માવજી મહેશ્વરી
હું ચૂપ નથી જ બેસવાનો. હું કોર્ટમાં જઈશ. મને આ વિલ બનાવટી અથવા તો મારા દાદા પાસેથી બનાવરાવી લીધેલું લાગે છે...
`મારાથીય પહેલાં પપ્પાને અંદાજ આવી ગયો હતો કે દાદાએ બનાવેલા વિલને લઈને ઘરમાં તોફાન આવશે. એટલે જ એમણે રત્નાકરજીને દાદાની ઉત્તરક્રિયા પતી જાય પછીનો ટાઈમ આપ્યો હતો. ઘરમાં એ વાતનો કોઈને ખ્યાલ પણ નહોતો આવ્યો કે એમ. વી. એન્ટરપ્રાઈઝ મારા નામે થઈ ગયેલ છે.
રત્નાકરજીએ એ જ દિવસે બૅન્કમાં આપવાના થતા સહીના નમૂનાઓની વિધિઓ કરી નાખી હતી. મને હજુ મારા નિર્ણયનું શું પરિણામ આવશે તેની ખબર નહોતી. મારા પપ્પા દાદાના અસ્થિફૂલ ગંગામાં પધરાવી આવ્યા. એના બીજા દિવસે સાંજે તેમણે રત્નાકરજીને ઘેર આવવાનું કહ્યું.'
`તમારા ભાઈઓ ક્યાં કામ કરતા હતા? અથવા શું કરતા હતા?'
`મોટો ભાઈ એમ.વી. એન્ટરપ્રાઈઝમાં જ કામ કરતો હતો, નાનો રાજસ્થાનની ખાણો સંભાળતો હતો. એ બેય પપ્પા ઉપર ગયા છે. સુંદર સ્ત્રીઓનું આકર્ષણ એમનેય ઓછું નથી. મોટો તો તોછડો અને તદ્દન બિનવ્યવહા છે. એ કહેવા ખાતર અમારા શો રૂમમાં કામ કરતો હતો. બાકી તે દારૂ પીવામાં અને રખડવામાં જ સમય પસાર કરતો. પપ્પાએ એ દિવસે સવારે બધાને કહ્યું હતું કે `દાદા જે વિલ કરી ગયા છે તે માટે આજે સાંજે રાતે રત્નાકરજી આવશે.' તેમની આ જાહેરાતે ઘરના વાતાવરણને ઉતેજીત કરી નાખ્યું હતું.'
`મારા ભાઈઓ ભૂલી ગયા કે હજુ થોડા દિવસ પહેલા જ ઘરમાં કોઈનું મૃત્યુ થયેલું છે. રાતે બરાબર નવ વાગે રત્નાકરજી આવ્યા. સાથે એમનો એક સહાયક પણ હતો. મારી મમ્મી એટલે કે મીનાક્ષી પોતાના ભાવ છુપાવી ઉદાસ ચહેરે બેઠી હતી. રત્નાકરજીએ દાદાજીના મૃત્યુ બાબતે દુ:ખ વ્યક્ત કર્યું. તેમના સ્મરણો વાગોળ્યા. એમની આંખો વારાફરતી અમારા સૌ ઉપર ફરતી હતી. એમને ખબર હતી કે હવે પછી કોને કેવો આંચકો લાગવાનો છે. એમણે વિલ વાંચવાનું શરૂ કર્યું, વિલ અંગ્રેજીમાં હતું. જોકે વાંચતા પહેલા રત્નાકરજીએ મારા દાદાની ઓરિજિનલ સહી બતાવી. સાથે એ વિલ રજિસ્ટર કરાવ્યાની તારીખ વાંચી સંભળાવી.'
એક એક વિગત ખુલતી જતી હતી. એ જેમ જેમ આગળ વાંચતા જતા હતા તેમ તેમ ત્યાં સોપો પડતો જતો હતો. પૂરેપૂરી વિગત પ્રમાણે એમ.વી.એન્ટરપ્રાઈઝનો સઘળો કારોબાર મને એટલે કે કુમારી સોનલ ઝવેરીને અપાયો હતો. અમે જે મકાનમાં રહેતા હતા તે ઉપરાંત દાદાજીના નામે નોંધાયેલી તમામ મિલકતો મારા નામે કરવાની હતી.
