મમતા બેનર્જીના વિરોધ પ્રદર્શનમાં TMCના 72 ધારાસભ્યો અને 23 સાંસદો ગાયબ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અને રાજ્યમાં થયેલા સત્તા પરિવર્તન બાદ TMC ના પ્રમુખ મમતા બેનર્જીની ચિંતાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ટીએમસીના સાંસદ અભિષેક બેનર્જી અને કલ્યાણ બેનર્જી પર થયેલા હુમલાના વિરોધમાં મમતા બેનર્જી કોલકાતાના રાની રાસમણિ એવેન્યુ પર રસ્તા પર ઉતર્યા ખરા, પરંતુ તેઓ પોતાની જ પાર્ટીમાં એકલા પડી ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
મમતા બેનર્જીએ ગઈ કાલે વિરોધ પ્રદર્શન અને ધરણાથી ટીએમસીના મોટાભાગના ધારાસભ્યો અને સાંસદોએ અંતર જાળવી રાખ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ આખા પ્રદર્શનમાં ટીએમસીના માત્ર 08 ધારાસભ્યો અને 06 સાંસદો જ હાજર રહ્યા હતા. તેવામાં હવે એ સવાલ ઉઠી રહ્યો છે કે બાકીના નેતાઓ મમતા બેનર્જીના આટલા મોટા આંદોલનમાં કેમ ન પહોંચ્યા? પશ્ચિમ બંગાળમાં ટીએમસી પાર્ટી હવે વિખેરાઈ રહી છે.
પાર્ટીની અંદર વધી રહેલી તિરાડ
બંગાળ ચૂંટણીના પરિણામો અને સત્તા બદલાયા બાદથી જ ટીએમસીની અંદર આંતરિક વિખવાદ અને તિરાડ વધુ ઘેરી બનતી જઈ રહી છે. મમતા બેનર્જીની પોતાની પાર્ટીના નેતાઓ પરની પકડ સતત નબળી પડી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે, જેના પરિણામે જ પાર્ટીના કાર્યકરો પર થઈ રહેલા હુમલાના વિરોધ પ્રદર્શનમાંથી મોટાભાગના ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.
પોલીસે મંજૂરી ન આપી છતાં યોજાયા ધરણા
પશ્ચિમ બંગાળમાં સત્તા બદલાતાની સાથે જ રાજકીય સમીકરણો પણ સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. ટીએમસીના નેતાઓ અને કાર્યકર્તાઓ વિરૂદ્ધ સતત હિંસક હુમલા થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરીને મમતા બેનર્જીએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી માંગી હતી. જો કે, કોલકાતા પોલીસે સુરક્ષા વ્યવસ્થાનું કારણ આપીને આ ધરણા પ્રદર્શનની મંજૂરી આપી ન હતી. આ મનાઈ છતાં મમતા બેનર્જી કોલકાતાના રાની રાસમણિ એવેન્યુ પહોંચ્યા હતા અને ધરણા પર બેઠા હતા.
ટીએમસીના કેટલા નેતાઓ ધરણામાં આવ્યાં?
મમતા બેનર્જીના આ ધરણામાં સામેલ થનારા ધારાસભ્યોમાં માત્ર સોભનદેબ ચટ્ટોપાધ્યાય, નાન્યા બંદોપાધ્યાય, મદન મિત્રા, અશોક દેબ, અસીમા પાત્રા, બિમાન બેનર્જી, ફિરહાદ હકીમ અને કુણાલ ઘોષ જ હાજર રહ્યા હતા. જ્યારે સાંસદોની વાત કરીએ તો માત્ર ડોલા સેન, કલ્યાણ બેનર્જી, ડેરેક ઓ બ્રાયન, સમીરુલ ઈસ્લામ, મેનકા ગુરુસ્વામી અને નદીમુલ હક જ મંચ પર જોવા મળ્યા હતા.
08 ધારાસભ્યો અને 06 સાંસદોની હાજરીથી ખુલ્લો પડ્યો વિખવાદ
મમતા બેનર્જીના આ ધરણા પ્રદર્શને ટીએમસીની અંદર ચાલી રહેલા ભયંકર આંતરવિરોધને જગજાહેર કરી દીધો છે. પાર્ટી પાસે કુલ 80 ધારાસભ્યો અને સંસદમાં 41 સાંસદો (લોકસભા અને રાજ્યસભા મળીને) નું સંખ્યાબળ છે. આટલી મોટી સંખ્યા હોવા છતાં દીદીના મહાધરના કાર્યક્રમમાં મંચ શેર કરવા માટે માત્ર 08 ધારાસભ્યો અને 06 સાંસદો જ પહોંચ્યા હતા. જ્યારે મમતા બેનર્જીએ પોતાની પૂરી રાજકીય તાકાત બતાવવા માટે આ મોરચો ખોલ્યો હતો, ત્યારે ટીએમસીના 72 ધારાસભ્યો અને 23 સાંસદોનું આ આંદોલનથી અળગા રહેવા તે સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળના રાજકારણમાં અને ટીએમસી પક્ષની અંદર મોટા ઉલટફેર જોવા મળી શકે છે.