મારી ઑફિસમાં કામ કરતા મારા પ્યુને એક વાર પચ્ચીસ હજાર રૂપિયાની લોન માગી. એને પિતાના નિધનના સમાચાર મળ્યા હતા. અગાઉ પણ એણે પિતાની સારવાર માટે પાંત્રીસ હજાર રૂપિયા ઉધાર લીધા હતા. મને મારા પ્યૂન પર પૂરો ભરોસો છે. મારે હવે એ જાણવું હતું કે પિતા મૃત્યુ પામ્યા પછી પણ તેને પચ્ચીસ હજારની શા માટે જરૂર પડી? એ રકમ એને પિતાની અંતિમવિધિઓ કરવા માટે જોઈતી હતી. એ આખા ગામને જમાડવા માગતો હતો. મેં એને સમજાવવાની કોશિશ કરી કે તું જે કંઈ કરવા માગે છે તે પૈસાના વેડફાટ સિવાય બીજું કશું નથી.
મારી આ વાત સાંભળીને એ જરા ચોંકી ગયો. એણે કહ્યું કે સાહેબ, સમાજમાં રહીએ છીએ. રીતિ-રિવાજ તો પાળવા પડેને. એણે એવુંય કહ્યું કે જો હું આ બધું નહીં કરું તો પરિવારજનો અને ગામના લોકો મારી ખૂબ ટીકા કરશે. મેં એને પૈસા તો આપી દીધા, પણ ગામડાના અશિક્ષિત લોકોના અંધવિશ્વાસ વિશે મારું મન વિચારોના ચગડોળે ચડી ગયું.
એ જ સાંજે હું મારી એક ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ દોસ્તને મળ્યો હતો. અમારી મૈત્રી પંદર વર્ષ જૂની છે. તાજેતરમાં એને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતી ઍકાઉન્ટિંગ ફર્મમાં ઊંચા હોદ્દા પર નોકરી મળી છે. મેં એની પાસે કાર લોન માટેની અરજીનાં કાગળિયાં જોયાં. મેં એને એની અત્યારની કાર વિશે પૂછ્યું, જેને હજુ દોઢક વર્ષ પણ માંડ થયું હતું. એણે કહ્યું કે એ મોટી કાર ખરીદવા માગે છે. મારા ચહેરા પર અસ્વસ્થતા છવાયેલી જોઈને એણે ખુલાસો કર્યો, `હવે હું મારી કંપનીમાં સિનિયર પૉઝિશન પર છું એટલે કાર પણ મારા હોદ્દા પ્રમાણે હોવી જોઈએને! ઊંચી પોસ્ટ પર હોવા છતાં નાની ગાડીમાં ફરતી રહું તો મારા જુનિયરો શું વિચારે?'
મારી મિત્ર `ભણેલીગણેલી' હતી એટલે એ વધારે `તર્કબદ્ધ' દલીલો કરી શકતી હતી. એનું કહેવું હતું કે જો એની પાસે મોંઘી કાર હશે તો જુનિયરોને તે સ્તર સુધી પહોંચવા માટે વધારે પ્રેરણા મળશે. એની માન્યતા પ્રમાણે જુનિયરોને એવું ન લાગવું જોઈએ કે રોજ આટલા બધા કલાકો કામ કર્યા પછી પણ જો નાનકડી કારમાં જ ફરવાનું હોય તો વધારે મહેનત કરવાનો મતલબ નથી. `ભણેલાગણેલા' લોકો પોતાની વાત સામેના માણસના ગળે ઉતારવા માટે વધારે બુદ્ધિપૂર્વક દલીલો કરી શકે છે અથવા મારે એમ કહેવું જોઈએ કે આમ કરીને તેઓ પોતાનાં જ મનને મનાવવા માગતા હોય છે કે પોતે જે કરી રહ્યા છે તે યોગ્ય છે.
