વલો કચ્છ - ગિરિરાજ
બંદરીય શહેર માંડવીમાં એક અનોખું અને પ્રેરણાદાયી કાર્ય છેલ્લાં કેટલાંક વર્ષોથી શાંતિપૂર્વક આગળ વધી રહ્યું છે. એક એવું કાર્ય, જે માણસાઈની વ્યાખ્યાને વિસ્તૃત કરે છે અને જીવદયાના સાચા અર્થને જીવંત બનાવે છે. સમાજમાં દાનની અનેક પરંપરાઓ પ્રવર્તે છે. ક્યાંક અન્નક્ષેત્રો ચાલે છે, ક્યાંક ગરીબોને વસ્ત્રદાન થાય છે, તો ક્યાંક જરૂરિયાતમંદોને દવાઓ આપવામાં આવે છે. માણસની ભૂખ અને પીડા પ્રત્યે સંવેદના દાખવવી એ માનવ ધર્મની ઓળખ છે. ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ કે આ ધરતી માત્ર માણસ માટે જ નથી, પરંતુ ઉડતાં પંખીઓ, નિર્ભર પ્રાણીઓ અને મૌન જીવ પણ જીવનના સમાન હકદાર છે.
આવી જ સંવેદનાને હૃદયમાં સ્થાન આપીને માંડવીના ગોસ્વામી પરિવારે પક્ષીઓ માટે જે કાર્ય કર્યું છે, તે અનોખું છે. દાદા શંકરગીરીથી શરૂ થયેલી આ સેવાભાવનાની પરંપરા આજે તેમનાં સંતાનો દ્વારા જીવનશૈલી બની ગઈ છે. સંસ્કારનો સાચો અર્થ એ જ છે કે વડીલોના મૂલ્યો સંતાનોના વર્તનમાં જીવંત રહે અને અહીં આ વાત પૂર્ણ રીતે સાબિત થાય છે.
શહેરના જ્યોતેશ્વર પાર્કમાં 600 વારના પ્લોટ પર ગોસ્વામી પરિવારે ‘શ્રી સોમનાથ પક્ષીઘર’ નામે એક અનોખી પહેલ શરૂ કરી છે. સામાન્ય રીતે લોકો પક્ષીઓ માટે નાનાં માટીનાં માળાં, પીવીસી પાઈપ, પૂઠાં કે પ્લાસ્ટિકથી બનાવેલા ઘરડાં બાંધતા હોય છે, અથવા ગામડાંમાં કોઈ સાર્વજનિક ચબૂતરો જોવા મળે છે, પરંતુ માંડવીમાં જે બની રહ્યું છે તે આ બધાથી અલગ અને હટકે છે. અહીં ભવિષ્યમાં એવું કાયમી અને આલીશાન પક્ષીઘર ઊભું થશે, જ્યાં 500થી વધુ પોપટ, 500થી વધુ કબૂતરો, હજારો ચકલીઓ અને બીજાં અનેક નાનાં-મોટાં પક્ષીઓ રહી શકે.
હાલમાં પણ આ પ્લોટમાં વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓ માટે રોજિંદા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ચણ, અનાજ, સીઝન મુજબ ફળફ્રૂટ અને શુદ્ધ પાણી આ બધું અહીં નિયમિત રીતે પીરસવામાં આવ્યું છે જેનો અંદાજ કાઢીએ તો લાખોમાં આંકડા પ્રાપ્ત થાય. પરંતુ સેવાભાવીઓ કહે છે અમે સેવા કોઈ ગણતરીથી નથી કરતા એટલે ગણતરી રજૂ કરવામાં પણ અજુગતું લાગે પણ જ્યાં હજારોની સંખ્યામાં પક્ષીઓને ચણ ખાતા જોઈએ એટલે આમેય સાદી ગણતરીથી અંદાજ આવી જ જાય! જાણે પ્રકૃતિના આ નિર્દોષ જીવ માટે એક અન્નક્ષેત્ર જ ચાલી રહ્યું હોય તેવી લાગણી થાય. રોજનો આ ઉપક્રમ સાંભળવામાં સહેલો લાગે, પરંતુ તેની પાછળ શ્રદ્ધા, નિયમિતતા અને એક ઊંડો લાગણી સંબંધ જોડાયેલો છે. પંદર વર્ષથી ચાલતી આ સેવાને આ પરિવારે સાત વર્ષ પહેલા પ્લોટ ખરીદીને કાયમી સરનામું તરીકે ગોઠવી દીધું છે.