રાજસ્થાનમાં આવેલી ખાણો મોહનલાલ ઝવેરી એટલે પપ્પાને સોંપાયેલી હતી. મારે એમ.વી. એન્ટરપ્રાઈઝના માલિક તરીકે મારી બંને ભાભીઓને વીસ વીસ લાખ રૂપિયા રોકડા આપવા એવુંય લખેલું હતું અને મારા બેય ભાઈઓને શું આપવું તે મારે નક્કી કરવું. રત્નાકરજીએ લગભગ અડધો કલાક સુધી તમામ વિગતો સમજાવી.
અમારા ઘરમાં જાણે ભૂકંપ આવ્યો. રાડારાડની શરૂઆત મોટાભાઈએ જ કરી. તેણે રત્નાકરજીને જ સવાલ કર્યો, `સર આવું કોઈ વિલ છે એની જાણ તમે આજ સુધી અમને કેમ કરી નહીં?'
`મિસ્ટર સંજય આઈ હેવ નો પરમિશન ફોર ઈટ. આ વિલની ટર્મ કન્ડિશન મુજબ મારે આ વિલ મણિરામજીના મૃત્યુ બાદ જ ખોલવાનું હતું. તમને જાણ હોવી જોઈએ કે એમના મૃત્યુના એક કલાકમાં જ હું તમારે ત્યાં આવી ગયો હતો. મિસ્ટર મોહનલાલ અને સોનલ મેડમને મળીને આ વિલની જાણ કરી ગયો હતો. મારે વિલની ટર્મ કંડીશન મુજબ સોનલ મેડમને અને તમારા પપ્પાજીને જ મળવાનું હતું. એવું આમાં લખેલું છે. યુ મે રીડ ઈટ. હું આ વિલની વધારાની ફોટો કોપી લઈ આવ્યો છું. આપ દરેકને આપવાનો છું. ઓરિજિનલ કોપી મારી પાસે ત્યાં સુધી રહેશે જ્યાં સુધી આ વિલનો અમલ ન થાય. એ પણ ટર્મ કન્ડિશનનો એક ભાગ છે.'
`હું એકાએક ચાર નાના બાળકો સિવાય બધાની વેરી થઈ પડી. મારો ભાઈ મને ઘૂરકી રહ્યો હતો. મમ્મીની નજરમાં પપ્પા તરફ રીતસરની ઉપેક્ષા હતી. પણ સંજય એમ હાર માની લે તેવો નહોતો. તેણે એ જ વખતે કહ્યું, વોરાસાહેબ મારા પપ્પા અને તે પછી અમે બે ભાઈઓ મણિરામ ઝવેરીના સાચા વારસ છીએ. આ વિલ પ્રમાણે અમારે તો મુંબઈ જ છોડવું પડે તેવી હાલત થશે. મારા દાદાએ આવું વિલ શા માટે બનાવ્યું તે અમને સમજાતું નથી. મારા દાદા આવું કદી ન કરે. જરૂર એમના પર કોઈ દબાણ આવ્યું હશે. અમે આ વિલને નથી માનતા.'
`લીસન માય સન. ધીસ ઈઝ ધ લીગલ મેટર. યુ કાન્ટ ઈગ્નોર ઈટ. આ વિલ તમારા દાદાએ પોતાના ચિત્ત અને શરીરની સ્વસ્થ હાલતમાં બાનાવ્યું છે. તેવું એમણે પોતે જાહેર કરેલું છે.'
`એ હવે તો કોણ કહી શકે કે કેવી હાલતમાં બનાવેલું છે. એક જ કાગળથી અમે રસ્તા પર આવી જઈએ એ અમને નહીં પોષાય. આ છોકરી કાલે જ અમને આ ઘરમાંથી કાઢી નહીં મૂકે તેની શું ખાતરી?' રત્નાકરજી સહેજ મલક્યા. તેમણે પપ્પા સામે જોતાં કહ્યું, `શેઠ તમે કંઈ નહીં બોલો.? તમને તો લીગલ મેટરની બધી જાણ છે. આ વિલનો અમલ કરાવવાની સતા પણ મને આપવામાં આવી છે. એટલે તમે મારી સ્થિતિ સમજો છે. પ્લીઝ સમજાવો તમારા ફેમીલી મેમ્બર્સને.'
