારી લોકોમાં એક ચોક્કસ જાતનું ડિસીપ્લીન પણ હોય છે. એ ડિસીપ્લીન દાદા સારી પેઠે જાણતા હતા. પોતાનો કે પપ્પાનો ચહેરો ચાડી ખાઈ જવો જોઈએ નહીં કે એમના વચ્ચે શી વાત થઈ છે. તેમણે વાત કરવાને બહાને પપ્પાને સ્વતંત્ર ચેમ્બરમાં બોલાવ્યા અને કોઈ જ ભૂમિકા બાંધ્યા વગર સીધું જ પૂછી નાખ્યું, તેં બીજાં લગ્ન ક્યારે કર્યા છે?
પપ્પા પળવારમાં સમજી ગયા કે દાદાને ખબર પડી ગઈ છે. તેમણે આંખો ઝુકાવી દીધી. મારા દાદાને જવાબ ન મળ્યો એટલે તેમણે સવાલ બદલ્યો, તને ખબર છે તેં કેવી મૂર્ખાઈ કરી છે? જા, જલ્દી કોટા પહોંચ અને પેલા લોકોનું મોં બંધ કર.
કોટાનું નામ સાંભળી મારા પપ્પાના મોં પરથી નૂર ઊડી ગયું. એમને એ સમજ પડતી નહોતી કે દાદા સુધી આટલી સચોટ માહિતિ કોણે પહોંચાડી? એમણે તરત પેંતરો બદલ્યો. હવે ખબર પડી જ ગઈ છે તો શા માટે માફી માગી ન લેવી. તે ખુરશી પરથી ઊભા થયા અને દાદાના પગ પકડી લીધા. ગમે તેમ પણ ખૂન આખરે પોતાના ખૂનનો જ પક્ષકાર બને.
મારા દાદાએ મારા પપ્પાને ઉઠાડતાં કહ્યું, એક નંબરનો મૂર્ખ છો. તને ખબર છે તારી મૂર્ખાઈ આખા પરિવારને ગધેડે ચડાવશે. દુનિયામાં બાયડીઓનો દુકાળ છે? એની સાથે લગ્ન કરવાની શી જરૂર હતી? હવે એવો કોઈ રસ્તો શોધ જેથી એ લોકો ભૂલી જાય કે તારાથી કોઈ છોકરી થઈ છે.
છોકરી? ગંગાને છોકરી આવી છે? મારા પપ્પાનો અંદરનો ભાવ બહાર આવી ગયો.
મૂર્ખા એમા રાજી થવા જેવું શું છે? કોણ છે એ ગંગા અને કઈ જાતની છે? એનો બાપ શું કરે છે?
મારા પપ્પાએ દાદાને બધું જ કહી દીધું. દાદાનું ચાલ્યું હોત તો એ જ વખતે મારા પપ્પાને માર્યા હોત. પોતાના જ નોકર એવા સામાન્ય માણસની છોકરી સાથે પોતાના દીકરાએ લગ્ન કરી લીધાની વાત મારા દાદાને ખાઈ ગઈ. તેમણે પોતાનો ફેંસલો સુણાવી દીધો, આજ પછી તારા મોઢે એ સ્ત્રીનું નામ સંભળાવું ન જોઈએ. ભૂલી જા એને સોનલ મને નવાઈ લાગે છે કે એક તરફ તારા પપ્પા તારી મમ્મીને મુંબઈ લઈ જતાં ડરે છે. બીજી તરફ એ તારી મમ્મી વગર રહી શકતા નથી. તારા જન્મની વાત જાણી રાજી થાય છે. વળી તારી મમ્મી સિવાય પણ કોઈ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. મને આ વાતો સમજાતી નથી.
પોતાના કુટુંબની કથામાં ખોવાઈ ગયેલી સોનલની આંખોમાં ચમકારો આવ્યો. તેણે સ્મિત કર્યું. પછી કોઈ રહસ્ય કહેતી હોય તેમ બોલી, તમારી વાત સાચી છે. પણ આ દુનિયા અજીબ છે સનત. કોઈ માણસ આવું શા માટે કરે? મારા પપ્પા ડબલ પર્સનાલિટી ધરાવતા માણસ છે. મેં પહેલાં પણ કહ્યું કે સ્ત્રી મારા પપ્પાની નબળાઈ છે. આવા પુરુષો પાછળનો વિચાર કર્યા વગર ધસી જાય છે. તેઓ ભાવુકતાની ક્ષણોમાં કોઈ પણ નિર્ણય લઈ લે છે. પાછળથી પોતાની ભૂલો ઢાંકવા બીજી અનેક ભૂલો કરી નાખતા હોય છે.
