Tue Jul 28 2026

Logo

રાજ્યમાં આઠ જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે મહારાષ્ટ્ર હાઈ એલર્ટ પર: મુખ્ય પ્રધાન

2026-07-06 20:02:39
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: હાલ મુંબઈ, થાણે, પાલઘર, રાયગડ સહિત રાજ્યના અનેક જિલ્લામાં મુશળધાર  વરસાદ પડી રહ્યો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે  નાશિકમાં વાદળ ફાટવા જેવા બનાવોની ચેતવણી આપતા કહ્યું હતું કે આઠ જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા હોવાથી રાજ્ય તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમમાં પૂરની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય પ્રધાને  નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને રસ્તાઓથી દૂર રહેવા વિનંતી કરી હતી, કારણ કે સરકારી અધિકારીઓ ભૂસ્ખલન, નદીઓ ભરાઈ જવા અને બચાવ કામગીરીનું સંચાલન કરવા માટે કામ કરી રહ્યા હતા.

વધુમાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે રાજ્યમાં આઠ જુલાઈ સુધી હવામાન પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવવાની છે. મંગળવારેે નાશિકના કેટલાક ભાગોમાં વાદળ ફાટવા જેવી ઘટના બનવાની શક્યતા છે. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ, અને બધી એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે. 

મુખ્ય પ્રધાને ક્ધસ્ટ્રકશન સાઈટ પર પાણી ભરાઈ જવાને કારણે અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસવેના કેટલાક ભાગો બંધ કરી દેવામાં આવ્યા છે અને રિસ્ટોરેશનનું  કામ ચાલી રહ્યું છે, જ્યારે પાલઘર જિલ્લામાં જો વરસાદ ફરી શરૂ થાય તો મોડી રાતના દરિયામાં ભરતી હોઈ પાણી ભરાઈ જવાની શક્યતા  છે. 

રાજ્યના અનેક જિલ્લામાં આવેલા પૂર બાબતે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે રાજ્યના પશ્ર્ચિમ ઘાટ અને રાયગડ જિલ્લામાં ભારે વરસાદને કારણે સાવિત્રી સહિતની મુખ્ય નદીઓ ભયજનક સ્તરને વટાવી ગઈ છે. કાંપ કાઢવાના પ્રયાસોથી પૂરના પાણી નજીકના શહેરોમાં પ્રવેશતા અટકાવવામાં મદદ મળી છે, પરંતુ ભૂસ્ખલનથી વાહનવ્યવહારમાં ભારે અવરોધ ઉભો થયો છે. નદીના સ્તરમાં વધારો થવાને કારણે અધિકારીઓ સતારા અને કોલ્હાપુર પર પણ નજીકથી નજર રાખી રહ્યા છે.
ઇન્દ્રાયણી નદી પરના ચારેય પુલ ડૂબી ગયા હોવાથી વાર્ષિક વારી યાત્રા બાબતે  મુખ્ય પ્રધાને શ્રદ્ધાળુઓને દેહુ અને આલંદી પર ભેગા ન થવાની સલાહ આપી હતી.  યાત્રાળુઓને સીધા પુણે જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જ્યાં સરકારે તેમને સમાવવા માટે મોટા કામચલાઉ હેંગરોની વ્યવસ્થા કરી છે. પાલઘરમાં નાના બંધના ભાગને નુકસાન થયા બાદ નીચે તરફના ગામોના રહેવાસીઓને ખાલી કરાવવામાં આવી રહ્યા હોવાનું પણ મુખ્ય પ્રધાને કહ્યું હતું. 

ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કેસ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ અને બીએમસી કંટ્રોલ રૂમ  ચોવીસ કલાક કાર્યરત છે. જ્યારે હવામાન આગાહીના આધારે સંવેદનશીલ વિસ્તારોમાં એનડીઆરએફ ટીમોને પહેલાથી જ તહેનાત કરવામાં આવી છે અને  ચેતવણીઓ અનુસાર એસડીઆરએફ ટીમોને ફરીથી તહેનાત  કરવામાં આવી હતી.