Mon Aug 17 2026

Logo

હોમિયોપેથી ડોક્ટરોની તરફેણના જીઆરથી નારાજ રેસિડેન્ટ ડોક્ટરોની આવતીકાલથી બેમુદત હડતાળ

2026-08-04 21:23:17
Author: Mumbai Samachar Team
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા હોમિયોપેથીના ડોક્ટરોને એલોપેથીની સારવાર કરવાની પરવાનગી આપવામાં આવી તેનાથી એલોપેથીના તબીબો નારાજ થયા છે અને સરકારી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોએ આ નિર્ણયના વિરોધમાં બાંયો ચડાવી છે અને પાંચમી ઓગસ્ટથી બેમુદત હડતાળનું એલાન કર્યું છે.મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (એમએમપી) દ્વારા 30 જૂને જાહેર કરાયેલા જીઆર મુજબ, છ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ ઇન મોડર્ન ફાર્માકોલોજી (સીસીએમપી) પૂર્ણ કરનારા હોમિયોપેથી ડોક્ટરોને આધુનિક દવાઓ લખવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ આ નિર્ણય રેસિડેન્ટ ડોક્ટરોને સ્વીકાર્ય નથી.

રેસિડેન્ટ ડોક્ટરોનો સવાલ છે કે દર્દીની સારવાર જેવી સંવેદનશીલ બાબતમાં પૂરતી તાલીમ, વૈજ્ઞાનિક માપદંડ અને સ્પષ્ટ નિયમન વગર નવી વ્યવસ્થા કેવી રીતે લાગુ કરી શકાય?
એમએઆરડી (મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ)એ હવે આ મુદ્દે સીધો મોરચો ખોલ્યો છે. સંગઠને જાહેરાત કરી છે કે 5 ઓગસ્ટની મધરાતથી રાજ્યભરના સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે.

સરકારના નિર્ણયથી હોમિયોપેથી પ્રેક્ટિશનરોને નવી તક મળી છે, પરંતુ રેસિડેન્ટ ડોક્ટરોમાં અસંતોષ વધી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ મુદ્દો માત્ર વ્યવસાયનો નથી, પરંતુ દર્દીઓની સુરક્ષા સાથે સીધો જોડાયેલો છે.રેસિડેન્ટ ડોક્ટરોનું માનવું છે કે દવાઓ લખવાની જવાબદારી માટે એક સરખા અને કડક માપદંડ હોવા જરૂરી છે. તેઓ માંગ કરી રહ્યા છે કે કોર્ટનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી બીએચએમએસ-સીસીએમપી  હેઠળની રજિસ્ટ્રેશન પ્રક્રિયા અટકાવવામાં આવે.

માર્ડે આ બાબતે માહિતી આપતા જણાવ્યું છે કે દર્દીઓની હાલતને ધ્યાનમાં રાખીને હડતાળના પ્રથમ 24 કલાક દરમિયાન ઇમરજન્સી અને કેઝ્યુઅલ્ટી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. જોકે ઓપીડી , નિયમિત ડ્યુટી, વૈકલ્પિક પ્રક્રિયાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહેશે.જો સરકાર તરફથી કોઈ સંતોષકારક નિર્ણય નહીં આવે તો 6 ઓગસ્ટથી ઇમરજન્સી સહિત તમામ સેવાઓ બંધ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

એમએઆરડીએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો વિરોધ હોમિયોપેથી પદ્ધતિ કે તેના ડોક્ટરો વિરુદ્ધ નથી, પરંતુ દર્દીઓની સારવારને અસર કરતી નીતિઓ યોગ્ય નિયમન અને વૈજ્ઞાનિક આધાર સાથે જ લાગુ થવી જોઈએ.હવે જોવાનું રહેશે કે સરકાર હોમિયોપેથી ડોક્ટરોને મળેલી આ નવી સુવિધા અને રેસિડેન્ટ ડોક્ટરોની ચિંતાઓ વચ્ચે કેવી રીતે સંતુલન સાધે છે. કારણ કે આ વિવાદની  સીધી અસર આખરે દર્દીઓને જ થશે.