Sat Sep 05 2026

Logo

ભુજના વરનોરા ગામ પાસેથી દેશી બંદૂક સાથે શખસ ઝડપાયો, હથિયાર આપનાર અન્ય એક સામે ગુનો

2026-08-10 13:49:00
Author: Mumbai Samachar Team
ભુજના વરનોરા ગામ પાસેથી દેશી બંદૂક સાથે શખસ ઝડપાયો, હથિયાર આપનાર અન્ય એક સામે ગુનો

ભુજઃ નાપાક પાકિસ્તાનને અડીને આવેલા રણપ્રદેશ કચ્છના સીમાવર્તી ગામોમાં નાપાક પ્રવૃતિઓ ઉપરાંત વન્યપ્રાણીઓની શિકારી પ્રવૃત્તિ સતત વધી રહી છે. આ સાથે અવારનવાર સંવેદનશીલ વિસ્તારોમાંથી મારક હથિયારો પકડાતાં રહે છે. આ દરમિયાન સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડીએ ભુજ તાલુકાના વરનોરા ગામના તળાવ નજીક બાવળની ઝાડીમાંથી ગેરકાયદેસર દેશી બંદૂક સાથે એક શખસને દબોચી લીધો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

વિગતે વાત કરવામાં આવે તો, એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને વરનોરા (નાના) ખાતે રહેતા સબીર અબ્દુલ મમણને પરવાના વગરની સિંગલ બેરલની દેશી બંદૂક અને બે મોબાઈલ મળી કુલ રૂપિયા 3,000ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો હતો.

પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન આરોપી સબીરે આ બંદૂક ગામના જ ઓસમાણ ગની ઉર્ફે કારો ઈસ્માઈલ મમણ પાસેથી ખરીદી હોવાની કબૂલાત આપી હતી. આ અંગે એલસીબીએ બંને આરોપીઓ સામે માધાપર પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી, ફરાર ઓસમાણને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનને અડીને આવેલા કચ્છમાં અને ખાસ કરીને અબડાસા, લખપત, રાપર જેવા સરહદી વિસ્તારોમાં મારક હથિયારો આવે ક્યાંથી છે? એ જાણવા દેશની સુરક્ષા એજન્સીઓએ ઝીણવટભરી તપાસ હાથ ધરવી જોઈએ તેવી સ્થાનિક નાગરિકો માંગણી કરી રહ્યાં છે. 

(ઉત્સવ વૈદ્ય)