Fri Aug 28 2026

Logo

પાલઘર જિલ્લામાં હળવો ધરતીકંપ: નાગરિકો ભયભીત ત્રણ દિવસમાં બીજો ધરતીકંપનો આંચકો

2026-07-28 20:18:43
Author: Sapna Desai
પાલઘર જિલ્લામાં હળવો ધરતીકંપ: નાગરિકો ભયભીત ત્રણ દિવસમાં બીજો ધરતીકંપનો આંચકો

મુંબઈ:પાલઘર જિલ્લામાં મંગળવારે બપોરે ૩.૫ ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લામાં બીજી વખત ધરતીકંપના આંચકા આવતા નાગરિકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે, તાજેતરની ઘટનામાં કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયું નથી. મંગળવારે બપોરના ૧.૦૯ વાગ્યે ધરતીકંપ નોંધાયો હતો, ધરતીકંપનું કેન્દ્ર પાટીલપાડા ગામમાં હતું.

અધિકારીના જણાવ્યા મુજબ અસરગ્રસ્ત વિસ્તારમાંથી કોઈ નુકસાન કે જાનહાનિના કોઈ અહેવાલ નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓ અને મહેસૂલ અધિકારીઓ પરિસ્થિતિ પર  નજર રાખી રહ્યા છે. મંગળવારનો ધરતીકંપ  પાલઘરમાં છેલ્લા ત્રણ દિવસમાં નોંધાયેલો આ બીજો ધરતીકંપ છે. અગાઉ ૨૫ જુલાઈના ભારે વરસાદ વચ્ચે દહાણુ તાલુકાના ગંજડ વિસ્તારમાં ૩.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પાલઘર પટ્ટામાં ખાસ કરીને દહાણુ અને તલાસરી તાલુકાઓમાં ઓછી તીવ્રતાના આંચકા આવવાનો ઇતિહાસ રહ્યો છે. જોકે ધરતીકંપની ગતિવિધિઓ શાંત થઈ ગઈ હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં નવા આંચકાઓએ સ્થાનિક વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર મૂકી દીધું છે.