શું આપણા ખર્ચ આપણા વિચારો અનુસાર હોવા જોઈએ કે આપણા ખર્ચને યોગ્ય ઠેરવવા માટે વિચારોને તેને અનુરૂપ બનાવી દેવા જોઈએ?
જ્યારે કોઈ એમ કહે કે હું લોન લઈને મોટી કાર એટલા માટે ખરીદવા માગે છે કે જેથી મારા જુનિયરોને પ્રેરણા મળે અને તેઓ મારા સ્તરે પહોંચવા વધારે મહેનત કરે, ત્યારે એનો અર્થ એ થાય કે એ વ્યક્તિ પોતાના વિચારોને ખર્ચ સાથે જોડી રહી છે અને તેને વાજબી ઠેરવવાની કોશિશ કરી રહી છે.
મેં અમુક લોકોને કહેતાં સાંભળ્યા છે કે તેઓ ખર્ચ એટલા માટે કરતા હોય છે કે જેથી એમને ખુદ્દને વધારે કરવાની પ્રેરણા મળે. લોકો એવુંય કહેતો હોય છે કે, `પૈસા છે એટલે ખર્ચીએ છીએ. કોઈ પાસે ઉધાર માગી ખર્ચતાં નથીને.'
જીવનની આ એક બહુ મોટી જાળ છે. સાવધાન રહેજો. આ એક એવી સ્થિતિ છે, જેમાં પહેલાં આપણે ખર્ચ કરીએ છીએ અને પછી તેને યોગ્ય ઠેરવવા માટે તર્કબદ્ધ દલીલો કરીએ છીએ. ધીમેધીમે આપણને આ રીતે ખર્ચ કરવાની આદત પડી જાય છે.
ચાલો, આપણે ખુદ્દ આપણી જાતને ચકાસીએ. શું આપણે ખર્ચ કરીને પછી મનને મનાવી લઈએ છીએ કે આ કરવો જરૂરી હતો? આપણે જે ચીજવસ્તુઓ, સેવાઓ ખરીદીએ છીએ તેના પર પણ નજર નાખીએ. જો આ વસ્તુની આપણી મૂળભૂત જરૂરિયાતો સાથે સંબંધ ન હોય તો તેનો અર્થ એ થયો કે આપણે જાળમાં ફસાઈ રહ્યા છીએ.
આ પ્રકારનો ખર્ચ એકાદ વખત કરી નાખ્યો હોય તો ઠીક છે, પણ જો તમારે અવારનવાર પહેલાં તમારી જાતને આ પછી તમારા પરિવારને ખર્ચ બદલ ખુલાસા કરવા પડતાં હોય તો સમજી લો કે તમે જરૂર જાળમાં ફસાઈ ચૂક્યા છો.
હવે બીજી વાત ચકાસો. શું આ ખર્ચ કરીને તમને સંતોષ અને આનંદ મળે છે કે પછી, ચીજવસ્તુ અને સેવા ખરી પછી તમે તેના વિશે ભૂલી જાઓ છો અને તે ખર્ચ નવેસરથી કરવા માગો છો? જો આપણે આવું કરતાં હોઈએ તો એ અર્થ થયો કે આપણે `શોપાહોલિક' એટલે કે ખરીદી કરવાના બંધાણી બની ગયા છીએ. જે રીતે શરાબીને વધુ ને વધુ શરાબ જોઈએ છે તે રીતે આપણને પણ વધુ ને વધુ માલસામાન તેમ જ સેવાઓ ખરીદવાની લત લાગી જાય છે યાદ રહે, આ બધામાંથી આપણને કોઈ જાતનો સંતોષ મળતો નથી.
યોગિક વેલ્થ
સંપત્તિ માણવાનો એક માત્ર રસ્તો મન સ્થિર રાખવાનો છે. ઈચ્છાઓ, લોભ, અસલામતી જેવી લાગણીઓને કારણે અસ્થિર થઈ જતું મન આપણને આપણી સંપત્તિનો આનંદ ક્યારેય માણવા નહીં દે.