મુંબઈ: દેશના વાહનવ્યવહાર સુસંચાલન માટે ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરી છે, પરંતુ મહારાષ્ટ્રમાંથી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. ટ્રાફિકના નિયમોના ભંગ કરવાના કિસ્સામાં ઈ-ચલણ મારફત હજારો કરોડો રુપિયાનો દંડ વસૂલવાનું બાકી છે તો તંત્રની સુધારાલક્ષી કામગીરી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
મહારાષ્ટ્રમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ મોટી સંખ્યામાં વાહનચાલકો ઈ-ચલણનો દંડ ભરવાથી બચી રહ્યા છે. વર્ષ 2019થી અત્યાર સુધી રાજ્યમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ જારી કરાયેલા ઈ-ચલણની આશરે 5,724 કરોડ રૂપિયાની રકમ બાકી છે. આ આંકડો ટ્રાફિક નિયમોના પાલન તેમ જ દંડની વસૂલાત બંને સામે રહેલા મોટા પડકારને દર્શાવે છે.
ઈ-ચલણની વ્યવસ્થા શરૂ કરવાનો મુખ્ય હેતુ ટ્રાફિક નિયમો તોડનારાઓ સામે ડિજિટલ માધ્યમથી કાર્યવાહી કરવી અને દંડની વસૂલાતને વધુ પારદર્શક તથા અસરકારક બનાવવાનો હતો. મહારાષ્ટ્ર હાઈવે ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, ઈ-ચલણ સિસ્ટમ ટેક્નોલોજીની મદદથી ટ્રાફિક ઉલ્લંઘનની ઓળખ કરી કાગળ વિના દંડની કાર્યવાહી કરવામાં મદદરૂપ થાય છે.
જોકે, ચલણ જારી થયા બાદ મોટી સંખ્યામાં લોકો નિર્ધારિત દંડની રકમ જમા કરાવતા નથી. પરિણામે, વર્ષોથી પેન્ડિંગ રહેલા ઈ-ચલણની રકમ સતત વધી રહી છે. 5,724 કરોડ રૂપિયાની બાકી રકમ રાજ્ય સરકાર માટે માત્ર આવકનો મુદ્દો નથી, પરંતુ લોકો ટ્રાફિક નિયમોને કેટલી ગંભીરતાથી લે છે તે અંગે પણ સવાલો ઉભા કરે છે.
ઈ-ચલણ દ્વારા ટ્રાફિક નિયમો તોડનારાઓ સામેની કાર્યવાહીમાં ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન, ઓવર સ્પીડમાં વાહન ચલાવવું, હેલ્મેટ અથવા સીટ બેલ્ટ વિના વાહન ચલાવવું સહિત મોટર વાહન કાયદાના અન્ય ઉલ્લંઘનોનો સમાવેશ થાય છે. મુંબઈ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં કેમેરા અને ડિજિટલ સિસ્ટમ દ્વારા આવા ઉલ્લંઘનો પર નજર રાખવામાં આવી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોના આંકડા પણ દર્શાવે છે કે જારી કરાયેલા ચલણની સંખ્યા અને તેની સામે થયેલી વસૂલાત વચ્ચે મોટો તફાવત છે. આવી સ્થિતિમાં બાકી રકમની વસૂલાત માટે વહીવટી તંત્રએ હવે વધુ અસરકારક પગલાં લેવાની જરૂર છે.
ઈ-ચલણ વ્યવસ્થાનો હેતુ ત્યારે જ સંપૂર્ણ રીતે સફળ માનવામાં આવશે, જ્યારે નિયમો તોડનારાઓ પર દંડ લાદવાની સાથે તેની સમયસર વસૂલાત પણ સુનિશ્ચિત કરવામાં આવે. 5,724 કરોડ રૂપિયાની બાકી રકમ એ દર્શાવે છે કે મહારાષ્ટ્રમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બાદ હવે સૌથી મોટો પડકાર પેન્ડિંગ ઈ-ચલણની વસૂલાતનો બની ગયો છે.