Sat Aug 15 2026

Logo

ફોકસઃ સુખી દામ્પત્ય જીવન: સ્નેહની સાથે સમજણ

2026-08-06 09:55:00
Author: Zubayda Valiani
Article Image

ઝુબૈદા વલિયાણી

સામાન્ય રીતે એવું મનાતું હોય છે કે આપણે બહારના અને દૂરના સંબંધોમાં તો બહુ કર્ટસી જાળવીએ છીએ, પણ જ્યારે ઘરે આવીએ ત્યારે દુનિયાભરનો બધો જ ગુસ્સો લાઇફ પાર્ટનર પર ઢોળી નાખતા હોઈએ છીએ. આ ટેવ ખૂબ જ ખરાબ છે.

- લગ્નજીવનમાં પ્રેમ સાથે અરસપરસ સન્માન પણ જરૂરી છે.
- લાઇફપાર્ટનર પર વારંવાર ગુસ્સો કરવો
- ઉદ્ધતાઈથી જવાબ આપવો આ બધી જ બાબતો પણ પતિ-પત્નીના સંબંધોને ભારરૂપ બનાવી દેતી હોય છે. જેને એવૉઇડ કરવી જોઈએ.
- ‘કભી કિસી કો મુક્કમલ જહાં નહીં મિલતા.’
કહી જમીં તો કહી આસમાં નહીં મિલતા...!

- દેશ-વિદેશમાં ખ્યાતિ ધરાવતા ‘મુંબઈ સમાચાર’માં આવતી કૉલમો-પૂર્તિઓમાં દર ગુરુવારે છપાતી ‘લાડકી’ પૂર્તિના વહાલાં સ્ત્રી-પુરુષ વાચક ભાઇ, બહેનો-દીકરીઓ!

- મૅરેજની ફર્સ્ટ શરત ઍડ્જસ્ટમેન્ટ છે.
- બધું જ સંપૂર્ણ વ્યક્તિમાં કે ઘરમાં ક્યાંય મળતું નથી.
- ક્યાંકને ક્યાંક-કંઈ ને કંઈક તો ખૂટતું જ હોય છે.
- જો થોડું ઍડ્જસ્ટમેન્ટ કરીને જીવતાં શીખશો તો કદાચ મૅરિડ લાઇફ સારી રીતે માણી શકશો.
- સ્વભાવમાં ગમે તેટલું અંતર હોય.

- જીવનમાં ગમે તેટલી મુશ્કેલી કેમ ન હોય, પણ જો સંબંધોને પ્રેમથી અને થોડી ઉદારતા રાખીને  સીંચવામાં આવે તો નાની મોટી સમસ્યાને સરળતાથી નિવારી શકાય છે.
- લાઇફ ટાઇમના સંબંધોને મધુરપથી ભરી દેવા માટે સમાધાનકારી વલણ રાખવું  અનિવાર્ય છે.
- જો એકબીજાનાં સ્વભાવગત લક્ષણોને સારી રીતે જાણી લેવામાં આવે તો લગ્નજીવનમાં ઍડ્જસ્ટમેન્ટ કરવું આસાન-સહેલું બની જાય છે.

- ઉદાહરણ તરીકે એકવાર તમે તમારા લાઇફ પાર્ટનરની ખામી પૉઇન્ટ આઉટ કરો  અને તે ગુસ્સે થઈ જાય તો નેક્સ્ટ ટાઇમ તમારે સમજી લેવું જોઈએ કે આ બાબત તેમને નથી ગમતી.
- આ રીતે એકબીજાની લાઇક-ડિસલાઇકને સમજી લેવામાં આવે તો ઝઘડા કે દલીલો  થવાને કોઈ સ્થાન જ નથી રહેતું.

- લગ્નજીવનને સફળ અને સુંદર બનાવવામાં બન્નેનો રોલ અગત્યનો હોય છે.
- પતિ અને પત્નીનો-બન્નેનો સહયોગ જરૂરી હોય છે. ત્યારે બન્નેએ એકબીજાની પ્રશંસા કરવાની સાથે કદર પણ કરવી જોઈએ અને સારી વાતને વ્યક્ત કરવી જોઈએ.

- ઘણીવાર પતિ એવું વિચારતો હોય છે કે મારે ઑફિસનાં કેટલા ટેન્શન હોય છે. તારે તો ઘરમાં જલસાથી રહેવાનું અને મોબાઇલમાં આવતી સાચી-ખોટી ખબરો અને ટીવી સિરિયલ જોઈને મજા કરવાની.

- જોકે એક સચ્ચાઈને કદી ભૂલશો નહીં અને તે એ છે કે,
- હાઉસ વાઇફની લાઇફ પણ એટલી ઇઝી-સરળ નથી હોતી.
- હોમ મૅનેજમેન્ટ કરવું તે પણ બહુ જવાબદારીનું કામ હોય છે.

- તો સફળતા માટે એકબીજાને શ્રેય આપો અને તેમનાં કામની અને કર્તવ્યનિષ્ઠાની કદર કરતાં શીખો.
- મૅરિડ લાઇફને બોરિંગ થતી અટકાવવા માટે અને 
- સાંસરિક જીવનના બોજાને હળવો કરવા થોડી મજાક મસ્તી પણ જરૂરી છે.
- થોડા સેન્સ ઑફ હ્યુુમરથી મોટા મોટા ઝઘડા-કંકાશને અને ખોટી દલીલોને પણ ટાળી શકાય છે.

- હસી મજાકથી ઘરમાં પણ વાતાવરણ હળવુંફુલ રહે છે.
- લગ્નજીવનમાં પતિ-પત્ની થોડી મજાક-મસ્તી સાથે એકબીજાના દોસ્ત બની રહે તો સંબંધો તરોતાજા રહે અને લગ્નજીવનના સુખને સારી રીતે માણી શકાય છે.

ઉપવનનાં પુષ્પો...

લગ્નજીવનની જ્યારે શરૂઆત થતી હોય ત્યારે તો વારંવાર પ્રેમનો એકરાર કરવામાં આવતો હોય છે. 
- યુવક-યુવતી વાતે વાતે ‘આઇ લવ યુ’ બોલતાં હોય છે.
- પણ જેમ જેમ સંબંધોની ઉંમર વધતી જાય તેમ તેમ પ્રેમનો એકરાર પણ જાણે ઓછો થઈ જાય છે.
- અને પછી એક સમયે તો સાવ બંધ થઈ જાય છે.

- જોકે એવું નથી કે સમય સાથે પ્રેમ ઓછો થઈ જાય છે, પણ માત્ર એકરાર કરવાનું સાવ ભુલાઈ જાય છે.
- પ્રેમના એકરારની પણ એક મજા હોય છે.
- પ્રેમની જુદી જુદી રીતે અભિવ્યક્તિ કરવાથી સંબંધો યંગ બની જાય છે અને સંબંધોની સારી રીતે માવજત કરી શકાય છે.

મલકાટ

- શેઠાણી ઘરની આયાને: 
‘મને, એવો વહેમ છે કે તારા શેઠ ઑફિસમાં એની સેક્રેટરીને પ્રેમ કરે છે...!
- આયા:
 ‘નારે ના. તમારા કહેવાનો ભાવાર્થ હું સમજું છું. તમે એમ ઇચ્છો છો કે હું એની અદેખાઈ કરું...?’