જયપુર: રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં આવેલી પચપદરા રિફાઇનરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આ રિફાઇનરીનું લોકાર્પણ કરવાના હતા. આગની આ ગંભીર ઘટનાને પગલે વડા પ્રધાન મોદીનો રાજસ્થાન પ્રવાસ રદ કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળ્યા હતા. રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માના કાર્યાલયે વડા પ્રધાનના કાર્યક્રમ સ્થગિત થવાની સત્તાવાર પુષ્ટિ કરી છે.
મળતી વિગતો અનુસાર, રિફાઇનરીના અત્યંત મહત્વના ગણાતા 'ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ'માં અચાનક આગ લાગી હતી. આગની જ્વાળાઓ એટલી ભીષણ હતી કે તેના પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની 50 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે બોલાવવી પડી હતી. આશરે દોઢ કલાકની ભારે જહેમત અને અનેક ફાયર ફાઈટરોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદી માત્ર રિફાઇનરીનું લોકાર્પણ જ નહીં, પરંતુ એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરવાના હતા. આ કાર્યક્રમ માટે મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા પણ સોમવારે સાંજે પચપદરા પહોંચવાના હતા, પરંતુ આકસ્મિક આગને કારણે સમગ્ર આયોજન પર પાણી ફરી વળ્યું છે. ઇમરજન્સી ટીમો હાલમાં પણ સ્થળ પર તૈનાત છે અને આગ લાગવા પાછળના ટેકનિકલ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પણ આ ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું હતું કે, પચપદરા રિફાઇનરી દરેક રાજસ્થાની માટે ગૌરવ સમાન પ્રોજેક્ટ છે અને ઉદ્ઘાટનના એક દિવસ પહેલા આવી ઘટના બનવી તે અત્યંત કમનસીબ છે. તેમણે આ ઘટનામાં તમામ કર્મચારીઓની સલામતી માટે પ્રાર્થના કરી હતી. હાલમાં રિફાઇનરીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.