મુંબઈ: મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ પ્રતિબંધિત ગુટખા અને ફ્લેવર્ડ તમાકુનો રૂ. 1.13 કરોડથી વધુનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુપ્ત માહિતીના આધારે શુક્રવારે બપોરે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ટ્રક મધ્ય પ્રદેશથી સમૃદ્ધિ એક્સપ્રેસવે થઈ ભિવંડી તરફ આવી રહ્યો હતો, પરંતુ અચાનક રૂટ બદલી સાંગમનેર થઈ પુણે તરફ જવા લાગ્યો હતો.
ટ્રકનો રૂટ બદલાતાં એફડીએની ટીમોએ સંભવિત માર્ગો પર નાકાબંધી કરી હતી. ઠાણે વિભાગની ટીમ મુરબાડ તરફ અને પુણે વિભાગની ટીમ રાજગુરુનગર તરફ તહેનાત કરવામાં આવી હતી. રાજગુરુનગર ટોલ પ્લાઝા પર ફૂડ સેફ્ટી ઓફિસર લક્ષ્મીકાંત સાવલેએ ટ્રક રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડ્રાઈવરે ટ્રક રોક્યો નહોતો અને આગળ હંકારી ગયો હતો. ત્યારબાદ સાવલેએ ટ્રકનો પીછો શરૂ કર્યો.
લગભગ છ કલાકના દિલધડક પીછા બાદ સ્થાનિક પોલીસની મદદથી ચાકણ-તળેગાંવ ચોક ખાતે ટ્રકને રોકી લેવામાં આવ્યો હતો. રાત્રે લગભગ 8 વાગ્યે ટ્રકની તપાસ કરતાં તેમાં મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત વિવિધ બ્રાન્ડના પાન મસાલા અને ફ્લેવર્ડ તમાકુ એટલે કે ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા માલની કુલ કિંમત રૂ. 1,13,54,600 હોવાની માહિતી એફડીએએ આપી હતી.
આ કેસમાં હરિયાણાના ટ્રક ડ્રાઈવર નફીસ મેહબૂબ ખાન (40), બુલઢાણાના સપ્લાયર નિલેશ રાઠી, જલગાંવના માલિક અરુણ પાટીલ, અને , ઈન્દોરના રહેવાસી ટ્રાન્સપોર્ટર સંજય માતાની ધરપકડ કરવામાં આવી છે. ચાકણ પોલીસ સ્ટેશનમાં સંબંધિત આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) હેઠળ ફરિયાદ નોંધી હતી.
એફડીએના જણાવ્યા મુજબ, આ માત્ર ફૂડ સેફ્ટી કાયદાના ઉલ્લંઘનનો મામલો નથી, પરંતુ જાહેર આરોગ્ય માટે જોખમી એવી સંગઠિત અને સતત ચાલતી ગેરકાયદે હેરફેર હોવાની પ્રથમ દૃષ્ટિએ શક્યતા છે. તેથી એફડીએએ પોલીસને આરોપીઓના અગાઉના ગુનાહિત રેકોર્ડ, ગુટખાની સપ્લાય ચેઇન અને નાણાકીય વ્યવહારોની તપાસ કરવા જણાવ્યું છે. જો તપાસમાં સંગઠિત ગેરકાયદે પ્રવૃત્તિના પુરાવા મળે તો આરોપીઓ સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (મકોકા) હેઠળ કાર્યવાહી કરવા સક્ષમ સત્તાધિકારીઓ સમક્ષ પ્રસ્તાવ રજૂ કરવા એફડીએએ પોલીસને વિનંતી કરી છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.