પપ્પાએ પહેલીવાર બધા સામે જોયું. પણ પપ્પા કંઈ બોલે તે પહેલા જ ફરી સંજય તાડુક્યો, `એ શું બોલશે. એમનામાં બોલવાની હિંમત હોત તો આજે એ પોતે જ પોતાની મિલકતથી હાથ ધોઈ બેઠા ન હોત. મને આમાં કંઈક ગરબડ લાગે છે.'
કંટાળેલા રત્નાકરજીએ કહી દીધું, `ઓકે યુ મે ચેલેન્જ ધિસ વિલ ટુ લીગલ વે. કોર્ટ પોતે નક્કી કરશે કે વિલ જેન્યુન છે કે નહીં.'
મારો ભાઈ ઘડીક ચૂપ થઈ ગયો. પપ્પાએ ઉંચા અવાજે કહ્યું, `જુઓ એ મારા બાપ હતા. એમનો પહેલો સગો હું છું. જ્યારે હું કંઈ નથી બોલતો તો તમે શા માટે હોબાળો કરો છો? આપણે એક છત હેઠળ રહેનારા, એક જ રસોડે જમનારા ફેમીલી મેમ્બર છીએ. જે હશે તે સાથે બેસીને ચર્ચી લઈશું. સોરી વોરાસાહેબ સંજયનું મન પર લેતા નહીં.'
`તમારી મમ્મી કંઈ બોલી કે વિરોધ કર્યો?'
`એ બહુ જ ચાલાક સ્ત્રી છે. એને જે બોલવું હતું તે સંજય બોલી રહ્યો હતો પછી તે શા માટે બોલીને પાધરી થાય. ખરેખર તો એના મનમાં હોળી સળગતી હશે.'
`એક મિનીટ વોરા સાહેબ. તમે વર્ષોથી અમારા દાદાના સોલીસીટર રહ્યા છો. મારા પપ્પા અને અમે બેય ભાઈઓએ અત્યાર સુધી એમાં જે કંઈ યોગદાન આપ્યું એ મુજબ અમારો એમાં ભાગ તો થાય ને? કાયદો શું કહે છે?'
રત્નાકરજી સમજી ગયા હતા કે વાત હવે જુદા પાટે ચડી રહી છે. તેમણે પોતાના શાંત સ્વભાવ પ્રમાણે કહ્યું, `કાયદો એમ કહે છે કે એ બધું તમે તમારા દાદાની હયાતિમાં માગી શક્યા હોત. આઈ કાન્ટ ડુ એનીથીંગ ફોર યુ. નાઉ મિસ સોનલ ઝવેરી હેઝ ટોટલ પાવર ઓફ એમ.વી. મારાથી એમને કંઈ જ કહી ન શકાય.'
`એ અમને શા માટે કંઈ આપે? એ અમારી છે પણ શું?'
નાનોભાઈ જય જે અત્યાર સુધી મૂંગો બેઠો હતો તે અચાનક કૂદી પડ્યો. રત્નાકરજીએ મારી સામે જોયું અને નજર નીચી ઢાળી લીધી. મને થયું કે જો અત્યારે હું નહીં બોલું તો રત્નાકરજી મને ઢીલી સમજી લેશે. મેં એટલા જ જોરથી કહ્યું, `જય, તમે શું બોલી રહ્યા છો તેની તમને ખબર છે ભાઈ? તમને મારા પર અવિશ્વાસ આવે છે? તમને આવું થાય તે સ્વાભાવિક છે. કારણ કે તમે મને કદી બહેન ગણી જ નથી. તમે અત્યાર સુધી એમ જ માનતા આવ્યા છો કે હું આ ઘરની સભ્ય જ નથી. હું આ ઘરમાં પપ્પા સિવાય બધાનો તિરસ્કાર જ પામી છું.
મને ખબર નથી દાદા શા માટે એમની મિલકત મને સોંપતા ગયા છે. પણ જે રીતે તમે મારો વિરોધ કરો છો તે પરથી દેખાય છે કે હજુ પણ તમે મને આ ઘરની સભ્ય નથી માનતા. તમે શાંતિ રાખશો તો સૌ સારા વાના થશે. મને દાદા બહુ મોટી જવાબદારી સોંપતા ગયા છે. તમને ખાત્રી આપું છું કે હું કોઈને અન્યાય નહીં કરું.'
