Sat Apr 18 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ મહિલા અનામત માટે નવા કાયદાની જરૂર જ

2026-04-18 08:39:00
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લોકસભામાં રજૂ કરેલા નારીશક્તિ વંદન અધિનિયમ (સુધારણા) બિલ પરની ચર્ચાનું પરિણામ શું આવ્યું એ આ વાંચતા હશો ત્યાં સુધીમાં ખબર પડી ગઈ હશે પણ આ ચર્ચાએ આપણા રાજકારણીઓની માનસિકતાને ફરી એક વાર છતી કરી દીધી છે. એક તરફ મોદી સરકાર કોઈ પણ ભોગે સંસદમાં આ બિલ પસાર કરવા મચી પડી છે ને એ માટે જૂઠાણાં ચલાવતાં પણ ભાજપના નેતાઓને શરમ નથી આવતી ત્યારે બીજી તરફ વિપક્ષો પણ મહિલા અનામતમાં પાછી મુસ્લિમ, ઓબીસી વગેરે માટે અનામત ઘુસાડીને અનામતનું હલકું રાજકારણ રમતાં ખચકાતા નથી એ જોઈને આઘાત લાગે છે. 

સૌથી વધારે આઘાત એ જોઈને લાગે કે, મહિલાઓનું સશક્તીકરણ કરીને તેમને વધારે પ્રતિનિધિત્વ આપવાની વાત બધાં કરે છે પણ એ દિશામાં નક્કર પગલાં ભરવાની દિશામાં કશું થતું નથી. 

ભાજપે નારીશક્તિ વંદન અધિનિયમ (સુધારણા) બિલ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓ માં 33 ટકા અનામત માટે હોવાનું ચિત્ર રજૂ કર્યું પણ વાસ્તવમાં આ બિલને મહિલા અનામત સાથે કંઈ લેવાદેવા નથી. મોદી સરકારે સુધારાના નામે રજૂ કરેલાં ત્રણ બિલમાં એક બિલ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાઓમાં મહિલા અનામત માટે છે, બીજું બિલ નવા સીમાંકન અંગે છે અને ત્રીજું બિલ લોકસભા અને વિધાનસભાઓની બેઠકોમાં વધારો કરવા માટે છે.  મહિલા અનામત બિલ 2023માં પસાર થઈ ગયેલું ને તેનો અમલ કરવા આડે કોઈ અવરોધ બચ્યો જ નથી. 

મોદી સરકારે ઉતાવળે ગુરુવારે રાત્રે તેનું નોટિફિકેશન પણ બહાર પાડી દીધું પછી તો માર્ગ સાવ મોકળો છે છતાં ભાજપ મહિલા અનામત માટે આ બિલ અનિવાર્ય હોવાનો દાવો કરે છે. તેની પાછળ ભાજપનો રાજકીય સ્વાર્થ છે. આ સ્વાર્થ સાધવા ભાજપે નિયમ 66નો ઉપયોગ કરીને પહેલાંથી પસાર થઈ ગયેલા બિલને સુધારા સાથે જોડી દીધું ને તેના કારણે પહેલાંથી મંજૂર થઈ ગયેલું મહિલા અનામત બિલ કચરાટોપલીમાં જતું રહે એવો ખતરો ઊભો થઈ ગયેલો. મોદી સરકારને છેલ્લી ઘડીએ ડહાપણ સૂઝતાં મહિલા અનામત બિલનું નોટિફિકેશન બહાર પાડી દેતાં મહિલા અનામત બિલ બચી ગયું પણ આ બધા ઉધામાએ ભાજપની પુરુષવાદી માનસિકતાને છતી કરી દીધી. 

મોદી સરકાર ખરેખર મહિલાઓ માટે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં 33 ટકા બેઠકો અનામત રાખવા માગતી હોય તો તેને લોકસભાની કે વિધાનસભાઓની બેઠકોમાં વધારા સાથે જોડવાની ક્યાં જરૂર છે ? અત્યારે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં જે બેઠકો છે તેમાંથી જ 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખીને તેનો અમલ કરી શકાય છે પણ એવું કરવા જાય તો પુરુષ નેતાઓ આડા ફંટાય તેથી બેઠકો વધારવાનો ઉધામો માંડવો પડ્યો. 

મહિલાઓ માટે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં 33 ટકા બેઠકો અનામત રાખવાનો ખરડો 2023માં જ પસાર થઈ ગયેલો અને રાષ્ટ્રપતિની સહી સહિતની બંધારણીય ઔપચારિકતાઓ પણ પતી ગઈ છે. માત્ર તેનું નોટિફિકેશન બહાર પાડવાની જ વાર હતી પણ એ નોટિફિકેશન બહાર પાડવાનું મુલતવી રાખીને  ત્રણ વર્ષથી તેનો અમલ લટકાવી દેવાયો હતો કેમ કે મહિલાઓ માટે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં 33 ટકા બેઠકો અનામત રાખવાના કાયદાનો અમલ થાય તો પુરુષોનો ગરાસ લૂંટાઈ જાય.

