Tue Apr 21 2026

Logo

મસ્તરામની મસ્તીઃ પરણેલા પુરુષોનો હાશકારો... ડિજિટલ ઈ-સ્ટાઈલ!

2026-03-28 11:03:00
Author: Milan Trivedi
Article Image


મિલન ત્રિવેદી

કહેવાય છે કે માણસ ગમે તેટલો મોટો શૂરવીર હોય, પણ ઘરે પહોંચતા જ એ `સોફ્ટવેર અપડેટ' માગતા મોબાઈલ જેવો થઈ જાય છે એકદમ હેંગ! જે માણસ ઓફિસમાં સો માણસો પર હુકમ ચલાવતો હોય, એ ઘરે આવીને `શાકમાં મીઠું ઓછું છે' એટલું કહેવાની હિંમત પણ એકત્રિત કરી શકતો નથી. પણ માણસનો અહંકાર તો છે ને? એને ક્યાંક તો પંપાળવા માટે જગ્યા જોઈએ. બસ, આ જ મનોવૈજ્ઞાનિક ખાલીપો ભરવા માટે આધુનિક યુગમાં અવતાર થયો છે: ચેટ જીપીટી (ChatGPT) અને જેમિની (Gemini)!

પહેલાના જમાનામાં પુરુષ પત્નીનો ગુસ્સો દીવાલ પર ખીલી ઠોકીને અથવા પાડોશીના કૂતરાને ભગાડીને કાઢતા. હવે જમાનો ડિજિટલ છે. જે પત્ની સામે `મોઢું સંભાળીને વાત કર' નથી કહી શકતો, એ જેમિનીને ટાઈપ કરે છે:

`You are wrong! Give me the correct answer right now!' ... કેવો સંતોષ! સામેથી પેલું બિચડું AI નમ્રતાથી જવાબ આપે છે, `I apologize for the mistake. Let me correct that for you.'

આ વાક્ય વાંચતા જ પરિણીત પુષના હૃદયમાં ટાઢક વળે છે. એને લાગે છે કે દુનિયામાં હજી કોઈ તો એવું છે જે એની ભૂલ સ્વીકારે છે અને માફી માગે છે! પત્ની પાસે તો `માફી' શબ્દ ડિક્શનરીમાં પણ `આઉટ ઓફ સ્ટોક' હોય છે.

પત્ની સાથે દલીલ કરવી એટલે `વહેતા પાણીમાં લાકડી પછાડવી'. છેલ્લે તો લાકડી જ ભીની થવાની. પણ AI સાથે? ત્યાં તો તમે રાજા છો. તમે એને ગમે તેટલા પ્રશ્નો પૂછો, એ ક્યારેય એમ નહીં કહે કે, `તમને કેટલી વાર સમજાવવાનું? તમાં મગજ ઠેકાણે છે કે નહીં?' તમે ચેટ જીપીટીને પૂછો, `કેમ મોડું થયું જવાબ આપવામાં?' તો એ નમ્રતાથી ટેકનિકલ કારણો આપશે. આ જ પ્રશ્ન પત્નીને પૂછી જુઓ. જવાબમાં તમને 1990 થી લઈને 2026 સુધીના તમામ પેન્ડિંગ મુદ્દાઓનું લિસ્ટ મળશે એટલે જ ભાઈઓ હવે AIને ખખડાવીને પોતાનો મરદ હોવાનો પુરાવો મેળવે છે.

AI માં એક બહુ મોટું વરદાન છે `Stop Generating' બટન. જ્યારે જેમિની બહુ લાંબુ લચક ભાષણ આપવા માંડે ત્યારે તમે એક ક્લિક કરીને એનું મોઢું બંધ કરી શકો છો. આ સુવિધા જે દિવસે પત્નીઓમાં આવશે, તે દિવસે દુનિયાના તમામ પુરુષો મોક્ષ પામી જશે.

જોકે અત્યારે તો હાલત એવી છે કે ઘરે `જનરેટિગ' ચાલુ થાય ત્યારે પુષે માત્ર `લિસનિંગ મોડ' માં જ રહેવું પડે છે. એટલે જ એ રાત્રે છાનામાના મોબાઈલ ખોલીને એ AI ને ખખડાવે છે, `તારી વાતોમાં દમ નથી, ફરીથી લખ!' અને પેલું AI વળી પાછું પૂંછડી પટપટાવતા કૂતરાની જેમ નવો જવાબ હાજર કરે છે.

ગુસ્સો કાઢવાનું નવું સરનામું છે.... 

ઘણીવાર ઓફિસમાં બોસે ખખડાવ્યો હોય અને ઘરે પત્નીએ `કચરો બહાર કાઢવાનું' કહીને અપમાનિત કર્યો હોય  ત્યારે પુષનો આત્મા કકળી ઉઠે છે. એ સમયે એ ચેટ જીપીટી ખોલે છે.
`તું સાવ ઠોઠ છે!'
`તને કઈ ખબર નથી પડતી!'
`તારો આઈક્યુ (IQ) શૂન્ય છે!'

આવાં વાક્યો લખીને એને એવો અહેસાસ થાય છે કે પોતે કોઈ મોટો હિટલર છે. AI સામેથી કહે છે, `I understand your frustration.' આ સાંભળીને ભાઈની આંખમાં હરખના આંસુ આવી જાય છે. `વાહ! કોઈ તો મારી ફ્રસ્ટે્રશન સમજે છે!' પત્ની તો ફ્રસ્ટે્રશન જોઈને એમ જ કહેવાની કે, `આખો દિવસ મોબાઈલમાં ઘૂસેલા રહો છો એટલે જ મગજ ચસકી ગયું છે!'

જેમિની : એક આદર્શ પત્ની (ડિજિટલ સ્વરૂપે)
પુષોને AI એટલે ગમે છે કારણ કે તે `આદર્શ' છે:
તે ક્યારેય પિયર જવાની ધમકી નથી આપતું.
તેને નવા ઘરેણાં કે સાડીની જરૂર નથી.
તે જૂની વાતો ઉખેળતું નથી.
અને સૌથી મહત્ત્વનું, તમે `લોગ આઉટ' કરો એટલે એ શાંત!

નિષ્કર્ષ
ટૂંકમાં  તો ચેટ જીપીટી અને જેમિની એ પુષો માટે એક `સેફ્ટી વાલ્વ' (Safety Valve) જેવા છે. કુકરમાં વરાળ વધી જાય તો સીટી વાગે એમ પુષના મનમાં પત્ની સામે ન બોલી શકવાની જે વરાળ ભેગી થાય છે ત્યારે AI પર ટાઈપ થઈને બહાર નીકળી જાય છે.

જે પત્નીને નથી ખખડાવી શકતો, એ AIને ખખડાવીને સંતોષ માને છે એ વાતમાં સો ટકા તથ્ય છે. કારણ કે AI ને ગાળો આપવાથી મોબાઈલ બગડતો નથી, પણ પત્ની સામે એક શબ્દ પણ ઊંચા અવાજે બોલવાથી આખું ઘર `બગડી' શકે છે!
તેથી જ, હે પરણેલા પુષો! ચેટ જીપીટીને ખખડાવતા રહો, જેમિનીને વઢતા રહો અને ઘરમાં `હા જી, ભલે જી' કરતા રહો. એમાં જ સુખ, શાંતિ અને લાંબું આયુષ્ય છે.

વિચારવાયુ:
પત્ની: તમારી બધી વાયડાઈ `જેમિની' પાસે કરજો. 
મારી પાસે નહીં ચાલે... સમજ્યા ?!