નવી દિલ્હી:કોંગ્રેસ પાર્ટીના અનેક નેતાઓ તેમના નિવેદનોને કારણે ચર્ચાના કેન્દ્રમાં રહી ચૂકયા છે, આ યાદીમાં મણિશંકર અય્યરનું નામ મોખરે લેવાય છે. પણ આ વખતે મણિશંકર અય્યરે તેમની પાર્ટી કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. એક નિવેદનમાં અય્યરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ ગાંધીવાદી, નેહરુવાદી અને રાજીવવાદી છે, પરંતુ 'રાહુલવાદી' નથી. તેમણે કટાક્ષ કરતા ઉમેર્યું કે ખુદ રાહુલ ગાંધી કદાચ એ વાત પણ ભૂલી ગયા છે કે અય્યર હજુ પણ કોંગ્રેસ પક્ષના સભ્ય છે.
અય્યરે કોંગ્રેસના સંગઠન માળખા અને નેતૃત્વ પર સવાલો ઉઠાવતા કહ્યું કે, જે જવાબદારી એક સમયે સરદાર પટેલ જેવા દિગ્ગજ નેતાઓ સંભાળતા હતા, તે આજે કે.સી. વેણુગોપાલ જેવા વ્યક્તિને સોંપવામાં આવી છે. આટલું જ નહીં, તેમણે પક્ષના સત્તાવાર પ્રવક્તા પવન ખેડાને 'કઠપૂતળી' ગણાવીને પક્ષના નિર્ણયોને મૂર્ખતાપૂર્ણ ગણાવ્યા હતા. તેમણે પક્ષની વર્તમાન સ્થિતિ પર અફસોસ વ્યક્ત કરતા પૂછ્યું કે, કોંગ્રેસ જેવી પાર્ટીની હાલત આવી કેવી રીતે થઈ શકે?
કેરળ વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ભવિષ્યવાણી કરતા અય્યરે પોતાની જ પાર્ટીને અરીસો બતાવ્યો છે. તેમણે કહ્યું કે એક કોંગ્રેસી તરીકે તેઓ ઈચ્છે છે કે UDF ની જીત થાય, પરંતુ એક ગાંધીવાદી તરીકે તેમને લાગે છે કે પિનરાઈ વિજયન ફરીથી સત્તામાં આવશે. વિજયનની કામગીરીના વખાણ કરતા તેમણે નિખાલસપણે સ્વીકાર્યું કે કેરળના લોકો તેમના કામને પસંદ કરી રહ્યા છે અને તેઓ આ બાબતે ખોટું બોલવા માંગતા નથી.
અંતમાં, અય્યરે કોંગ્રેસના આંતરિક કલહ પર પ્રહાર કરતા કહ્યું કે જે પક્ષના નેતાઓ અંદરોઅંદર લડતા હોય અને એકબીજાના ગળા કાપવા તૈયાર હોય, તેને જનતા શા માટે વોટ આપે? તેમણે ભૂતકાળને યાદ કરતા કહ્યું કે એક સમય હતો જ્યારે પક્ષમાં નેહરુના નિર્ણયોનો સહજ સ્વીકાર થતો હતો. સુભાષ ચંદ્ર બોઝનો ઉલ્લેખ કરતા તેમણે એમ પણ કહ્યું કે જો વિમાન અકસ્માતમાં તેમનું મૃત્યુ ન થયું હોત, તો કદાચ તેઓ દેશના રાષ્ટ્રપતિ બન્યા હોત.