(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલબાર હિલમાં આવેલા કમલા નહેરુ પાર્ક નજીક સંવેદનશીલ ટેકરીને સ્થિર કરવા અને વારંવાર થતા માટીના ધોવાણને રોકવા અને મુંબઈ મહાનગરપાલિકાએ ૪૨ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ કામમાં ઢોળાવ સ્થિર કરવો અને ટેકરીના પાયા પર રિઇનફોર્સ્ડ સિમેન્ટ કૉંક્રિટ (આરસીસી) રિટેનિંગ વોલનું બાંધકામ શામેલ છે.
નેચર એલિવેટેડ વોકવે પ્રોજેક્ટ હાથમાં લીધા બાદ તેની ઉપરની બાજુએ રહેલી ટેકરીનો ઢોળાવ, વોકવે, આસપાસના રહેણાંક વસાહતો અને કમલા નહેરુ પાર્કના મુલાકાતીઓને સુરક્ષિત રાખવા માટે પાલિકાએ આ પ્રોજેક્ટમાં હાથમાં લીધો છે. ટેકરીના કેટલાક ભાગમાં ઢાળવાળો ઢોળાવ છે, જેમા ટેકરીની તળેટીમાં ઇમારતો, ચાલ અને ઝૂંપડપટ્ટી વસાહતો છે. અહીં ભૂસ્ખલનની ઘટનામાં જાનમાલનું ગંભીર નુકસાન થવાનું જોખમ રહેલું છે. તેથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) બોમ્બેના નિષ્ણાતોની ભલામણોનો આધારે વોકવેના ઉપરની બાજુએ ટેકરીના ઢોળાવનું સ્થિરિકરણ કરવા માટે રિઇનફોર્સ્ડ સિમેન્ટ કૉંક્રિટ (આરસીસી) રિટેનિંગ વોલ બાંધવામાં આવવાની છે.
હાલની પથ્થરની રિટેનિંગ વોલ અનેક સ્થળોએ ખરાબ થઈ ગઈ છે. તો લોયાલકા કમ્પાઉન્ડ વિસ્તારમાં ચોમાસામાં વારંવાર ભેખડ ધસી પડવાને કારણે દીવાલના કેટલાક ભાગો તૂટી પડ્યા છે. પોલીસ વિભાગે મલબાર હિલ જળાશય ટેકરીના નિરીક્ષણ પછી પાલિકાને સલામતીના પગલાં લેવાની સલાહ પણ આપી હતી.
આ પ્રોજેક્ટમાં માટી મજબૂતીકરણ, સ્ટીલ મેશ, ગેબિયન અને આરસીસી સ્ટ્રક્ચર તેમજ વરસાદી પાણીના નિકાલ માટે સુધારેલ ડ્રેનેજનો સમાવેશ થશે. આ કામ માટે ખાનગી કંપનીની નિમણૂક કરવામાં આવી છે, જેનો મૂળભૂત કરાર ખર્ચ રૂ. ૩૬.૬૯ કરોડ છે અને કુલ ખર્ચ રૂ. ૪૧.૮૩ કરોડ છે, જેમાં જોગવાઈઓ અને કરનો સમાવેશ થાય છે.
મલબાર હિલ પર ૨૦૨૦ની સાલમાં ભેખડ ધસી પડવાની મોટી ઘટના બાદ આ વિસ્તારને વધુ ટેકરી પર માટીના ધોવાણ અને ભેખડ ધસી પડવા માટે સંવેદનશીલ ગણવામાં આવે છે. અગાઉ પાલિકાના હાઇડ્રોલિક વિભાગથી કેમ્પ્સ કોર્નર સુધીના વિસ્તારમાં રિસ્ટોરેશન (સમારકામ) કરવામાં આવ્યુંં હતું અને હવે વર્તમાન તબક્કામાં કમલા નહેરુ પાર્ક નજીકના સંવેદનશીલ ઢાળ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.