થોડીવાર કોઈ કંઈ જ બોલ્યું નહીં. મારા પપ્પા માથું ઝુકાવી બેસી રહ્યા. મારા ભાઈઓ એટલા તો અકળાઈ ગયા હતા કે એમનાથી કોઈ વાત સહન થતી જ નહોતી. એ વખતે સંજયે જે કહ્યું તે સાંભળીને રત્નાકરજી પણ સ્તબ્ધ થઈ ગયા. તે રીતસર બરાડ્યો, `સોનલ સાંભળી લે. તું પહેલા પણ અમારી બહેન નહોતી અને ભવિષ્યમાં પણ નહીં હોય. રહી વાત આ વિલની, તો એ અમે ફોડી લઈશું.'
એ વખતે મને થયું કે હું ઉઠીને એને તમાચો માં. પણ મેં ઠંડકથી કહ્યું, `તમારી મરજી. પણ તેમ કરવાથી કદાચ તમે જ હેરાન થશો.'
રત્નાકરજીએ મારા પપ્પા સામે જોયું. પપ્પા સમજી ગયા. રત્નાકરજી જે સહાયકને લઈને આવ્યા હતા તે પહેલીવાર અમારા ઘેર આવ્યો હતો. તેની હાજરીમાં જે ભવાઈ થતી હતી તેનાથી પપ્પાને બહુ દુ:ખ થતું હતું. તેમણે સંજયને કહ્યું, `સંજય પ્લીઝ. ચૂપ થા અથવા અહીંથી ચાલ્યો જા.'
`પપ્પા ન તો હું અહીંથી જઈશ કે ન તો ચૂપ રહેવાનો છું. હું આજે જ મારા મામાને ફોન કરવાનો છું. મને યાદ છે એમણે મને વર્ષો પહેલા ચેતવ્યો હતો. મને ખબર નહોતી કે દાદા તમને પણ અંધારામાં રાખશે. જે ઈરાદા સાથે આ છોકરીની મા આ ઘરમાં આવી હતી તે ઈરાદા આ રીતે પૂરા થયા. હું ચૂપ નથી જ બેસવાનો. હું કોર્ટમાં જઈશ. મને આ વિલ બનાવટી અથવા તો મારા દાદા પાસેથી બનાવરાવી લીધેલું લાગે છે. મને થયેલો અન્યાય હું સાંખી નહીં લઉં.
આ છોકરી તો અમને બેય ભાઈઓને કાલે આ ઘરની બહાર કાઢી મૂકશે. અમે ક્યાં જઈશું. વીસ વીસ લાખના ટુકડાથી અમે રાજી થઈને ચાલ્યા નહીં જઈએ સમજ્યા? પપ્પા તમારે પણ મને આ લડાઈમાં સાથ આપવો પડશે. જેને કંઈ ન મળવું જોઈએ તેને બધું જ મળી ગયું અને જેને બધું મળવું જોઈએ તેમણે ભિખારીની જેમ માગવાનું? મારાથી આ સહન નહીં થાય.'
`સંજયભાઈ હવે જો મારી મમ્મી વિશે કંઈ બોલ્યા છો તો એજ થશે જે તમે વિચારી રહ્યા છો. હું પણ હવે લડી લેવાની છું.'
મારા બોલવાની સાથે જ સંજયે ચોંકીને જોયું. એને તરત ખ્યાલ આવી ગયો કે હવે હું કોઈ સામાન્ય છોકરી નથી રહી. એમ.વી. એન્ટરપ્રાઈઝની માલિક છું. જો પોતે કંઈ આડુંઅવડું કરશે તો આ ઘરની બહાર નીકળવાનો વખત આવશે જ.
મારા આશ્ચર્ય વચ્ચે મારી મમ્મી ઊભી થઈ. તેણે મારી બાજુમાં આવી મારા ખભા પર હાથ મૂકતાં કહ્યું, `સોનલ તારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. તારી એક મમ્મી મરી ગઈ છે, પણ હું હજુ જીવું છું. સંજય તમે લોકોએ આ શો તમાશો માંડ્યો છે? વિચાર તો કરો કે આપણા વડીલ ચાલ્યા ગયા. એમના આત્માને કેટલું દુ:ખ થશે. સર, આઈ બેગ યોર પાર્ડન ફોર ધેર મીસ બીહેવીયર...' મારી મમ્મીનું અચાનક આમ બોલવું મારા માટે આંચકારૂપ હતું. હું સમજી શકી નહોતી કે એ તેનો અભિનય હતો કે મારા તરફની લાગણી હતી. તેમ છતાં મને તે ક્ષણે ગમ્યું હતું.