મુંબઈ: રાજ્ય વિધાનસભામાં વિવિધ પક્ષના નેતાઓએ મહારાષ્ટ્ર સરકારને નવજાત શિશુઓની સંભાળ સુવિધાઓનો વિસ્તાર કરવા અને સમય કરતા વહેલા જન્મેલા નવજાત શિશુઓની સારવારના ઊંચા ખર્ચની સમસ્યાનો નિવેડો લાવવા વિનંતી કરી હતી.
રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રકાશ આબિટકરે વિધાનસસભ્યોને ખાતરી આપી હતી કે સમિતિ દ્વારા તેનો અહેવાલ રજૂ કર્યા પછી નવજાત શિશુ સંભાળ માળખાને મજબૂત બનાવવાના પ્રસ્તાવો પર વિચાર કરવામાં આવશે.
ગૃહમાં ચર્ચાનો જવાબ આપતા આબિટકરે જણાવ્યું હતું કે સરકાર વિવિધ આરોગ્ય યોજનાઓ હેઠળ પેનલમાં સામેલ હોસ્પિટલો દ્વારા વિનામૂલ્યે સારવાર આપી જ રહી છે અને વધતી જતી આરોગ્યસંભાળ જરૂરિયાતોને અનુરૂપ નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ અને સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટની ક્ષમતા વધારવાના પગલાં પર વિચાર કરી રહી છે.
આ મુદ્દો ઉઠાવનારા એનસીપી (એસપી) સભ્ય બાપુસાહેબ પાઠારેએ જણાવ્યું હતું કે પુણેની વસ્તી ખાસ્સી છે પણ અહીં પાસે પૂરતી સરકારી નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટની સુવિધા ન હોવાથી અનેક પરિવારોને મોંઘી પ્રાઈવેટ હોસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડે છે.