ભુજ: કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના આડેસર નજીક આવેલી સંવેદનશીલ ચેકપોસ્ટ પરથી પોલીસે એક ટ્રકમાં ચોખાની આડમાં છુપાવીને લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આડેસર પોલીસે આશરે દોઢ-બે વર્ષના લાંબા ગાળા બાદ ચેકપોસ્ટ પરથી આટલી મોટી માત્રામાં શરાબનો જથ્થો પકડી પાડવામાં સફળતા મેળવી છે. આ મામલે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મગાવનારા ભુજ, કેરા અને આદિપુરના શખ્સોના નામ ખૂલ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આડેસર પોલીસ મથકના પી.આઈ. વી.એ. સેંગમને પૂર્વ બાતમી મળી હતી કે સાંતલપુર તરફથી આવતી એક ટ્રકમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો કચ્છમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી. દરમિયાન, શંકાસ્પદ ટ્રક (નંબર: એચઆર-૪૬-ઈ-૧૯૯૩)ને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં ટ્રકના ઠાંઠામાં ચોખાની બોરીઓ ભરેલી જોવા મળી હતી, પરંતુ બોરીઓ હટાવતા નીચેથી રોયલ સ્ટેગની (૭૫૦ એમ.એલ)
૩૪૪૪ બોટલ, સુપર જુબીલીની ૧૭૮૮ બોટલ, આ જ બ્રાન્ડના ૧૮૦ એમએલના ૭૬૮૦ ક્વાર્ટરિયા સહીત કુલ રૂ.૭૮,૯૬,૦૦૦નો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાં સવાર હરિયાણાના નુરદીન મંગતુ ડુમ (મીરાસી) અને શ્રી ભગવાન ઉદયસિંઘની અટકાયત કરી છે.
પૂછપરછમાં સામે આવ્યું છે કે આ શખ્સોએ અગાઉ પણ આ રીતે દારૂની ખેપ મારી હતી. ગત ફેબ્રુઆરી માસમાં પણ હરિયાણાના યોગેશ અને વિક્રાંત સિંઘના કહેવાથી તેઓ ચોખાની આડમાં દારૂ ભરી મુંદરા ઝીરો પોઈન્ટ પહોંચ્યા હતા, જ્યાં કેરાના કુખ્યાત બુટલેગર અનોપસિંહ રાઠોડ અને ભુજ-આદિપુરના અન્ય સાગરીતોએ દારૂનો જથ્થો સ્વીકાર્યો હતો. આ વખતે પણ હરિયાણાથી ભરાયેલો આ માલ અનોપસિંહ રાઠોડ (કેરા), નવઘણ રાજગોર (ભુજ), દેવો કાપડી (આદિપુર) અને ગોપાલસિંહ વાઘેલા (ભુજ) સુધી પહોંચાડવાનો હતો. જોકે, જથ્થો પહોંચે તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો હતો.
આડેસર પોલીસે પકડાયેલા બંને શખ્સો સહિત યોગેશ, રવિ, વિક્રાંત, અનોપસિંહ અને અન્ય સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)