Wed Jul 22 2026

Logo

સોલાપુર જિલ્લાના બૂથમાં સગીરને પ્રવેશ આપવો ભારે પડ્યો: ચૂંટણી પંચે જવાબદાર અધિકારીઓને કર્યા સસ્પેન્ડ...

2026-02-14 16:36:00
Author: tejas rajpara
Article Image

PTI


મુંબઈ: મહારાષ્ટ્રમાં હાલમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન સુરક્ષા અને નિયમોના ઉલ્લંઘનનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.  જેના પર હવે સોલાપુર જિલ્લામાં મતદાન મથકની અંદર એક સગીર બાળકને પ્રવેશ આપવા અને તેને મતદાન પ્રક્રિયામાં સામેલ કરવા બદલ રાજ્ય ચૂંટણી પંચે (SEC) કડક વલણ અપનાવ્યું છે. ચૂંટણી પંચે આ મામલે પ્રાથમિક તપાસ બાદ જવાબદાર અધિકારીઓ સામે સસ્પેન્શન કર્યા છે, જે અન્ય કર્મચારીઓ માટે પણ એક બોધપાઠ સમાન છે.

શું છે સમગ્ર ઘટના?

આ ઘટના સોલાપુરના અકલુજ વિસ્તારમાં આવેલા યશવંત નગર મતદાન મથકની છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં NCP (SP) ના ઉમેદવાર અર્જુન સિંહ મોહિતે પાટીલનો 14 વર્ષનો પુત્ર તેમની સાથે પોલિંગ બૂથની અંદર જોવા મળ્યો હતો. વીડિયોમાં તે સગીર છોકરો તેના પિતાની હાજરીમાં EVM મશીનનું બટન દબાવીને મત આપી રહ્યો હોય તેવું દેખાતું હતું. ચૂંટણીના ગુપ્ત મતદાનના નિયમોના ભંગ બદલ આ ઘટનાને ગંભીર ગણીને પંચે ત્વરિત તપાસના આદેશ આપ્યા હતા.

રાજ્ય ચૂંટણી પંચે સોલાપુર કલેક્ટરને લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે મતદાન કમ્પાર્ટમેન્ટમાં બાળકને પ્રવેશ આપવો એ ચૂંટણી કાયદાઓનું સીધું ઉલ્લંઘન છે. આ મામલે ફરજ પરના પોલિંગ ઓફિસર અન્ના સાવતા બુધે અને પોલીસ કોન્સ્ટેબલ ગજાનન સીતારામ રાજુતની ગંભીર બેદરકારી સામે આવી છે. પરિણામે, પંચે આ બંને કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો અને તેમની સામે વિભાગીય શિસ્તભંગના પગલાં લેવાનો આદેશ આપ્યો છે.

અધિકારીઓ સામેની કાર્યવાહી ઉપરાંત, આ ઘટનામાં સંડોવાયેલા ઉમેદવાર અર્જુન સિંહ મોહિતે પાટીલ સામે પણ ગુનો દાખલ (FIR) કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે જિલ્લા વહીવટીતંત્ર પાસે આ કેસની વર્તમાન સ્થિતિ અને અત્યાર સુધી લેવામાં આવેલા પગલાંનો વિગતવાર અહેવાલ માંગ્યો છે. પંચે કલેક્ટરને આદેશ આપ્યો છે કે આ પ્રકારની ઘટનાઓ લોકશાહીની ગરિમાને ઠેસ પહોંચાડે છે, તેથી કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવે.