Mon Apr 20 2026

Logo

પીએમ મોદીએ બંગાળમાં 'ઝાલમુડી'ની મજા માણી, પણ મમતા બેનર્જીએ ખોલી નાખ્યું રહસ્ય, શું કર્યો દાવો?

2026-04-20 18:59:19
Author: Devayat Khatana
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક દુકાન પર સ્થાનિક સ્ટ્રીટ ફૂડ 'ઝાલમુડી'ની મજા માણતા જોવા મળે છે. પુરુલિયા, મેદિનીપુર અને બાંકુડામાં વિશાળ જનસભાઓ ગજવ્યા બાદ પીએમ મોદીએ ઝાડગ્રામમાં પોતાનો કાફલો રોકીને આ ચટાકેદાર ભેળનો સ્વાદ માણ્યો હતો. વડા પ્રધાન મોદીએ પોતે પણ આ ક્ષણોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરતા લખ્યું કે, "બંગાળમાં વ્યસ્ત ચૂંટણી સભાઓ વચ્ચે મેં ઝાડગ્રામની સ્વાદિષ્ટ ઝાલમુડીનો આનંદ લીધો."

જોકે, પીએમ મોદીનો આ અંદાજ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને જરાય પસંદ આવ્યો નથી અને તેમણે આ ઘટનાને નાટક ગણાવી આકરા પ્રહાર કર્યા હતા. મમતા બેનર્જીએ પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આ બધું જ અગાઉથી નક્કી કરેલ ડ્રામા હતો. 

તેમણે આક્ષેપ કર્યો કે દુકાનમાં પહેલાથી જ માઈક અને કેમેરા લગાડવામાં આવ્યા હતા અને SPG દ્વારા ઝાલમુડી તૈયાર કરાવાઈ હતી. બેનર્જીએ વધુમાં ઉમેર્યું કે, ચૂંટણી સમયે પીએમ મોદી ક્યારેક ગુફામાં જતા રહે છે તો ક્યારેક પોતાને ચાવાળા ગણાવે છે, આ બધું માત્ર લોકોનું ધ્યાન ભટકાવવા માટે છે.

બીજી તરફ, મમતા બેનર્જીએ ભાજપ પર બહારથી ભીડ એકઠી કરવાનો અને કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે ભાજપ પાસે બૂથ પર તૈનાત કરવા માટે પોતાનું જનબળ નથી, તેથી તેઓ ટ્રેનો ભરીને લોકોને લાવે છે. 

આ સાથે જ તેમણે કાર્યકરોને ચેતવણી આપતા કહ્યું કે, ત્રણ અઠવાડિયા બાદ તૃણમૂલ કોંગ્રેસ ફરી સરકાર બનાવશે, તેથી ઈવીએમ પર ચુસ્ત નજર રાખવી જરૂરી છે. તેમણે આશંકા વ્યક્ત કરી કે કેન્દ્રીય દળો અને એજન્સી મતગણતરી પ્રક્રિયામાં છેડછાડ કરી શકે છે, તેથી અંત સુધી લડત ચાલુ રાખવી જોઈએ.