મારા પપ્પાએ એવું જ કર્યું છે. એ મારી મમ્મીને ચાહતા ન હોત તો કોઈ બીજો રસ્તો લીધો હોત. કદાચ મારી મમ્મીમાં કોઈ એવું તત્ત્વ હશે જે મારા પપ્પાને બાંધી રાખતું હશે. એટલે જ તેમણે મારી મમ્મીને મૂકી નહોતી દીધી. સનત કેટલાક પુરુષો એકસાથે ઘણી સ્ત્રીઓને એક સરખા ભાવથી ચાહી શકતા હોય છે. માનવમન ન સમજી શકાય તેવું છે.
હા, પછી તારા દાદાએ શું કર્યું? મતલબ એમણે તારા પપ્પાને શું કહ્યું?
દાદાએ તો ફેંસલો સંભળાવી જ દીધો હતો, પણ કોઈ અકળ કારણસર દીકરીના જન્મની વાત સાંભળીને મારા પપ્પાને જુદી જાતનો આનંદ થયો. તેમણે દાદાને જે વાત કરી તે સાંભળીને ઘડીભર દાદા પણ વિચારમાં પડી ગયા. સનત મારા પરિવારની એક અજીબો ગરીબ હકીકત છે. અમારા પરિવારમાં ચાર પેઢી પછી કોઈ દીકરી જન્મી હતી અને તે હું. મારા પપ્પાના દાદાથીય આગળ જે સંતાનો થયાં તે બધા છોકરા જ હતા. જાણે એ પરિવારમાં દીકરીઓએ જન્મવાનું જ માંડી વાળ્યું હતું. મારા બે ભાઈઓને ત્યાં પણ છોકરા જ છે.
કદાચ પોતાની એક દીકરી હોવાની અદમ્ય ઇચ્છા મારા પપ્પાના મનમાં હશે. એટલે તેઓ રાજી થયા હશે. દાદા વિચારમાં પડી ગયા. વાત સાચી હતી. વર્ષો પછી પરિવારમાં છોકરી જન્મી હતી, પણ દુનિયાને ક્યાં ખબર હતી કે કોટાની હૉસ્પિટલમાં શ્વાસ લઈ રહેલી એ છોકરીની રગોમાં ઝવેરી પરિવારનું લોહી વહી રહ્યું છે. અને દુનિયાને જાણ થવા દેવામાં જ જોખમ હતું. મારા દાદા કોઈ જોખમ લેવા માગતા નહોતા. એમણે નિષ્ઠુર થઈને કહી દીધું, હું કેવી રીતે માનું કે એ તારું જ લોહી છે. એમ કોઈ છોકરીને ઝવેરી પરિવારની દીકરી બનાવીને ઘરમાં ન લવાય સમજ્યો. જલ્દી તારી ભૂલ સુધારી લે.
મારા પપ્પાએ કોઈ જ પ્રતિવાદ ન કર્યો. એમણે દાદાને કેટલુંય પૂછ્યું કે તમને જાણ કેવી રીતે થઈ. પણ મારા ચતુર દાદાએ કહ્યું નહીં કે, કોટાથી કોઈએ ફોન કર્યો હતો. પપ્પાએ દાદાને મોઢે કહ્યું નહીં પણ પણ તેમને અંદરથી રોમાંચ થતો હતો.
સનત એ દિવસે બીજી બે ઘટના બની. એ જ દિવસે વિદેશની એક કંપની સાથે ધંધાના કરાર થયા જેમાં લાખોનો નફો હતો. બીજું સાંતાક્રુઝની અમારી એક દુકાનનો કેસ આઠ વર્ષથી અદાલતમાં ચાલતો હતો. એ જ દિવસે દાદાની તરફેણમાં ચુકાદો આવ્યો. એ દુકાન અમને સોંપવાનો કોર્ટે હુકમ કર્યો. બેય ઘટનાઓ અમારા પરિવાર માટે ફાયદાકારક હતી. પપ્પાએ મનોમન માની લીધું કે જે કંઈ થયું છે તે મારા જન્મને કારણે થયું છે. પપ્પા મારું મોં જોવા ઉતાવળા થઈ ગયા હતા. જોકે હજી એ ખબર નહોતી કે દાદાને ખબર કઈ રીતે પડી.
એક તરફ મારા દાદા પોતાની ગણતરીઓમાં પડી ગયા હતા. એમને ભય હતો કે જો પેલી સ્ત્રી કોર્ટમાં દાવો માંડશે તો શું થશે? તો બીજી તરફ મારા નાનાને એ ચિંતા હતી કે જો મુંબઈથી કોઈ નહીં આવે તો શું થશે? એ બધામાં નચિંત હોય તો મારી મા હતી. જેને ધરપત હતી કે મારી દીકરીનો બાપ જરૂર આવશે.
એ જ રાતે એક પ્લેન મુંબઈથી ઊડ્યું. (ક્રમશ:)