આજના ઝડપી શહેરીકરણના સમયમાં પક્ષીઓની સ્થિતિ ખરેખર ચિંતાજનક બની ગઈ છે. કોન્ક્રીટનાં જંગલોમાં વૃક્ષો ઘટી રહ્યાં છે, ખુલ્લી જગ્યાઓ સંકોચાઈ રહી છે અને કુદરતી આશ્રયો નાશ પામી રહ્યા છે. ચકલી જેવી સામાન્ય લાગતી ચીડિયાની સંખ્યા પણ દિવસેને દિવસે ઘટતી જાય છે. આવી સ્થિતિમાં દાણા નાખવા, પાણી મૂકવા અને સુરક્ષિત રહેઠાણ ઊભું કરવું માત્ર દયા નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી છે. ગોસ્વામી પરિવારે આ જવાબદારીને માત્ર સમજ્યા નથી, પરંતુ તેને પોતાના જીવનનો અભિન્ન ભાગ બનાવી દીધો છે.
આ પ્લોટમાં સુંદર બાઉન્ડ્રી બનાવવામાં આવી છે અને વિવિધ પ્રકારનાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે, જેથી પક્ષીઓને કુદરતી માહોલ મળે. છેલ્લાં સાત વર્ષમાં અહીં હજારો મણ ચણ પીરસાઈ ચૂક્યું છે. એટલે કહી શકાય કે પક્ષીઘરનું નિર્માણ હજી પૂર્ણ થયું ન હોય, છતાં સેવાભાવનું ઘર તો અહીં ઘણાં સમયથી બાંધી દેવામાં આવ્યું છે. હાલમાં પક્ષીઓ માટે કાયમી આશ્રય ઊભું કરવાની પ્રક્રિયા ચાલુ છે, જેમાં પરિવાર લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યો છે.
આ સમગ્ર કાર્ય પાછળ એક લાગણીસભર સ્મૃતિ પણ જોડાયેલી છે. ગોસ્વામી પરિવારના સ્વર્ગીય શંભુગીરી ગોસ્વામીના પુત્રો અનિલ અને નિલેશગીરીએ પોતાના મોટાભાઈ હિતેશગીરી ગોસ્વામીના અવસાન પછી તેમની યાદને જીવંત રાખવા માટે આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. માતા પુષ્પાબેનની પ્રેરણાથી પ્લોટ ખરીદીને ‘શ્રી સોમનાથ પક્ષીઘર’ નામ આપવામાં આવ્યું જે માત્ર સ્મૃતિ નહીં, પરંતુ આજે જીવદયા અને સેવા ભાવનાનું પ્રતિક બની ગયું છે.
આ ઉદાહરણ આપણને એક મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે. દરેક વ્યક્તિ માટે લાખોના ખર્ચે પક્ષીઘર બનાવવું શક્ય ન હોય, પરંતુ દરેક ઘરમાં નાની શરૂઆત કરી શકાય છે. એક પાણીનો કુંડો મૂકી શકાય, ચકલી માટે માળું બાંધી શકાય, એક વૃક્ષ વાવી શકાય અને થોડાં દાણા છાંટવામાં આવે તો પણ આપણે પ્રકૃતિ પ્રત્યેનો આપનો કર્તવ્ય નિભાવીએ છીએ. બાળકોને પણ શીખવવું જોઈએ કે પક્ષીઓ માત્ર પ્રાણી નથી, પરંતુ માનવજીવનની સાંકળનો મહત્ત્વનો હિસ્સો છે.
અંતમાં કહી શકાય કે માણસ જો માત્ર પોતાના સુખમાં જ જીવશે તો સમાજ સૂકો બની જશે, પરંતુ જ્યારે આપણે જીવમાત્ર પ્રત્યે સંવેદનશીલ બનીએ છીએ, ત્યારે જ સાચી માણસાઈ જીવંત રહે છે. માંડવીના ગોસ્વામી પરિવારનું આ કાર્ય માત્ર પક્ષીપ્રેમ નહીં, પરંતુ એક એવી પ્રેરણા છે, જે દરેકને જીવનમાં કરુણા અને જવાબદારીનો સંદેશ આપે છે.