લોકસભામાં અત્યારે 74 મહિલા સાંસદો છે. ટકાવારીની રીતે લોકસભાના કુલ સાંસદોમાં મહિલાઓની ટકાવારી 13.6 ટકા છે. મહિલા સાંસદોમાં સૌથી ખરાબ હાલત ભાજપ અને કૉંગ્રેસની  છે કેમ કે ભાજપના લોકસભાના 240 સભ્યોમાંથી માત્ર 31 એટલે કે 12.9 ટકા મહિલાઓ છે જ્યારે કૉંગ્રેસના લોકસભાના 98 સભ્યોમાંથી 14 એટલે કે 14.3 ટકા મહિલાઓ છે. વાસ્તવમાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસને બાદ કરતાં કોઈ પક્ષ મહિલાઓને મહત્ત્વ નથી આપતો અને બીજા કોઈ પક્ષની મહિલા સાંસદોની ટકાવારી 20 ટકાથી વધારે પણ નથી. તૃણમૂલના 28 લોકસભા સભ્યોમાંથી 11 એટલે કે લગભગ 40 ટકા મહિલાઓ છે.
 
હવે લોકસભામાં જ 33 ટકા મહિલા અનામતનો અમલ કરાય તો મહિલાઓ માટે 181 બેઠકો કાયદેસર ખાલી રાખવી પડે. અત્યારની સ્થિતિએ જ 107 પુરુષોની બેઠકો છિનવાઈ જાય ને તેમાં કોનો વારો પડી જાય એ નક્કી નહીં. લખનઊ બેઠક મહિલા માટે અનામત થઈ જાય તો રાજનાથસિંહનું પત્તું કપાઈ જાય ને રાયબરેલી મહિલા માટે અનામત રખાય તો રાહુલ ગાંધીનું પત્તું પણ કપાઈ જાય. આ તો બે ઉદાહરણ આપ્યાં પણ બીજા પણ ઘણા ધુરંધરોનાં પત્તાં કપાઈ જાય. તેમને સાચવવા માટે બીજી બેઠકો પરથી ઊભા રખાય તો ત્યાં ઘમાસાણ થઈ જાય ને રાજ્યસભામાં મોકલે તો તેમાં પણ હોહા થઈ જાય. 

રાજ્યોની વિધાનસભાઓમાં તો મારો-કાપો જ થઈ જાય કેમ કે વિધાનસભાઓમાં તો મહિલા ધારાસભ્યોનું પ્રમાણ માત્ર 9 ટકા છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતનાં ભાજપ શાસિત રાજ્યો વિધાનસભાઓમાં ઓછું મહિલા પ્રતિનિધિત્વ ધરાવે છે. આ કારણે આ રાજ્યોમાં તો મોટા પાયે પુરુષ નેતાઓનાં પત્તાં કપાય ને જંગ જ થઈ જાય. 

આ સ્થિતિ ના સર્જાય એટલે લોકસભા ને વિધાનસભા બંનેની સંખ્યા જ વધારે દેવી તેથી કોઈનાં પત્તાં પણ ના કાપવાં પડે ને મહિલાઓને અનામત આપ્યાનો જશ પણ ખાટી શકાય. આ કારણે મોદી સરકારે બેઠકો વધારવાનો દાવ ખેલ્યો પણ એ ઊંધો વળી જશે એવું લાગ્યું એટલે મહિલાઓ માટે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં 33 ટકા બેઠકો અનામત રાખવાનું નોટિફિકેશન ગુરુવારે રાત્રે જ બહાર પાડી દીધું. 

આ નોટિફિકેશન બહાર પડતાં હવે મહિલાઓ માટે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં 33 ટકા બેઠકો અનામત રાખવાનો માર્ગ મોકળો થઈ ગયો છે ત્યારે મોદી સરકારે પોતે ખરેખર મહિલાઓને સત્તામાં ભાગીદારી આપવા માગે છે એ સાબિત કરવું જોઈએ. 16 એપ્રિલ, 2026થી તેનો અમલ કરવાનું નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે તેથી મોદી સરકાર ધારે તો હવે પછી જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવે છે એ તમામ રાજ્યોમાં 33 ટકા મહિલા અનામતનો અમલ કરી શકે છે. તેના માટે કોઈ મૂરત જોવાની જરૂર નથી. 

આવતા વર્ષે દેશનાં 7 રાજ્યોની વિધાનસભા ચૂંટણી છે. ફેબ્રુઆરી-માર્ચમાં ગોવા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને મણિપુર એ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી છે જ્યારે નવેમ્બર-ડિસેમ્બરમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી છે. 

મોદી સરકાર આ સાતેય રાજ્યોમાં બેઠકોની સંખ્યા વધે કે ઘટે તેની ચિંતા કર્યા વિના 33 ટકા મહિલા અનામતનો અમલ કરે તો આપોઆપ મહિલા અનામતના અમલનો રસ્તો ખૂલી જશે. 2028ની વિધાનસભા ચૂંટણીઓમાં ને 2029ની લોકસભા ચૂંટણીઓમાં પણ સરળતાથી તેનો અમલ કરી શકાશે, જરૂર માત્ર ને માત્ર રાજકીય ઈચ્છાશક્તિ બતાવવાની છે. મોદી સરકાર આ રાજકીય ઈચ્છાશક્તિ બતાવીને મહિલા સશક્તીકરણની દિશામાં નક્કર પગલું ભરશે એવી આશા રાખીએ.